Get The App

એક્ઝિટ પોલના આંકડા જોઈ ભાજપને છૂટ્યો પરસેવો, બહુમતી ન મળે તો આ રીતે સરકાર બનાવવા તૈયારી

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
એક્ઝિટ પોલના આંકડા જોઈ ભાજપને છૂટ્યો પરસેવો, બહુમતી ન મળે તો આ રીતે સરકાર બનાવવા તૈયારી 1 - image


Haryana Assembly elections : હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને 8 ઓક્ટોબર એટલે આવતીકાલે તેના પરિણામ જાહેર થવાના છે. તે પહેલા એક્ઝિટ પોલ દ્વારા પરિણામ જાહેર કરવા આવ્યા છે. જે કોંગ્રેસ પાર્ટીની તરફેણમાં જોવા મળી રહ્યું છે. અને હાલમાં તમામ રાજકીય પક્ષો ચૂંટણી પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સાથે મતગણતરી બાદ સંભવિત સમીકરણોને લઈને પણ મંથન શરૂ થઈ ગયું છે. ત્યારે આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે.

આ પણ વાંચો : નીતિશ કુમારની સરકાર પાડવા પ્રયાસ! ધારાસભ્યોને કરોડોની ઑફર કિડનેપિંગની ધમકીનો દાવો

અમે બહુમતી સાથે સરકાર બનાવી રહ્યા છીએ: નાયબ સિંહ સૈની

ભાજપ દ્વારા હરિયાણામાં સરકાર બનાવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. પાર્ટીએ એવો પણ સંકેત આપ્યો છે કે, જો બહુમતી નહીં મળે તો સરકાર બનાવવા માટે અન્ય પક્ષો સાથે વાતચીત કરવામાં આવશે. INLD અને JJP જેવી પાર્ટીઓનું સમર્થન લેવાના સવાલ પર હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું કે, "અમારી પાસે સરકાર બનાવવાની સંપૂર્ણ વ્યવસ્થા છે. અમે બહુમતી સાથે સરકાર બનાવી રહ્યા છીએ, પરંતુ અન્ય પક્ષો સાથે વાતચીતના વિકલ્પો પણ ખુલ્લા છે."

2024માં ત્રીજી વખત પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવીશુ :બીજેપી અધ્યક્ષ

હરિયાણા ભાજપના પ્રમુખ મોહન લાલ બડોલીએ પણ કહ્યું કે, એક્ઝિટ પોલના પરિણામથી કોંગ્રેસને ખુશ થઈ છે. સર્વે કરનાર અને કોંગ્રેસ બંનેને શુભેચ્છાઓ. 2024માં પણ ભાજપ ત્રીજી વખત પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. જો ભાજપને પૂર્ણ બહુમતી નહીં મળે તો અપક્ષો અને પ્રાદેશિક પક્ષોને સાથે લઈને કામ પાર પાડવામાં આવશે. તો આ બાજુ ઈન્ડિયન નેશનલ લોકદળ એટલે કે, આઈએનએલડીએ પણ સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. જો કે, ભાજપ કે કોંગ્રેસને સમર્થન આપવાના વાત પર તેમણે કહ્યું કે, ચૂંટણી પછી કેવા સંજોગો હશે, તે સમય જ નક્કી કરશે, પરંતુ ચૌધરી દેવીલાલની નીતિઓમાં વ્યક્ત કરાયેલા વિશ્વાસ મુજબ નિર્ણય લેવામાં આવશે.

એક્ઝિટ પોલમાં શું છે સ્થિતિ?

એક્સિસ-માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે હરિયાણાની 90 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ 23, કોંગ્રેસ 59, INLD 2 અને અન્ય ઉમેદવારો 6 બેઠકો જીતી શકે છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આ વખતે 90 બેઠકો પર કુલ 1,031 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેમાં 101 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉમેદવારોમાં 464 અપક્ષ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આ વખતે મુખ્ય જંગ ભાજપ, કોંગ્રેસ, આપ, INLD-BSP ગઠબંધન અને JJP-ASP ગઠબંધન વચ્ચે છે.


Google NewsGoogle News