વિવાદિત ચહેરા-ખરાબ રિપોર્ટ કાર્ડ ધરાવતા નેતાઓથી છેડો, ભાજપની પહેલી યાદીએ શું મેસેજ આપ્યો?
ભાજપે પોતાની પ્રથમ યાદીમાં મોદી સરકારના 34 મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા
image : IANS |
Lok Sabha Election 2024 | ભાજપની 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદીમાં ઘણાં મેસેજ છુપાયેલા છે, જે હવે પછીની યાદીઓમાં શું થવાનું છે તેનો સંકેત આપી રહ્યા છે. ભાજપની આ યાદીમાં સૌથી મોટો સંદેશ કેન્દ્રીય મંત્રીઓ માટે છે કે જો ભવિષ્યમાં તેમને કેન્દ્રીય મંત્રી પરિષદમાં પોતાનું સ્થાન જાળવી રાખવું હોય તો બધાએ મેદાનમાં ઉતરીને જનાદેશ મેળવવો પડશે. કદાચ એટલા માટે જ ભાજપે પોતાની પ્રથમ યાદીમાં મોદી સરકારના 34 મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા છે.
રાજ્યસભાના સાંસદોને લોકસભામાં લાવવાની તૈયારી!
ભાજપે આગામી લોકસભાની ચૂંટણીમાં વર્તમાન રાજ્યસભાના સાંસદો કે જેમાં ઘણાં કેન્દ્રીયમંત્રીઓ છે તેમને ચૂંટણી મેદાને ઉતારવાનો નિર્ણય લીધો છે. જેમાં ગુજરાતના પોરબંદરથી મનસુખ માંડવિયા, રાજસ્થાનના અલવરથી પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, મધ્યપ્રદેશના ગુનાથી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજકોટથી કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરષોત્તમ રૂપાલા, આસામના દિબ્રુગઢથી કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનવાલ અને તિરુવનંતપુરમથી આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર સહિત અન્ય ઘણા નામો સામેલ છે.
ખરાબ રિપોર્ટ કાર્ડ ધરાવતા સાંસદો 'નો રિપીટ'!
પોતાની પ્રથમ યાદી દ્વારા ભગવાધારી પાર્ટીએ એવા વર્તમાન સાંસદોને મજબૂત સંદેશ આપ્યો છે જેમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નથી. જોકે, પ્રથમ યાદીમાં ભાજપે તે બેઠકો પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જે તેણે 2019ની ચૂંટણીમાં ગુમાવી હતી. ગત લોકસભા ચૂંટણીમાં જીતેલી કેટલીક બેઠકો પર ભાજપે તેના ઉમેદવારો બદલ્યા છે. તેનું સૌથી મોટું ઉદાહરણ દિલ્હીની બેઠકો છે. દિલ્હીની જે પાંચ બેઠકો માટે પાર્ટીએ પ્રથમ યાદીમાં ઉમેદવારોની જાહેરાત કરી છે તેમાંથી માત્ર એક વર્તમાન સાંસદને જાળવી રાખવામાં આવ્યા છે. ભોજપુરી ગાયક અને અભિનેતા મનોજ તિવારી ફરી એકવાર ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડશે.
વિવાદાસ્પદ સાંસદોથી અંતર જાળવ્યું
પરંતુ પાર્ટીએ ચાંદની ચોકથી હર્ષવર્ધન અને નવી દિલ્હીથી મીનાક્ષી લેખીને રિપીટ નથી કર્યા. અન્ય એક મેસેજમાં ભગવા પાર્ટીએ દક્ષિણ દિલ્હીના સાંસદ રમેશ બિધુડી, પશ્ચિમ દિલ્હીના સાંસદ પરવેશ સાહિબ સિંહ વર્મા અને ભોપાલના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરની અવગણના કરી દીધી છે. બિધુડીએ ગયા વર્ષે સંસદમાં દાનિશ અલી સામે વાંધાજનક ટિપ્પણીઓ ગૃહમાં કરીને વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો. જ્યારે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસે માટે ઉજવણી કરવા અંગેની પ્રજ્ઞા ઠાકુરની ટિપ્પણી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ આવી ન હતી. પરવેશ સાહિબ સિંહ વર્મા પણ તેમના કોમવાદી નિવેદનોને કારણે વિવાદોમાં રહ્યા છે. આ વખતે 2024ની ચૂંટણીમાં દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા રામવીર સિંહ બિધુડી દક્ષિણ દિલ્હીથી ચૂંટણી લડશે. ભાજપે મધ્ય દિલ્હીથી બાંસુરી સ્વરાજ અને પશ્ચિમ દિલ્હીથી કમલજીત સેહરાવતને ટિકિટ આપી છે. આલોક શર્મા ભોપાલથી ભગવા પાર્ટીનો ચહેરો હશે.
જનાધાર ધરાવતા નેતાઓને માન આપ્યું
ભાજપે પોતાની પ્રથમ યાદીમાં ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ અને બે પૂર્વ મુખ્યમંત્રીઓના દીકરા-દીકરીને ટિકિટ આપીને મેસેજ આપ્યો છે કે અમે અમારા મહેનતી અને જનાધાર ધરાવતા નેતાઓને ભૂલતા નથી. પાર્ટી આવા નેતાઓ માટે સન્માન જાળવી રાખે છે. ભાજપે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને વિદિશાથી ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે. જો કેન્દ્રમાં સરકાર બનશે તો તેમને કોઈ મોટું પદ આપવામાં આવે તેવી પણ પ્રબળ શક્યતા છે. એ જ રીતે, પાર્ટીએ પશ્ચિમ ત્રિપુરા અને દિબ્રુગઢમાંથી અનુક્રમે ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ અને આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને ટિકિટ આપી છે. ભાજપે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાના પુત્ર દુષ્યંત સિંહને ઝાલાવાડથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને નવી દિલ્હીથી ઉમેદવાર બનાવ્યા છે.