Lok Sabha Elections 2024: ભાજપે કેરળના કાસરગોડમાં સાત ભાષા જાણતાં મહિલાને બનાવ્યાં ઉમેદવાર
લોકસભા ચૂંટણીમાં શિક્ષિકા ઉમેદવાર ચર્ચામાં
શિક્ષિકા અશ્વિની એમએલ કન્નડ, તમિલ, તેલુગુ, હિન્દી, તુલુ, અંગ્રેજી, મલયાલમ ભાષાનાં જાણકાર
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ભાજપ નિયમિત સમયાંતરે વિવિધ રાજ્યોમાં લોકસભાની બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી રહ્યો છે. એવામાં સાત ભાષાઓની ભૂમિ તરીકે ઓળખાતા કેરળની કાસરગોડ બેઠક પર ભાજપે બહુભાષી મહિલા અશ્વિની એમએલને મેદાનમાં ઉતારી છે.
અશ્વિની છે એક શિક્ષિકા
કેરળના કાસરગોડ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર શિક્ષિકા અશ્વિની એમએલ પ્રસન્નચિત સ્મિત અને મિલનસાર વ્યવહાર સાથે અનેક ભાષાઓમાં લોકો સમક્ષ મત માગતા હોવાના કારણે ચર્ચામાં છે. કાસરગોડમાં લોકો સાથે વાતચીત કરતી વખતે અશ્વિની એમએલ ખૂબ જ સરળતાથી મલયાલમ, કન્નડ અને તુલુ બોલી શકે છે. કાસરગોડને 'સાત ભાષાની ભૂમિ' તરીકે ઓળખવામાં આવે છે. અશ્વિની એમએલ તમિલ, હિન્દી અને અંગ્રેજી પણ જાણે છે. અહીં મોટી સંખ્યામાં લોકો દક્ષિણની ભાષાઓ ઉપરાંત મરાઠી, કોંકણી, બયારી અને ઉર્દૂ પણ બોલે છે. અશ્વિની એમએલે રાજ્યમાં ૨૬ એપ્રિલે યોજાનારી લોકસભા ચૂંટણીના ઉમેદવાર બનીને સૌને ચોંકાવી દીધા હતા.
વિવિધ ભાષામાં કરે છે ચૂંટણી પ્રચાર
અશ્વિની એમએલનું કહેવું છે કે તેમનો જન્મ, ઉછેર અને અભ્યાસ બેંગ્લુરુમાં થયો હતો. તેથી બાળપણથી જ કન્નડ ભાષા તેમના જીવનનો ભાગ રહી. વધુમાં તેમના પડોશી તમિલનાડુના હતા અને મિત્રો ઉત્તર ભારતીય રાજ્યોના હતા તેથી તમિલ અને હિન્દી શીખવામાં કોઈ મુશ્કેલી આવી નહોતી. આમ અશ્વિની એમએલ તેમની વિવિધ ભાષાઓમાં કુશળતાના કારણે ચર્ચામાં છે. તેઓ પોતાની ભાષાકીય કુશળતાનો લાભ ઉઠાવી વિવિધ ભાષાઓમાં મતદારો સાથે વાત કરી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. શરૂઆતમાં કાસરગોડ બેઠક માટે પક્ષે અનેક વરિષ્ઠ નેતાઓની ચર્ચા કરી હતી, પરંતુ ભાજપે શિક્ષિકા અશ્વિની એમએલને ડાબેરીઓના ગઢ ગગણાતા કાસરગૌડમાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા.