કોણ છે ભાજપ નેતા માધવી લતા, જે ઓવૈસીનો કિલ્લો ધ્વસ્ત કરીને 40 વર્ષનો ઈતિહાસ બદલવા ઈચ્છે છે
Madhavi Latha, BJP’s Hyderabad Candidate : હૈદરાબાદ લોકસભાની બેઠક પરથી વર્ષોથી ઓવૈસીનો પરિવાર જીતતો આવી રરહ્યો છે. આ બેઠક જીતવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ ઓવૈસીના પરિવાર સામે કોઈ ટકી શક્યું નહીં. લગભગ 40 વર્ષથી ઓવૈસીનો પરિવાર આ બેઠક પરથી જીતીને સંસદમાં પહોંચે છે. જો કે, હવે 2024ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર મુકાબલો રસપ્રદ રહેવાનો છે કારણ કે આ વખતે અસદુદ્દીન ઓવૈસીના ગઢમાં તોફાન મચાવવા જઈ રહી છે ભાજપના ઉમેદવાર કોમ્પેલા માધવી લતા.
કોણ છે માધવી લતા?
કોમ્પેલા માધવી લતા વિરિંચી હોસ્પિટલના ચેરપર્સન છે. આ સાથે માધવી લતા ભરતનાટ્યમ ડાન્સર પણ છે. અને તે હૈદરાબાદમાં વિવિધ સામાજિક કાર્યો તેમજ ટ્રસ્ટ અને સંસ્થાઓ દ્વારા આરોગ્ય હેલ્થકેર અને શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત માધવી લતા લોપામુદ્રા ચેરિટેબલ ટ્રસ્ટ અને લતામા ફાઉન્ડેશનના પ્રમુખ છે. તે સોશિયલ મીડિયા દ્વારા હિંદુત્વનો મુદ્દો જોરશોરથી ઉઠાવવા માટે જાણીતા છે.
એક ઈન્ટરવ્યૂના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણ કર્યા હતા
માધવી લતાએ કોટી મહિલા કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં એમએનો અભ્યાસ કર્યો છે. હૈદરાબાદ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા માધવી લતાએ એક ઈન્ટરવ્યુ આપ્યું હતું, જેના વખાણ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા હતા. આ ઈન્ટરવ્યુ લગભગ માત્ર હૈદરાબાદ લોકસભા બેઠક પર આધારિત હતો.
હૈદરાબાદ બેઠકનો ઇતિહાસ શું રહ્યો છે?
1984થી લોકસભા બેઠક પર ઓવૈસી પરિવારનો કબજો રહ્યો છે. 1984માં પહેલીવાર સુલતાન સલાહુદ્દીન ઓવૈસી આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. આ પછી તેઓ આ બેઠક પરથી કુલ 6 વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ અસદુદ્દીન ઓવૈસીના પિતા હતા. વર્ષ 2004માં આ બેઠક પરથી AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી ચૂંટણી લડ્યા હતા અને ત્યારથી તેઓ આ સીટ સતત જીતી રહ્યા છે. ટૂંકમાં આ બેઠક પર લગભગ 40 વર્ષથી ઓવૈસી પરિવારનો કબજો રહ્યો છે, પરંતુ હવે જોવાનું રહે છે કે શું આ વખતે હૈદરાબાદની બેઠક પર ફેરફાર થાય છે કેમ. પરંતુ, માધવી લતા ઓવૈસીનો કિલ્લો ધ્વસ્ત કરીને 40 વર્ષનો ઈતિહાસ બદલવા ઈચ્છે છે.
ભાજપે પહેલીવાર ઓવૈસીની સામે મહિલા નેતાને મેદાનમાં ઉતાર્યા
વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ભાગવત રાવને ઉમેદવાર બનાવ્યા હતા. અગાઉ ભાજપે સતીશ અગ્રવાલને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જો કે ભાજપે ઓવૈસીની સામે પહેલીવાર કોઈ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.