ગુલામનબી આઝાદને ભાજપનું આમંત્રણ : કુલદીપ બિશ્નોઈએ કહ્યું : 'રાહુલે અહંકાર છોડી દેવો જોઈએ'
- બિશ્નોઈએ હમણાં જ કોંગ્રેસ છોડી છે અને ભાજપમાં જોડાયા છે તે પ્રમાણે અનુસરવા તેમણે ગુલામનબી આઝાદને અનુરોધ કર્યો છે
ચંડીગઢ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે પક્ષના તમામ પદો ઉપરથી અને સામાન્ય કાર્યકર્તા પદેથી પણ તેમનું ત્યાગપત્ર આપી દીધાના સમાચારો મળતાં જ તાજેતરમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કુલદીપ બિશ્નોઈએ આઝાદને ભાજપમાં જોડાવા આમંત્રણ આપી દીધું છે. સાથે કહ્યું છે કે, 'ભાજપમાં આપનું સ્વાગ્ત છે'
આમ છતાં આઝાદના રાજકીય ભાવિ અંગે ચર્ચા શરૂ થઈ ચૂકી છે, તો બીજી તરફ આઝાદે પોતાના ભાવિ નિર્ણય અંગે કોઈ સ્પષ્ટ વાત કરી નથી.
એક વાત તેવી પણ બહાર આવી છે કે, આઝાદ જમ્મુ- કાશ્મીરમાં અલગ પક્ષ રચવા માંગે છે તે અંગે નિરીક્ષકો તેમ પણ કહે છે કે, જો આઝાદ જમ્મુ કાશ્મીરમાં પોતાનો પક્ષ રચશે તો તેમાં જમ્મુ કાશ્મીર કોંગ્રેસ પ્રદેશ સમિતિના તેમના પક્ષના અન્ય કાર્યકરો પણ જોડાશે.
હરિયાણાના આદમપુરની બેઠક ઉપર કોંગ્રેસના વિધાયક રહી ચૂકેલા કુલદીપ બિશ્નોઈએ આઝાદના ત્યાગપત્ર અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તે કહેવું પણ ખોટું નથી કે કોંગ્રેસ પોતાની મેળે જ ખતમ થવાના આત્મઘાતી મોડ પર છે. હું સલાહ આપું છું કે, રાહુલ ગાંધી પોતાનો ગર્વ દૂર કરે... ગુલામનબી આઝાદનું ભાજપમાં સ્વાગત છે. જો પાર્ટી (ભાજપ) મને કહેશે તો હું તેઓને પાર્ટીમાં શામેલ થવા માટે મનાવી શકીશ.
તે સર્વવિદિત થઈ ગયું છે કે, કોંગ્રેસના વરિષ્ટ નેતાઓ પૈકીના એક, અને કોંગ્રેસમાં એકાવન એકાવન વર્ષથી પ્રદાન આપી રહેલા જમ્મુ અને કાશ્મીરના કોંગ્રેસના વરિષ્ટ નેતા ગુલામનબી આઝાદે પક્ષના તમામ પદો ઉપરથી ત્યાગપત્ર આપી દીધું છે. એક સમયે કોંગ્રેસના આધાર-સ્તંભો પૈકીના એક નેતાએ પક્ષમાં ચાલી રહેલી 'ગરબડ'થી ઘણા જ નારાજ થઈ ગયા હતા અને ત્યાગપત્ર માટેના પોતાના પાંચ પાનાના સોનિયા ગાંધીને લખેલા પત્રમાં પક્ષની ઉણપો અને તેમાં સુધારો નહી કરવા અંગે દર્શાવેલી ઉદારતાની સખત ટીકા કરી છે. વિશેષત: તેઓએ રાહુલ ગાંધીની ક્ષમતા વિષે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. આ પૂર્વે થોડા સમય પહેલા જ આઝાદે પક્ષની પોલિટિકલ અફેર્સ કમિટીમાંથી પણ રાજીનામું આપ્યું હતું.
૩જી ઑગસ્ટ ચંડીગઢના વિધાયક પદેથી પોતાનું ત્યાગપત્ર આપતા બિશ્નોઈએ કહ્યું હતું કે, કોંગ્રેસ હવે રાજીવ ગાંધી કે ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ રહી નથી. હું ભાજપમાં એક સામાન્ય કાર્યકર તરીકે કામ કરીશ.
કહેવાય છે કે, હરિયાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં થયેલા ફેરફાર દરમિયાન તેમને અન્યાય થયો હતો. રાજ્યસભાની ચૂંટણી સમયે તેમણે ક્રોસવોટિંગ પણ કર્યું હતું.