હરિયાણામાં ભાજપને મોટો ફટકો, ટિકિટ ન મળતા પૂર્વ ડેપ્યૂટી સ્પીકર નારાજ, રાજીનામું આપી પાર્ટી પર ઠાલવ્યો ગુસ્સો
Haryana Assembly Election: હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ માટે પડકારો સતત વધી રહ્યા છે. ભાજપ દ્વારા ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થયા બાદથી પાર્ટીમાં રાજીનામાની લહેર શરૂ થઇ છે જે હજુ અટકી નથી. હવે મંગળવારે (10 સપ્ટેમ્બર) ભાજપ મહિલા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ડેપ્યુટી સ્પીકર સંતોષ યાદવે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. સંતોષ યાદવ હરિયાણાની અટેલી વિધાનસભા બેઠક પરથી ટિકિટ માંગી રહ્યા હતા. જો કે, ભાજપે અહીંથી કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહની પુત્રી આરતી રાવને ટિકિટ આપી હતી, જે પછી નિરાશ થઇને તેમણે ભાજપ અધ્યક્ષને પત્ર લખી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.
પાર્ટીમાં કાર્યકરોની અવગણના
હરિયાણા ભાજપ અધ્યક્ષને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે, "ઘણાં દુઃખ સાથે મારે કહેવું પડી રહ્યું છે કે પાર્ટીની અંદર, ખાસ કરીને એવા કાર્યકરોની ઉપેક્ષ કરવામાં આવી રહી છે કે જેમણે પાર્ટી માટે પાયાના સ્તરે સંઘર્ષ કર્યો, સમર્પણથી કામ કર્યું અને પાર્ટીને સશક્ત બનાવવા મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. આવા સમર્પિત કાર્યકરોને બાજુમાં ખસેડી એવા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે કે જેમણે ન તો પાર્ટી કે ન તો તેમના વિધાનસભા ક્ષેત્રના નાગરિકો માટે કંઇ કામ કર્યું છે. આ સ્થિતિ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને આનાથી પાર્ટીના કાર્યકરોમાં નિરાશા અને અસંતોષ ફેલાઈ રહ્યો છે."
આ પણ વાંચોઃ હવે કાર માલિકોએ 20 કિ.મી. સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ, નીતિન ગડકરીએ આપ્યા ખુશખબર
એક ખાસ વ્યક્તિના અહંકાર સામે પક્ષ ઝૂકી ગયો
આ સાથે તેમણે કહ્યું કે, "મારે ખૂબ જ દુઃખ સાથે સ્વીકારવું પડી રહ્યું છે કે પાર્ટી હવે એક વ્યક્તિના અહંકારને વશ થઈ ગઈ છે અને તેનાથી પાર્ટીના લોકતાંત્રિક મૂલ્યો અને સિદ્ધાંતોને ગંભીર ઝટકો લાગ્યો છે. પાર્ટીમાં વર્તમાન પરિસ્થિતિ જોતાં, મારા માટે મારી પ્રામાણિકતા અને સ્વાભિમાન સાથે આગળ કામ કરવું શક્ય નથી, તેથી હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત મારા તમામ હોદ્દા પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી રહ્યો છું." તેમના આ નિવેદન બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે સંતોષ યાદવે રાવ ઈન્દ્રજીત સિંહનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું છે.
આ પણ વાંચોઃ મમતા બેનરજીનો આરજી કર હોસ્પિટલમાં હડતાલ ખતમ કરવાનો પ્લાન ફેલ, ડૉક્ટરોએ મોકલ્યો આ સંદેશ
નોંધનીય છે કે, હરિયાણામાં 5 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે અને 8 ઓક્ટોબરે મત ગણતરી કરવામાં આવશે. ભાજપે અત્યાર સુધીમાં 90માંથી 88 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.