ભાજપ અજિત પવારની પાર્ટીને સત્તા બહાર તગેડી મૂકવાની તૈયારીમાં, શરદની પાર્ટીનો મોટો દાવો
Maharastra Politics News | શરદ પવારની એનસીપીએ એક મોટો દાવો કર્યો છે કે આરએસએસ સંબ;ધિત મરાઠી સાપ્તાહિકમાં ભાજપ અને અજિત પવારની એનસીપીના ગઠબંધન પર સવાલ ઊઠાવતો એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો જે ઉપમુખ્યમંત્રી અજિત પવારને મહારાષ્ટ્રમાં સત્તાપક્ષ છોડવા માટે એક મેસેજ છે.
આરએસએસ દ્વારા મોટો દાવો કરાયો
આરએસએસ સંબંધિત પ્રકાશન વિવેકમાં દાવો કરાયો છે કે અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપી સાથે ગઠબંધન બાદ મહારાષ્ટ્રમાં મતદારોની ભાવનાઓ ભાજપવિરોધી થઇ ગઈ છે જેના પરિણામ સ્વરૂપે ભગવા પાર્ટીનું પ્રદર્શન બગડ્યું છે. તેમાં એવો પણ દાવો કરાયો છે કે ભાજપના સભ્યોને પણ અજિત પવાર સાથેનું ગઠબંધન મંજૂર નથી.
લોકસભામાં ભાજપને થયું મોટું નુકસાન
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના તાજેતરના પરિણામથી ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો. મહારાષ્ટ્રમાં ભાજપના સાંસદોની સંખ્યા ઘટીને 9 થઈ ગઇ છે. શિવસેના અને એનસીપીએ ક્રમશઃ સાત અને એક બેઠક જીતી હતી. જેની સામે મહાવિકાસ અઘાડીએ શાનદાર પ્રદર્શન કર્યું અને 48માંથી 30 બેઠકો પર સપાટો બોલાવ્યો હતો.
શરદની પાર્ટીએ કર્યો મોટો દાવો
બુધવારે જ એનસીપી શરદચંદ્ર પવાર પાર્ટીના પ્રવક્તા ક્લાઈટ ક્રેસ્ટોએ દાવો કર્યો હતો કે ભાજપને અહેસાસ થઈ ગયો છે કે અજિત પવારના નેતૃત્વ હેઠળની પાર્ટી સાથે તેનું ગઠબંધન મહારાષ્ટ્રમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં તેની શક્યતાઓને મોટું નુકસાન કરશે. વાસ્તવિકતા એ છે કે મહારાષ્ટ્રના લોકોએ મોટાપાયે શરદ પવારની પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું છે.