હરિયાણાના 5 જિલ્લામાં ભાજપને શૂન્ય , છતાં મળી સરકાર રચવા જેટલી બહુમતી
પાનીપત, કરનાલ,અંબાલા અને યમુનાનગરે ભાજપની લાજ બચાવી છે.
નૂહ, સિરસા, ઝજજર, રોહતક અને ફતેહાબાદમાં કોંગ્રેસનો દબદબો રહયો
ચંદિગઢ, 9 સપ્ટેમ્બર,2024,બુધવાર
હરિયાણા વિધાનસભા ચુંટણીમાં ભાજપને ચોંકાવનારી જીત મળી છે. કોંગ્રેસના હાથમાં આવેલો વિજયનો કોળીયું ઝુંટવાઇ જતા માયૂસી જોવા મળે છે. ભાજપને 49 જયારે કોંગ્રેસને 36 બેઠકો મળી છે. બંને પક્ષના વોટ શેરમાં વધારો થયો છે પરંતુ સત્તાની બાજી ભાજપના હાથમાં રહી છે. હરિયાણામાં થયેલા પરાજયથી કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના જમ્મુ કાશ્મીરમાં થયેલા વિજયને ફિક્કો પાડયો છે.
હરિયાણા વિધાનસભા ચુંટણીમાં ભાજપને ભલે વિજય મળ્યો હોય પરંતુ 5 જિલ્લામાં શુન્ય બેઠકો મળી છે. આ જિલ્લામાં કુલ 19 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર નૂહ, સિરસા, ઝજજર, રોહતક અને ફતેહાબાદમાં ભાજપને એક પણ બેઠક મળી નથી. જાટલેન્ડ અને બાગડમાં કોંગ્રેસે બાજી મારી પરંતુ તેની ભરપાઇ ભિવાની, ચરખી દાદરી,કરનાલ,પાનીપક અને રેવાડીમાં થતા ભાજપે જીતની હેટ્રીક મારી છે.
અહિરવાલ, કુરુક્ષેત્ર વિસ્તારના લોકોએ ભાજપને બંપર સમર્થન આપ્યું છે. અહિરવાસ ક્ષેત્રના કેન્દ્રીયમંત્રી રાવ ઇન્દ્રજીતસિંહે યાદવોના મત અપાવવામાં ખૂબ મદદ કરી હતી. કુરુક્ષેત્રમાં ભાજપને 15 જયારે કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારની ઓળખ જીટી બેલ્ટ રોડ તરીકેની છે.
આ વિસ્તારમાં પાનીપત, કરનાલ, કૈથલ, કુરુક્ષેત્ર, યમુનાનગર, અંબાલા અને પંચકુલા જિલ્લાઓનો સમાવેશ થાય છે. કુરુક્ષેત્ર અને કૈથલમાં કુલ 8 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે પરંતુ ભાજપે બંને જીલ્લામાં એક એક બેઠકથી જ સંતોષ માનવો પડયો છે. આવા સંજોગોમાં પાનીપત, કરનાલ,અંબાલા અને યમુનાનગરે લાજ બચાવી છે. 2019માં જીટી રોડ બેલ્ટમાં ૧૪ જયારે વર્તમાન ચુંટણી પરિણામોમાં ભાજપને 15 બેઠકો મળી છે.