ભાજપની સ્થાપના કરવામાં મુસ્લિમ નેતા સિકંદર બખ્તનું પણ હતું યોગદાન, કટોકટી સમયે અટલ સાથે થઇ હતી મિત્રતા
Who was BJP Muslim founder Sikandar Bakht: 6 એપ્રિલે BJP તેનો 44મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. 1980માં 6 એપ્રિલે બીજેપીની સ્થાપના થઇ હતી. આ પાર્ટીએ છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં એકલા હાથે બહુમત હાંસલ કરીને તે સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. આવી સફળતા મેળવનાર તે કોંગ્રેસ પછીની બીજી મોટી પાર્ટી છે. પાર્ટીની અહીં સુધીની સફરમાં ઘણા નેતાઓનું યોગદાન છે.
વાજપેયી ખાસ મિત્ર હતા
ભાજપની સ્થાપના કરનારા નેતાઓમાં અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, નાનાજી દેશમુખનો સમાવેશ થાય છે. જે બાબતે દરેક વ્યક્તિને જાણકારી છે. પરંતુ પાર્ટીની સ્થાપનામાં એક મુસ્લિમ નેતાનું પણ યોગદાન છે, જેની બહુ ઓછા લોકોને માહિતી હશે. આ નેતા અટલ બિહારી વાજપેયી ખાસ મિત્ર માનવામાં આવતા હતા. તેમનું નામ સિકંદર બખ્ત છે.
બીજેપીના એકમાત્ર મુસ્લિમ સંસ્થાપક
બીજેપીના એકમાત્ર મુસ્લિમ સંસ્થાપક સિકંદર બખ્ત છે. વર્ષ 1918માં દિલ્હીમાં તેમનો જન્મ થયો હતો. તેમણે દિલ્હીમાં જ અભ્યાસ કર્યો અને પછી બ્રિટીશકાળમાં પુરવઠા વિભાગમાં નોકરી શરુ કરી હતી. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને 1952માં તેઓ MCDની ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 1968માં તેઓ દિલ્હી ઇલેક્ટ્રિક સપ્લાય અંડરટેકિંગના ચેરમેન બન્યા હતા. જો કે આગળ જતા 1969માં કોંગ્રેસના બે ભાગ થયા અને સિકંદર બખ્ત કોંગ્રેસ (ઓ)માં જોડાયા હતા. આ પાર્ટી ઇન્દિરા ગાંધીની વિરુદ્ધ હતી.
જનતા દળ અને જનસંઘ માંડીને બની જનતા પાર્ટી
1975માં ઇન્દિરા ગાંધી દ્વારા ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. તે સમયે સિકંદરને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ઈમરજન્સીના અંત બાદ જયારે તેઓ જેલમાંથી બહાર આવ્યા ત્યારે બધા નેતાઓએ ઇન્દિરા વિરુદ્ધ જનતા પાર્ટી બનાવી હતી. જેમાં જનસંઘ પણ સામેલ હતો. 1977ની ચૂંટણીમાં સિકંદર બખ્ત જનતા પાર્ટીની ટિકિટ પર ચાંદની ચોકથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. તેમજ 1979 સુધી તેમણે મોરારજી દેસાઈની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે ફરજ બજાવી હતી.
ભાજપમાં કેવી રીતે પ્રવેશ કર્યો?
1979માં જનતા દળ અને જનસંઘના નેતાઓ વચ્ચે સંઘર્ષ થતા સરકાર પડી ગઈ. જનસંઘના લોકોએ હિન્દુવાદી રાજકારણ જાળવી રાખવા માટે 6 એપ્રિલ, 1980ના રોજ ભાજપની સ્થાપના કરી હતી. તેમજ ઈમરજન્સી સમયે સિકંદર બખ્ત વાજપેયીના સંપર્કમાં આવતા તેમની મિત્રતા થઇ હતી. આથી ભાજપની સ્થાપના થતા તેઓ પણ ભાજપમાં જોડાયા હતા. આથી ભાજપનો પાયો નાખવામાં તેમનું પણ વિશેષ યોગદાન છે.
આવો રહ્યો હતો તેમનો કાર્યકાળ
બીજેપીની સ્થાપના સમયે તેમને જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 1984માં તેઓ પાર્ટીના ઉપાધ્યક્ષ બન્યા હતા. સિકંદર બખ્ત ભાજપના શરૂઆતી સમયમાં એકમાત્ર મુસ્લિમ સભ્ય હતા. તેમજ અટલ બિહારી વાજપેયીની 13 દિવસની સરકારમાં તેઓએ વિદેશમંત્રીની જવાબદારી સાંભળી હતી. સિકંદર બખ્ત 1990માં રાજ્યસભામાં પહોંચ્યા અને 1992માં વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા. 2002માં તેમને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા અને આ દરમિયાન 23 ફેબ્રુઆરી 2004ના રોજ તેમનું અવસાન થયું હતું.