લોકસભા ચૂંટણી 2024 : ક્યારે થશે ઉમેદવારોના નામની જાહેરાત, નવો ‘શંખનાદ’ પણ તૈયાર, જાણો BJPનો પ્લાન
ભાજપ જાન્યુઆરી-2024ના છેલ્લા અઠવાડિયે લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી સંભાવના
ભાજપે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેનો ફાયદો થયો
નવી દિલ્હી, તા.23 નવેમ્બર-2023, શુક્રવાર
લોકસભા ચૂંટણી-2024ની જોરશોરથી તૈયારીઓ અત્યારથી જ જોવા મળી રહી છે. તાજેતરમાં જ હિન્દી પટ્ટીના ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મોટી જીતથી ઉત્સાહિત થયેલી ભાજપે લોકસભા ચૂંટણી તૈયારીઓમાં લાગી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતાઓને જીતનો મંત્ર આપવાના છે.
ભાજપ જાન્યુઆરીના અંતે પ્રથમ યાદી જાહેર કરે તેવી સંભાવના
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવારોના નામ જાહેરા કરવાની શરૂઆત કરી દેશે. ભાજપ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ભાજપ આગામી વર્ષે 22 જાન્યુઆરીએ રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.
ભાજપ વિધાનસભાની રણનીતિ લોકસભામાં પણ અપનાવશે
ઉલ્લેખનિય છે કે, ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવારોના નામ જાહેર કરવાના શરૂ કરી દીધા હતા. ભાજપનું માનવું છે કે, આમ કરવાથી ઉમેદવારોને પ્રચાર કરવાની તક મળશે અને તેનો જ ફાયદો પાંચ રાજ્યોમાંથી 3 રાજ્યોમાં જોવા મળ્યો હોવાનું પણ મનાય છે.
લોકસભા ચૂંટણીમાં પાર્ટીને ‘શંખનાદ’
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે લોકસભા ચૂંટણી માટે પોતાનો શંખનાદ એટલે કે સૂત્ર પણ તૈયાર કરી લીધું છે. લોકસભામાં ભાજપનો નારો ‘સપને નહીં હકીકત બુનતે હૈ, ઈસલિયે તો સબ મોદી કો ચુનતે હૈ.’ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ભાજપ નેતાઓની બેઠક
દિલ્હીમાં આજથી ભાજપ પદાધિકારીઓની 2 દિવસીય બેઠક શરૂ થશે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી સંબોધન કરશે. બેઠકમાં રાષ્ટ્રીય પદાધિકારી, પ્રદેશ પ્રભારી, સહ પ્રભારી, પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી સંગઠન ઉપસ્થિત રહેશે. ભાજપના તમામ મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષો પણ બેઠકમાં સામેલ થશે. બેઠકમાં ઘણા મુદ્દાઓ અંગે સમીક્ષા કરાશે. વિકસિત ભારત સંકલ્પ અભિયાન અને આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની પણ સમીક્ષા મુખ્ય મુદ્દાઓ છે.