આ રાજ્યમાં ભાજપને ત્રણથી વધુ બેઠક મળી જ નથી, અહીં ચતુષ્કોણીય મુકાબલો રસપ્રદ સાબિત થશે

Updated: May 28th, 2024


Google NewsGoogle News
આ રાજ્યમાં ભાજપને ત્રણથી વધુ બેઠક મળી જ નથી, અહીં ચતુષ્કોણીય મુકાબલો રસપ્રદ સાબિત થશે 1 - image


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીમાં પંજાબ આ વખતે મહત્ત્વનું રાજ્ય સાબિત થાય તેમ છે. પંજાબની 13 લોકસભા બેઠકો ઉપર છેલ્લા એટલે કે સાતમા તબક્કામાં મતદાન થવાનું છે. રાજકીય જાણકારો અત્યારથી જ આ ચૂંટણીને ખૂબ જ રોમાંચક અને રસપ્રદ ગણાવી રહ્યા છે. સૂત્રોના મતે આ વખતે 13 બેઠકોનો મુકાબલો ચતુષ્કોણિય મુકાબલો થવાનો છે. 

કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભાજપ અને અકાલી દળ દ્વારા તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. તેમાં બસપા દ્વારા પણ રાજકીય રોટલા શેકવા માટે કેટલીક બેઠકો ઉપર ઉમેદવારી કરાઈ છે. તેના કારણે આ બેઠકોનો જંગ અસાધારણ સાબિત થવાનો છે. 

નવાઈની વાત એ છે કે, અત્યાર સુધી શિરોમણી અકાલી દળ અને ભાજપ બંને સાથીઓ હતો અને 2020 થી તેઓ જુદા થઈ ગયા. એનડીએનું આ ગઠબંધન તૂટી ગયું. આ વખતે બંને અલદ અલગ ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત ઈન્ડિયા ગઠબંધનમાં સાથે રહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પંજાબમાં જોડાણ કરાયેલું નથી. અહીંયા આપ અને કોંગ્રેસ અલગ અલગ ચૂંટણી લડી રહ્યા છે.

ભાજપ અહીં ત્રણથી વધારે બેઠક જીતી શક્યું જ નથી

ઉલ્લેખનીય છે કે, દિલ્હી અને પંજાબ આમ આદમી પાર્ટીના ગઢ જેવા બની ગયા છે. આ બંને રાજ્યોમાં વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું જોર ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો તેમાં આમ આદમી પાર્ટીને ખાસ સફળતા મળી નથી. તેવી જ રીતે અકાલી દળ અને ભાજપને પણ દાયકાઓથી અહીંયા વધારે ખાસ બેઠકો મળી નથી. ભાજપ અહીંયા ત્રણથી વધારે બેઠક જીતી શક્યું જ નથી. 

આ સંજોગોમાં આ વખતે પણ ભાજપને વધારે બેઠક મળે તેવું લાગતું નથી. ગત લોકસભાની ચૂંટણીના જ પરિણામો જોઈએ તો સમગ્ર દેશમાં કોંગ્રેસને ખૂબ જ ઓછી બેઠકો આવી હતી. તેમાં પણ જ્યાં વધારે બેઠકો આવી હતી તેવું એક રાજ્ય પંજાબ હતું. પંજાબમાં કોંગ્રેસને 2019 માં 8 બેઠકો મળી હતી. બીજી તરફ ભાજપ અને અકાલી દળને અનુક્રમે 2-2 બેઠકો મળી હતી. આમ આદમી પાર્ટીના ફાળે માત્ર એક જ બેઠક આવી હતી. 

આ વખતે આ બેઠકોમાં મોટું પરિવર્તન જોવા મળી શકે તેમ છે. જાણકારોના મતે જાટ આંદોલન અને ખેડૂત આંદોલન સૌથી મોટો પડકાર સાબિત થવાનો છે. આ ઉપરાંત બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દા પણ આ રાજ્યમાં અસર કરે તો નવાઈ નહીં. તેના કારણે ભાજપ માટે આ ચૂંટણીમાં પંજાબમાં જીતવું અઘરું જ રહેવાનું છે. 

આ રાજ્યમાં ભાજપને ત્રણથી વધુ બેઠક મળી જ નથી, અહીં ચતુષ્કોણીય મુકાબલો રસપ્રદ સાબિત થશે 2 - image

અકાલીદળ અને ભાજપ એકબીજાના જ વોટ કાપશે

ભાજપ અને અકાલી દળ દાયકાઓથી એકબીજાના સાથી હતી. એનડીએ ગઠબંધનનો અકાલી દળ મહત્ત્વનો ભાગ હતું. ૨૦૨૦માં કૃષિ કાયદા મુદ્દે ભાજપ અને અકાલી દળ વચ્ચે મતભેદ સર્જાયા અને બંને જુદા થઈ ગયા. ત્યારબાદ બંને અલગ અલગ ચૂંટણી લડશે તેવી જાહેરાત થઈ હતી. 

તાજેતરમાં લોકસભા ચૂંટણી પહેલાં બંનેમાં સમાધાન થઈ જાય અને તેઓ સાથે ચૂંટણી લડશે તેવી ધારણાઓ હતી પણ તેવું શક્ય બન્યું નહીં. જાણકારો માને છે કે,  અકાલી અને ભાજપ આ વખતે એકબીજાની સામે ચૂંટણી લડવાના છે ત્યારે નુકસાન થવાની શક્યતા વધારે છે. 

1998 થી 2019 સુધી ભાજપ અને અકાલી દ્વારા પંજાબના મતદારોને વહેંચી લેવાયા હતા. તેમાંય 1998 થી 2004 સુધી ભાજપ અને અકાલીને 3-3 બેઠક મળતી હતી તે હવે ઘટી છે. અકાલી દ્વારા ગ્રામ્ય વોટ કબજે કરવામાં આવતા હતા જ્યારે ભાજપ દ્વારા શહેરી મત કબજે કરવામાં આવતા હતા. હવે બંને એકબીજાની સામે છે. 

તેના કારણે બંને એકબીજાના જ વોટ કાપશે અને તેનું વધારે નુકસાન બંનેને જ થવાનું છે. તેવી જ રીતે કોંગ્રેસ અને આપ દ્વારા પંજાબમાં જોડાણ કરાયું નથી તેના કારણે ઈન્ડિયા ગઠબંધનને નુકસાન થવાની પૂરતી શક્યતા છે. 

વિધાનસભાના જનાદેશનો લાભ લેવાની આપની ગણતરી

આમ આદમી પાર્ટીને પંજાબમાં મોટો જનાદેશ મળ્યો છે અને પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે. 2012માં પંજાબમાં આમ આદમી પાર્ટીનો ઉદય થયો તે પહેલાં કોંગ્રેસ, અકાલી અને ભાજપ વચ્ચે ટક્કર થતી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટી મોટું ફેક્ટર બની રહી છે. 

વિધાનસભા અને લોકસભા બંને ચૂંટણીઓમાં આપ દ્વારા મજબૂત કોમ્પિટિશન પૂરી પાડવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીને ભલે 2019માં લોકસભામાં એક જ બેઠક મળી હોય પણ 2022 વિધાનસભા ચૂંટણીમાં તેણે જે કર્યું તે ચમત્કાર જ હતો. 2022 વિધાનસભા ચૂંટણીમાં તેણે 117 બેઠકોમાંથી 92 બેઠકો જીતી લીધી.

આમ આદમી પાર્ટી દ્વારા હવે આ વિધાનસભા ચૂંટણીના વિજયનો લાભ લોકસભામાં પણ ઉઠાવવાની ગણતરી ચાલી રહી છે. તેના પગલે જ તેણે લોકસભાની ચૂંટણીમાં 9 ધારાસભ્યોન જ ટિકિટ આપી છે. તેમાંથી પણ પાંચ નેતાઓ હાલમાં પંજાબની આપ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે કામગીરી કરી રહ્યા છે. 

