અબજોપતિ મહિલા નેતા સહિત 4 બળવાખોરો પર ભાજપની ગાજ, 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ
Haryana Assembly Election 2024: હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના દિવસે ભાજપે ચાર નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. ચારેય હિસાર વિધાનસભાથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના કુરુક્ષેત્રના સાંસદ નવીન જિંદાલના માતા સાવિત્રી જિંદાલ પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ સાથે ગૌતમ સરદાના, તરુણ જૈન અને અમિત ગ્રોવરને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલી તરફથી પ્રેસનોટ જારી કરીને આ માહિતી આપવામાં આવી છે.
અપક્ષ તરીકે ચૂંટણી લડી રહી છું: સાવિત્રી જિંદાલ
ભાજપમાંથી હાંકી કાઢવા અંગે જયારે સાવિત્રી જિંદાલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, મને આ વિશે કંઈ ખબર નથી. જો મને ખબર પડશે તો હું તમને જણાવીશ. હું હાલ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહી છું. હિસાર પરિવાર તરફથી જે પરિવાર ઈચ્છશે હું તે કરીશ. બરતરફ થવા બાબતે હાલ વાત નહિ કરું, એના વિષે મને કંઈ ખબર નથી.'
જિંદાલ પરિવારનો ગઢ રહ્યો છે હિસાર
હિસાર જિંદાલ પરિવારનો ગઢ રહ્યો છે. ઓમ પ્રકાશ જિંદાલે 1968માં અહીંથી ચૂંટણી લડી હતી. 1977માં ઓમ પ્રકાશ જિંદાલે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. ઓમ પ્રકાશ જિંદાલના અવસાન બાદ સાવિત્રી જિંદાલ 2005માં રાજકારણમાં આવ્યા હતા અને બે વખત ધારાસભ્ય અને મંત્રી રહ્યા હતા. 2014માં ચૂંટણી હાર્યા બાદ તે 10 વર્ષ સુધી રાજકારણથી દૂર રહ્યા હતા.
જયારે કોંગ્રેસ છ વખત હિસારથી જીતી છે, ચાર વખત જિંદાલ પરિવારના સભ્ય ધારાસભ્ય બન્યા છે. છેલ્લી બે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જીત્યા છે.
આ પણ વાંચો: NCP ના નેતાની તીક્ષ્ણ હથિયારો વડે સરજાહેર હત્યાથી ખળભળાટ, હુમલાખોરો થયા ફરાર
ઘોડા પર સવાર થઈને મતદાન કરવા પહોંચ્યા હતા નવીન જિંદાલ
બીજી તરફ સાવિત્રી જિંદાલના પુત્ર નવીન જિંદાલ ઘોડા પર સવાર થઈને મતદાન કરવા પહોંચ્યા હતા. તેમનું માનવું છે કે ઘોડા પર સવારી કરવી શુભ માનવામાં આવે છે. મારી માતા સાવિત્રી જિંદાલ હિસારથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ હિસારના વિકાસ માટે ઘણું કામ કરવા માંગે છે. હું તેમનું સમર્થન કરું છું.