'આ યુપીનું અપમાન છે', થરૂરની સોશિયલ મીડિયા પોસ્ટ પર ભાજપ નેતાઓ ભડક્યા
Shashi Tharoor post on Uttar Pradesh: ભાજનપાના નેતાઓએ ઉત્તર પ્રદેશમાં પરીક્ષાઓની મજાક ઉડાવતા કોંગ્રેસના નેતા શશિ થરૂરની સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રહારો કર્યા છે અને તેને શરમજનક ગણાવી હતી. શશિ થરૂર દ્વારા એક જવાબવહીની વાયરલ તસવીર 'X' પર પોસ્ટ કરી હતી. જેમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, 'ઉત્તર પ્રદેશ કોને કહેવાય છે? તો જવાબમાં લખવામાં આવ્યું હતું કે, પરીક્ષા પહેલા જે રાજ્યમાં જવાબ જાણવા મળે છે તેને ઉત્તર પ્રદેશ કહેવામાં આવે છે.'
ભાજપના નેતાઓએ શશિ થરૂરની આ પોસ્ટની નિંદા કરી
ભાજપે શશિ થરૂરની આ પોસ્ટની નિંદા કરી અને તેને ઉત્તર પ્રદેશના લોકોનું અપમાન ગણાવ્યું. ભાજપના નેતાઓએ કહ્યું કે, 'શશિ થરૂરે માફી માંગવી જોઈએ.' કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે 'X' પર જવાબ આપ્યો હતો કે, 'આવી દુ:ખદ ટિપ્પણીઓ દ્વારા આપણા રાજ્ય અને તેના લોકોને નીચા બતાવવામાં આવે છે. યુપીનું આ પ્રકારનું અપમાન નિંદનીય છે અને તેની સખત શબ્દોમાં નિંદા થવી જોઈએ.'
શશિ થરૂરે માફી માગવી જાઈએ: એ.કે. શર્મા
ઉત્તર પ્રદેશના ઉર્જા અને શહેરી વિકાસ મંત્રી એ.કે. શર્માએ 'X' પર લખ્યું કે, 'કોંગ્રેસે ઉત્તર પ્રદેશનું ફરી હંમેશની જેમ અપમાન કરવાનું શરૂ કર્યું. કોંગ્રેસે તેમના જીવનનું દાન કરવા બદલ રાજ્યની જનતાનો યોગ્ય રીતે આભાર પણ માન્યો નથી અને ઉલટું હવે તેઓ અપમાન કરી રહ્યા છે. શશિ થરૂર પાસેથી આનાથી વધુ સારી કંઈ અપેક્ષા રાખી શકાય નહીં, પરંતુ યુપી વિશે આજનું વ્યંગ સમગ્ર રાજ્ય અને તેના લોકોનું ઘોર અપમાન છે. ઉત્તર પ્રદેશનું અપમાન કરનાર કોંગ્રેસે રાજ્યની જનતાની માફી માંગવી જોઈએ. નહીં તો અહીંના લોકો તેમની પાસે હિસાબ રાખશે. કોંગ્રેસની આ માનસિકતા અત્યંત નિંદનીય છે.'
રાજીવ ચંદ્રશેખરે આ પોસ્ટને શરમજનક ગણાવી
પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે 'X'પર લખ્યું કે, 'અન્ય સાથી ભારતીયોને શરમજનક બનાવવાની બેશરમ રાજનીતિ આ કોંગ્રેસની રીત છે. જે આ સ્વ-શીર્ષક ધરાવતા વૈશ્વિક નાગરિક દ્વારા શાનદાર રીતે દર્શાવવામાં આવી છે.'
હિમંતા બિસ્વા સરમાના શશિ થરૂર પર પ્રહાર
આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ શશિ થરૂર પર પ્રહાર 'X' પર લખ્યું કે, 'આ સજ્જન ઘણીવાર વિવિધ સંસ્કૃતિઓ (પહેલા પૂર્વોત્તરમાં અને હવે ઉત્તર પ્રદેશમાં) નોંધપાત્ર રીતે તીક્ષ્ણ શબ્દોમાં વ્યંગ કરે છે.'
આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સી.આર. કેસવને પણ શશિ થરૂરની પોસ્ટની નિંદા કરી છે. રાજસ્થાનના મંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોડે 'X' પર લખ્યું હતું કે, 'જ્યારે તમારા કદ અને બુદ્ધિમત્તાનો વ્યક્તિ રાજ્યની મજાક ઉડાવે છે, તો પછી બીજા લોકો આવું કેમ ન કરે? અને પછી શું!! તમારી શપથ અને જવાબદારી યાદ રાખો.'