ભાજપ પાસે 240 બેઠક, છતાં કોંગ્રેસને કેમ દેખાઈ રહી છે સરકાર રચવાની આશા? 35 વર્ષ પહેલા થયું હતું આવું
Image: Facebook
Lok Sabha Election Results 2024: લોકસભા ચૂંટણીના જે પરિણામની રાહ સમગ્ર દેશ જોઈ રહ્યો હતો તેણે તમામને ચોંકાવી દીધા. ચૂંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે પરંતુ તે બહુમતના આંકડાથી દૂર રહી ગઈ છે અને તેણે 240 બેઠકો પર જીત મેળવી છે. જોકે, એનડીએએ 292 બેઠકો પર જીત નોંધી છે અને એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે, પરંતુ તેમ છતાં કોંગ્રેસ સમગ્ર જોશમાં નજર આવી રહી છે અને ચર્ચા છે કે શું ભાજપની સૌથી મોટી પાર્ટી બન્યા બાદ પણ શું ઈન્ડિયા ગઠબંધનની સરકાર બની શકે છે. જો એવું થયું તો આ પહેલી વખત નથી જ્યારે લોકસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટીને જ સત્તાથી દૂર રહેવું પડ્યું.
કોંગ્રેસ બીજી સૌથી મોટી પાર્ટી બની છે
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ અનુસાર કોંગ્રેસ પાર્ટી બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે અને તેણે 99 બેઠકો પર જીત નોંધાવી છે. ઈન્ડિયા ગઠબંધને કુલ 234 બેઠકો પર કબ્જો કર્યો છે પરંતુ બહુમતના આંકડા સુધી પહોંચવા માટે તેને હજુ પણ 38 બેઠકોની જરૂર છે. એનડીએ ગઠબંધને 292 બેઠકો પર જીત નોંધાવી છે અને તેની પાસે સરકાર બનાવવાનો આંકડો છે.
સૌથી વધુ બેઠક તેમ છતાં કોંગ્રેસ સરકાર બનાવી શકી નહોતી
સૌથી વધુ બેઠક હોવા છતાં પણ વર્ષ 1989માં કોંગ્રેસ સરકાર બનાવી શકી નહોતી. 1984માં બમ્પર જીત બાદ 1989ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 200થી વધુ બેઠકોનું નુકસાન થયું અને પાર્ટી માત્ર 197 બેઠકો જ જીતી શકી. જનતા દળને 143, ભાજપને 85 અને વામ દળોને 45 બેઠકો મળી હતી. જોકે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ તેમ છતાં સરકાર બની શકી નહીં. સૌથી મોટી પાર્ટી હોવાના કારણે તત્કાલીન રાષ્ટ્રપતિ આર વેંકટરમને કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું, પરંતુ રાજીવ ગાંધીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું. તે સમયે તેમણે કહ્યું કે જનાદેશ તેમના વિરુદ્ધ આવ્યો છે, તેથી સરકાર બનાવી શકશે નહીં.
જે બાદ જનતા દળે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો અને ભાજપ, વામ દળ અને અન્ય ક્ષેત્રીય દળની સાથે મળીને સરકાર બનાવી. તે બાદ વીપી સિંહ વડાપ્રધાન બન્યા. પરંતુ આ સરકાર માત્ર 11 મહિના જ ચાલી શકી. મંડલ કમિશનની ભલામણ લાગુ થવા પર ભારતીય જનતા પાર્ટીએ સમર્થન પાછું લઈ લીધું, જેનાથી વીપી સિંહની સરકાર પડી ગઈ.
1996માં પણ આવો જ કિસ્સો થયો હતો
વર્ષ 1996ની ચૂંટણી બાદ પણ આવું જ થયું, જ્યારે ભાજપ સૌથી મોટી પાર્ટી બન્યા બાદ પણ સરકાર બનાવી શકી નહીં. તે ચૂંટણીમાં ભાજપે 161 બેઠકો પર જીત નોંધાવી હતી જ્યારે કોંગ્રેસે 140 બેઠકો પર કબ્જો કર્યો હતો. સૌથી મોટી પાર્ટી બન્યા બાદ ભાજપે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો અને અટલ બિહારી વાજપેયીએ વડાપ્રધાન પદના શપથ પણ લીધાં હતાં પરંતુ તેમની સરકાર લગભગ 13 દિવસમાં જ પડી ગઈ, કેમ ભાજપ સંસદમાં બહુમત સાબિત કરી શક્યું નહીં.
તે બાદ જનતા દળે સંયુક્ત મોર્ચા ગઠબંધનની સાથે સરકાર બનાવી અને એચડી દેવેગૌડાએ વડાપ્રધાન પદના શપથ લીધા જ્યારે તે ચૂંટણીમાં જનતા દળ માત્ર 46 બેઠકો જ જીતી શક્યું હતું. જોકે, આ સરકાર પણ વધુ લાંબી ચાલી નહીં અને એક વર્ષમાં જ પડી ગઈ. તે બાદ ઈન્દ્ર કુમાર ગુજરાલ વડાપ્રધાન બન્યા પરંતુ એક વર્ષ બાદ જ તેમની સરકાર પણ પડી ગઈ અને 1998માં મિડ-ટર્મ ચૂંટણી થઈ ગઈ.