Get The App

ભાજપની બે દિવસની બેઠકમાં ઘડાઈ વ્યૂહનીતિ! ઘર ઘર રામ અને 35 કરોડ મતનું લક્ષ્ય

2019માં ભાજપને 22.9 કરોડ એટલે કે 37 ટકા મત મળ્યા હતા, જેમાં 10 ટકાનો વધારો કરવાનો વડાપ્રધાન મોદીનો નિર્દેશ

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
ભાજપની બે દિવસની બેઠકમાં ઘડાઈ વ્યૂહનીતિ! ઘર ઘર રામ અને 35 કરોડ મતનું લક્ષ્ય 1 - image


BJP Strategy For 2024 Election: હાલમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ પરાજય આપ્યા બાદ લોકસભાની ચૂંટણીની તૈયારી પણ શરૂ કરી દીધી છે. ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બે દિવસીય બેઠકમાં આ માટે આક્રમક વ્યૂહનીતિ પણ ઘડવામાં આવી છે. તે અંતર્ગત દેશના તમામ નેતાઓને નવા લક્ષ્ય પણ આપવામાં આવ્યા છે. 

ભાજપે તૈયાર કરી નવી વ્યૂહનીતિ!

આ બેઠકમાં આગામી લોકોસભાની ચૂંટણીમાં મોટી જીત મેળવવા મતની ટકાવારી 10 ટકા સુધી વધારવાની દિશામાં કામ કરવાનો નિર્દેશ કરાયો છે. 2019માં ભાજપને 22.9 કરોડ એટલે કે 37 ટકાથી વધુ મત મળ્યા હતા, પરંતુ આ વખત ભાજપ 35 કરોડ મત મેળવવાની વ્યૂહનીતિ પર કામ કરી રહ્યો છે.   બીજી તરફ, 2019માં NDA ગઠબંધનને કુલ 45 ટકા મત મળ્યા હતા. 

વર્ષ 2014માં કેન્દ્રમાં મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી ભાજપે વિધાનસભા ચૂંટણીમાં મતની ટકાવારી 50 ટકા સુધી વધારવા સતત પ્રયાસ કર્યા છે અને કેટલીક ચૂંટણીઓમાં તેમને સફળતા પણ મળી છે. હાલમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત પાછળ પણ આ જ વ્યૂહ અપનાવાયો હતો, જે હવે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં આગળ ધપાવવા માગે છે. 

 2024 લોકસભા ચૂંટણીમાં 35 કરોડ મત મેળવવાનું લક્ષ્ય 

ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પ્રદેશ અધ્યક્ષોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોને મિશન મોડમાં લોકસભા ચૂંટણીની તૈયારી કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે પક્ષને 2024 લોકસભા ચૂંટણીમાં 35 કરોડ મત મેળવવાનું પણ લક્ષ્ય આપ્યું. લોકસભા ચૂંટણી 2019માં ભાજપને 37 ટકાથી વધુ મત મળ્યા હતા, જેને ભાજપ આ વખતે 50 ટકા સુધી લઈ જવા માગે છે. ભાજપ 2019માં 303 બેઠક જીતવામાં સફળ રહ્યો હતો અને હવે તેનું લક્ષ્ય 350 બેઠક જીતવાનું છે.

આ મહત્ત્વના મુદ્દા પર ભાર મૂક્યો

બેઠકના પહેલા દિવસે વડાપ્રધાને મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબો સુધી પહોંચવા પર ભાર મૂક્યો હતો. આ ચારેય પ્રકારના નાગરિકોને વડાપ્રધાન સૌથી મોટી 'જાતિ'   ગણાવી ચૂક્યા છે. તેમણે પક્ષના નેતાઓને આ ચારેય લોકોને   'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'માં મોટી સંખ્યામાં જોડવાનું પણ સૂચન કર્યું હતું, જેનો હેતુ કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓને 100 ટકા પૂર્ણ કરવાનો છે. 

જોકે ભાજપના પદાધિકારઓનો દાવો છે કે ટોચના નેતૃત્વએ જીતવા માટે બેઠકની સંખ્યાનો કોઈ ચોક્કસ લક્ષ્ય આપ્યું નથી, પરંતુ 2019 કરતા મોટી જીત સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. 

અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિર મુદ્દે ચર્ચા

ભાજપની આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ધાટન વિશે ખાસ ચર્ચા થઈ. કાર્યકર્તાઓને સોશિયલ મીડિયા પર અયોધ્યા રામ મંદિરને લઈને વધુમાં વધુ માહિતી શેર કરવા અને તેના પર ચર્ચા કરવા માટે કહેવામાં આવ્યું. પક્ષને વિશ્વાસ છે કે લોકસભા ચૂંટણીમાં રામ મંદિર તેમની તરફેણમાં એક મોટો મુદ્દો રહેશે. સૂત્રોના જણાવ્યાનુસાર, પક્ષના અધિકારીઓને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચલાવાતા કાર્યક્રમોમાં વધુને વધુ લોકોને જોડવાનું પણ કહેવામાં આવ્યું છે. દાયકાઓથી કાયદાકીય વિવાદમાં અટવાયેલા આ મુદ્દાને ઉકેલવામાં વિપક્ષોએ અનેક અવરોધો ઊભા કર્યા હતા એ વાત લોકો સુધી પહોંચાડવાનો પણ તેમને નિર્દેશ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News