'ભાજપે દરેક વોટરને 10 હજાર વહેંચવા આપ્યા પણ નેતાઓએ...', AAPના ગંભીર આરોપ
Delhi Election 2025: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટી અને ભાજપની વચ્ચે આરોપ-પ્રત્યારોપ તેજ થઈ રહ્યા છે. 'આપ'એ આરોપ લગાવ્યો છે કે, ભાજપ તરફથી દરેક મતદાતાઓને 10-10 હજાર રૂપિયા મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમના નેતાઓએ 9 હજાર રૂપિયા પોતાના ખિસ્સામાં રાખી 1000 રૂપિયા જ મતદાતાઓને આપ્યા. આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે શુક્રવારે આ પ્રકારના દાવા કર્યા હતા.
ભાજપ પર લગાવ્યા ભ્રષ્ટાચારના ગંભીર આરોપ
સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપને વારંવાર ગાલી-ગલૌચ પાર્ટીનું નામ આપતા કહ્યું, 'ગાલી-ગલૌચ પાર્ટીના અમુક નેતાઓ દ્વારા દિલ્હીમાં 1000-1000 રૂપિયા મત ખરીદવા માટે વહેંચવામાં આવ્યા છે. આખી દિલ્હીમાં આ વાતની ચર્ચા છે. ખુલ્લેઆમ મત ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે વાતની હકીકત વિશે ચર્ચા પણ કરી છે. સૂત્રો પાસેથી જે જાણકારી મળી છે તે હજુ ગંભીર છે. હકીકતમાં ગાલી-ગલૌચ પાર્ટીના નેતાઓને 10-10 હજાર રૂપિયા મતદાતાઓને વહેંચવા માટે આપ્યા હતા. આ નેતાઓએ વિચાર્યું કે, ચૂંટણી તો હારી જ જવાના છીએ, તો સારું રહેશે કે પૈસા કમાઈ લઈએ. તેઓએ નવી રીત અપનાવી. 9 હજાર રૂપિયા ખિસ્સામાં રાખો અને 1000-1000 રૂપિયા વહેંચી દો.'
આ પણ વાંચોઃ તમે જાટ સમાજના લોકો સાથે દગો કર્યો: કેજરીવાલનો PM મોદીને પત્ર
ભ્રષ્ટાચારમાં પણ ભ્રષ્ટાચાર
સૌરભ ભારદ્વાજે આ વિશે કહ્યું કે, 'મત ખરીદવા માટે પૈસા આપવા ભ્રષ્ટ આચરણ છે. આચારસંહિતા લાગુ હોવા છતાં દિલ્હીમાં ખુલ્લેઆમ ભ્રષ્ટ આચરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ, તેનાથી મોટી વાત એ છે કે, ભ્રષ્ટાચારની અંદર પણ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. ફક્ત આ ભ્રષ્ટાચાર નથી કે, 1000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. તેમાં પણ ભ્રષ્ટાચાર છે કે, 10 હજારમાંથી 9 હજાર પોતાની પાસે રાખીને 1000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે.'
કેજરીવાલે ચૂંટણી પંચને કરી ફરિયાદ
આમ આદમી પાર્ટીએ આ પહેલાં નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલની સામે ભાજપ ઉમેદવાર પરવેશ વર્મા પર પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, પરવેશ વર્માએ કહ્યું હતું કે, મેં મારા પિતાની સંસ્થા દ્વારા ગરીબ મહિલાઓની મદદ કરી છે. એક દિવસ પહેલાં જ કેજરીવાલે ચૂંટણી પંચમાં પરવેશ વર્માની ફરિયાદ કરી હતી. તેઓએ બહાર નીકળીને પત્રકારો સામે કહ્યું કે, 'મેં માંગ કરી છે કે, પરવેશ વર્માને ચૂંટણી લડવાથી રોકવામાં આવે અને તેમના ઘરે દરોડા પાડી તપાસ કરવામાં આવે કે, તેમના ઘરે કેટલાં પૈસા છે.'