જાણકારોના મતે આમ આદમી પાર્ટી આ તમામ કેબિનેટ મંત્રીઓ અને અન્ય ધારાસભ્યોને જે જનાદેશ મળ્યો તેનો લાભ લોકસભામાં લેવા માગે છે. જનતા જો આ નેતાઓને જ ફરીથી ચૂંટી આપે તો આપને મોટો ફાયદો થાય તેમ દેખાઈ રહ્યું છે. 

આ વખતે કોંગ્રેસીઓના હાથમાં છે ભાજપનું ભવિષ્ય

ભાજપનું ભવિષ્ય આ વખતે કોંગ્રેસીઓના હાથમાં હોય તેમ દેખાઈ રહ્યું છે. સૌથી પહેલાં તો ભાપજની પંજાબની કમાન સુનિલ જાખડના હાથમાં છે. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા બલરામ જાખડના પુત્ર છે. સુનિલ જાખડ પણ ઘણા સમય સુી પંજાબ કોંગ્રેસમાં રહ્યા હતા. તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભામાં નેતા વિપક્ષ પણ રહ્યા છે. 

થોડા વર્ષ પહેલાં કોંગ્રેસ સાથે મતભેદ થતાં તેમણે ભાજપ સાથે જોડાણ કરી લીધું હતું. તેવી જ રીતે કેપ્ટન અમરિન્દર સિંહ પણ દિગ્ગજ કોંગ્રેસી નેતા હતા જેઓ હવે ભાજપની સાથે છે. તેમણે સિદ્ધુ સાથે મતભેદ થતા કોંગ્રેસ છોડી હતી ત્યારબાદ પંજાબ લોક કોંગ્રેસ નામનો પક્ષ બનાવ્યો હતો. 

ત્યારબાદ તેનું ભાજપ સાથે જોડાણ કરી લીધું હતું. તેમના પત્ની પરનીત કૌરને પટિયાલા બેઠક ઉપરથી ભાજપે ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, આ બેઠક ઉપરથી પરનિત કૌર ગત લોકસભા ચૂંટણી જીત્યા હતા. તે સમયે તેઓ કોંગ્રેસમાં હતા. 

બઠિંડા, લુધિયાણા અને પટિયાલા ઉપર ખરાખરીનો ખેલ જામશે

બઠિંડા લોકસભા બેઠક ઉપર બાદલ પરિવારની પુત્રવધુ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ ચૂંટણી લડવાના છે. તેમની સામે આમ આદમી પાર્ટી દ્વારા ગુરમિત સિંહ ખુડ્ડિયાને ઊભા રાખવામાં આવ્યા છે. ખુડ્ડિયાનું પણ કદ મોટું છે. 

વિધાનસભા ચૂંટણીમાં તેમણે પ્રકાશસિંહ બાદલને પરાજય આપ્યો હતો. હરસિમરત 2019ની ચૂંટણી અહીંયાથી જીતેલા જ હતા. બીજી તરફ કોંગ્રેસે અકાલીના જ પૂર્વ ધારાસભ્ય મોહિંદર સિંહ સિદ્ધુને ટિકિટ આપી છે. તે ભાજપ દ્વારા આઈએએસની જોબ છોડીને રાજકારણમાં આવનારા પરમપાલ કૌરને અવસર આપવામાં આવ્યો છે. તેવી જ રીતે પટિયલામાં ભાજપની ટિકિટ ઉપર કેપ્ટન અમરિન્દર સિંહના પત્ની પરનીત કૌર ચૂંટણી લડવાના છે. 

પરનીત કૌર ગત લોકસભા કોંગ્રેસની ટિકિટ ઉપર જીત્યા હતા. આ વખતે કોંગ્રેસે તેમની સામે ધર્મવીર ગાંધીને ઊભા રાખ્યા છે. લુધિયાનામાં પણ સ્થિતિ કંઈક આવી જ છે. અહીંયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા વર્તમાન સાંસદ રવનીત સિંહ બિટ્ટુને તક આપવામાં આવી છે. 

કોંગ્રેસે તેમની સામે કોંગ્રેસના જ સ્થાનિક પાર્ટી અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગને ટિકિટ આપી છે. આ બંને જૂના મિત્રો હવે એકબીજાની સામે આવી ગયા છે. તેના કારણે પણ આ પરિણામો રસપ્રદ સાબિત થવાના છે.

આ રાજ્યમાં ભાજપને ત્રણથી વધુ બેઠક મળી જ નથી, અહીં ચતુષ્કોણીય મુકાબલો રસપ્રદ સાબિત થશે 3 - image

ખેડૂત આંદોલનનો પડકાર, હિન્દુ મતદારોથી આશા

ભાજપની સ્થિતિ એવી થઈ છે કે, તેણે જાતીગત સમીકરણો સેટ કરવા છતાં વિજય મળશે તેવું નક્કી નથી. અહીં ખેડૂત આંદોલનો ભાજપ માટે સૌથી મોટો પડકાર બની રહેશે જ્યારે હિન્દુ વોટ સૌથી મોટો આશા સાબિત થવાના છે. 

જાણકારો કહે છે કે, એમએસપી અને કૃષિ કાયદા માટે સરકાર સામે પડેલા ખેડૂતો આજે પણ નારાજ છે. ભાજપ સરકારે કૃષિ કાયદા પાછા ખેંચ્યા છતાં પંજાબના ખેડૂતો ભાજપની નારાજ ચાલી રહ્યા છે. પંજાબના ઘણાં જિલ્લામાં ભાજપના નેતાઓ અને તેમની રેલીઓનો વિરોધ થઈ રહ્યો છે. 

આ ઉપરાંત પંજાબની આસપાસના સ્ટેટમાં પણ ખેડૂત આંદોલનની અસર થાય તો નવાઈ નહીં. પંજાબમાં 39 ટકા હિન્દુ વસતી છે. તેના કારણે જ રામ મંદિર, કાશ્મીરમાંથી 370 રદ કરવી અને સર્જિકલ સ્ટ્રાઈક જેવા મુદ્દા ભાજપ દ્વારા એનકેશ કરવામાં આવે તો નવાઈ નહીં. ભાજપને આશા છે કે, આ વખતે પણ જો તે હિન્દુ વોટર્સનું ધુ્રવીકરણ કરે તો તેને મોટો ફાયદો થાય તેમ દેખાઈ રહ્યું છે. 

1998થી બસપા અહીં એકપણ બેઠક જીતી નથી

માયાવતી દ્વારા આ વખતે પંજાબની લોકસભા ચૂંટણીમાં પણ ફાંસ મારવામાં આવી છે. તેમણે બસપાના ઉમેદવારો પંજાબમાં ઉતારી દીધા છે. ઉલ્લેખનીય છે કે, ઈતિહાસ ઉપર નજર કરીએ તો બસપા ક્યારેય પંજાબમાં ફાવ્યું જ નથી. 

1998 થી આજદિન સુધી બસપા પંજાબમાં એકપણ બેઠક જીત્યું નથી. 1992માં બસપાના ફાળે 9 બેઠકો આવી હતી, ત્યારબાદ બસપાને જનતાએ સમર્થન આપ્યું નથી. વિધાનસભા ચૂંટણીઓમાં પણ બસપાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. 

1992માં બસપાને અહીંયા વિધાનસભામાં 9 બેઠકો મળી હતી. ત્યારબાદ પંજાબમાં સતત બસપાનું પ્રદર્શન ખરાબ થતું રહ્યું છે. તેને વિધાનસભામાં જ જનાદેશ નથી મળતો ત્યાં લોકસભામાં તે કેવી રીતે બેઠકો જીતશે તે વિચારવા જેવું છે. લોકસભામાં 1989 અને 1991 માં બસપાને એક-એક બેઠક મળી હતી. 

ત્યારબાદ 1996માં બસપાને ત્રણ બેઠક આવી હતી. 1998 થી પછી બસપાને એકપણ બેઠક મળી નથી. જાણકારોના મતે બસપા ભલે કદાચ બેઠકો ન જીતી શકે પણ અન્ય પક્ષોના વિજયના સમીકરણો ચોક્કસ બગાડી શકે છે.

આ રાજ્યમાં ભાજપને ત્રણથી વધુ બેઠક મળી જ નથી, અહીં ચતુષ્કોણીય મુકાબલો રસપ્રદ સાબિત થશે 4 - image


Google NewsGoogle News