ઉદ્ધવ ઠાકરેનો છેલ્લો 'ગઢ' જીતવા ભાજપની ખાસ વ્યૂહનીતિ? રાજ ઠાકરે પર સૌ કોઇની નજર
Mumbai Municipal Corporation Election : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીએસપીના મહાવિકાસ અઘાડી ગઠબંધનને ભારે પછડાટ મળી છે, જ્યારે ભાજપ, એકનાથ શિંદેની શિવેસના અને અજિત પવારની એનસીપીની મહાયુતિ ગઠબંધનનો બહુમતીસાથે વિજય થયો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં એક સમયે ઉદ્ધવની શિવસેનાનો દબોદબો હતો, જોકે હવે આ પાર્ટી ભારે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. ઉદ્ધવની પાર્ટીની વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર થઈ છે, જોકે હજુ પણ અસ્તિત્વ બચાવવા માટે તેણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી જીતવી જરૂરી બની ગઈ છે. બીજીતરફ ભાજપે પણ ઉદ્ધવના છેલ્લો ગઢ જીતવા એટલે કે બીએમસીની ચૂંટણી જીતવા ખાસ વ્યૂહરચના ઘડી કાઢી હોવાના અહેવાલો સામે આવ્યા છે.
ભાજપ મનસે સાથે ગઠબંધન કરવાની તૈયારીમાં
મળતા અહેવાલો મુજબ ભાજપે વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હવે બીએમસીની ચૂંટણીની કવાયત શરૂ કરી દીધી છે. ભાજપે કોર્પોરેશનના સમીકરણો બદલવા એટલે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનો પ્રભાવ નબળો પાડવા માટે રણનીતિ બનાવી છે. આ માટે ભાજપે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સંકેત આપ્યા છે કે, ભાજપ મનસે સાથે ગઠબંધન કરવા વિચારણા કરી રહી છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મનસેના પ્રદર્શનને લઈને પણ ભાજપનું વલણ સકારાત્મક રહ્યું છે. પરંતુ બીએમસીની ચૂંટણીમાં ઉદ્ધવને કેવી રીતે નુકસાન થશે? આને સમજવાની જરૂર છે.
આ પણ વાંચો : ફરી જીદ પકડીને બેઠા એકનાથ શિંદે? સરકાર બન્યા બાદ પણ ભાજપ માટે કપરાં ચઢાણ
ફડણવીસે મનસે સાથે ગઠબંધન કરવાના સંકેત આપ્યા
ફડણવીસે તાજેતરમાં જ સંકેત આપ્યા હતા કે, ભાજપ રાજ્યની સરકારમાં મનસેને સામેલ કરવા તેમજ કોર્પોરેશનની ચૂંટણીમાં ગઠબંધન કરવા તૈયાર છે. ફડણવીસે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં ભલે રાજ ઠાકરેના ઉમેદવારોને જીત મળી નથી, પરંતુ તેમને સારા મત મળ્યા છે. અમારા અને તેમના વિચારો મેળ ખાય છે. તેથી ભાજપની કોર ટીમ સરકારમાં મનસેને સાથે રાખવા પર ગંભીરતાથી વિચારણા કરી રહી હોય તેવું બની શકે છે.
આ પણ વાંચો : ચૂંટણીમાં પરાજય બાદ વિપક્ષમાં તિરાડ: ઉદ્ધવ સેનાએ સમાજવાદી પાર્ટીને ગણાવી ભાજપની B ટીમ