Get The App

રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી, છતાં ભાજપ-મોદી સરકારનું ભેદી મૌન

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી, છતાં ભાજપ-મોદી સરકારનું ભેદી મૌન 1 - image


Rahul Gandhi Threat : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા કહેવાતાં શીખ વિરોધી અને અનામત વિરોધી નિવેદનોએ ભારતમાં વિવાદ જગાવ્યો છે, ત્યારે ભાજપ અને તેમના સાથી પક્ષોના કેટલાક નેતા તેમને ખુલ્લેઆમ ખતમ કરવાની અથવા ગંભીર ઈજા પહોંચાડવાની ધમકીઓ આપી રહ્યા છે.

રાહુલની જીભ કાપી લાવનારને 11 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરીને શિવસેનાના ધારાસભ્યે તો રાહુલ પર હુમલો કરવા માટે લોકોને ઉશ્કેર્યા છે, છતાં કોઈને કશું થતું નથી. ભાજપના નેતાઓની આ લોકશાહી વિરોધી અને જંગલી માનસિકતા ધરાવતી હરકતો સામે મોદી સરકાર અને ભાજપ બિલકુલ ચૂપ છે. ભાજપના નેતાઓના આવા નિવેદનોની ટીકા પણ નથી કરી રહ્યા. જેના કારણે રાહુલ વિરોધી અસભ્ય નિવેદનોને ભાજપની નેતાગીરીનું પીઠબળ હોવાની ચર્ચા ચાલી રહી છે. 

જીભ કાપવા પર 11 લાખનું ઇનામ કર્યું જાહેર

રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી, છતાં ભાજપ-મોદી સરકારનું ભેદી મૌન 2 - image

ભાજપના સાથી પક્ષ શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીની જીભ કાપવા પર 11 લાખનું ઇનામ જાહેર કર્યું છે. ગાયકવાડે કહ્યું, 'રાહુલ ગાંધી દેશમાંથી અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસનો અસલી ચહેરો દેખાડી દીધો છે. જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપી નાખશે, હું તેને 11 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. રાહુલ ગાંધી ભારતમાં અનામત ખતમ કરવાની વાત કરી એ દેશની જનતા માટે સૌથી મોટું જૂઠાણું છે.'

ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યે આપી ધમકી

રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી, છતાં ભાજપ-મોદી સરકારનું ભેદી મૌન 3 - image

ભાજપના નેતા અને દિલ્હીના પૂર્વ ધારાસભ્ય તરવિંદરસિંહ મારવાહે રાહુલના અમેરિકા નિવેદન બાદ કહ્યું, રાહુલ ગાંધી નહીં સુધરે અને પોતાની હરકતો નહીં રોકે તો તેમના હાલ તેમનાં દાદી ઇન્દિરા ગાંધી જેવા થશે. રાહુલે અમેરિકામાં ભારત અને શીખોનું અપમાન કર્યું. વિદેશની ધરતી પર આપણા દેશને બદનામ કર્યો છે અને રાહુલે આ માટે માફી માંગવી જોઈએ.'

રાહુલ ગાંધીને ખતમ કરવા ઇનામ મળવું જોઈએઃ રવનીત સિંહ બિટ્ટુ

રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી, છતાં ભાજપ-મોદી સરકારનું ભેદી મૌન 4 - image

ભાજપ નેતા રવનીત સિંહ બિટ્ટુએ પણ રાહુલ ગાંધીને ખતમ કરવા પર ઇનામ મળવાની વાત કહી હતી. સિંહે કહ્યું કે, 'રાહુલ ગાંધી દેશના સૌથી મોટા દુશ્મન અને આતંકવાદી નંબર વન છે. તેમને ખતમ કરવા માટે ઇનામ મળવું જોઈએ. રાહુલ ગાંધી ભારતીય નથી કે નથી ભારતને પ્રેમ કરતા. આ કારણે જ રાહુલ બહાર જાય છે અને દરેક બાબતમાં વિરોધાભાસી નિવેદનો આપે છે.'

જીભ કાપી સળગાઈ દેવી જોઈએ: અનિલ બોન્ડે

રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી, છતાં ભાજપ-મોદી સરકારનું ભેદી મૌન 5 - image

રાજ્યસભાના સભ્ય અને ભાજપના નેતા અનિલ બોન્ડે રાહુલની જીભ સળગાવી દેવાની વિવાદાસ્પદ વાત કરી હતી. અનિલ બોન્ડે કહ્યું, 'રાહુલ ગાંધીએ અનામત વિશે આપેલા નિવેદનને જોતાં રાહુલ ગાંધીની જીભ પર ડામ દઈને સળગાવી દેવી જોઈએ. વિદેશની ધરતી પર કોઈ કંઈ પણ બોલે ત્યારે જીભ કાપી નાખવાના બદલે તેની જીભને સળગાવી દેવી જોઈએ. રાહુલ જ નહીં પણ બહુજન અને બહુમતીની લાગણી દુભાવનારા દરેકની જીભ પર ડામ દેવો જોઈએ.'

રાહુલ અને કેજરીવાલને ખતમ કરી દેવા જોઈએઃ રઘુરાજ સિંહ

રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી, છતાં ભાજપ-મોદી સરકારનું ભેદી મૌન 6 - image

ઉત્તર પ્રદેશના મંત્રી અને ભાજપના નેતા રઘુરાજ સિંહે પણ રાહુલને આતંકવાદી કહેતા વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. સિંહે કહ્યું, 'રાહુલ ગાંધી નંબર વન આતંકવાદી અને અરવિંદ કેજરીવાલ નંબર ટુ આતંકાવાદી છે, તેથી બન્ને ખતમ કરી દેવા જોઈએ. રાહુલ ગાંધી ભારતને તોડવાની કોશિશ કરી રહ્યા છે. રાહુલ ગાંધીને ભારતને લૂંટવા માટે ઈટલીથી લૂંટારા તરીકે મોકલવામાં આવ્યા છે.'

રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હોવાથી કેન્દ્ર સરકારના કેબિમનેટ મંત્રીનો દરજ્જો ધરાવે છે. રાહુલ ગાંધી બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિ છે. રાહુલ ગાંધીની સુરક્ષાની જવાબદારી સરકારની છે. તેમને ધમકી આપનાર સામે તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ પણ હજુ સુધી કશું જ થયું નથી.



Google NewsGoogle News