ત્રણ રાજ્યોની ચૂંટણીમાં આ ખાસ વ્યૂહનીતિ અપનાવી શકે છે ભાજપ, PMએ કરી હતી અપીલ
BJP Plan For Assembly Elections: જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી આગામી થોડાક દિવસોમાં યોજાવા જઈ રહી છે. આ ઉપરાંત વર્ષના અંતે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં આંતરિક અસંતોષનો સામનો કરી રહેલા ભાજપે અન્ય રાજ્યોની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવા માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. આ દરમિયાન ભાજપ મોટાભાગે યુવાન અને અગાઉથી રાજકારણમાં ન જોડાયેલા હોય એવા ઉમેદવારોને ટિકિટ આપીને એક ખાસ વ્યૂહનીતિ અપનાવી શકે છે. અગાઉ વડાપ્રધાન મોદીએ પણ સ્વતંત્રતા દિવસના તેમના સંબોધનમાં જાતિવાદ અને વંશીય રાજકારણ સમાપ્ત કરી નવા ચેહરાઓને રાજકારણમાં લાવવાની અપીલ કરી હતી.
2014થી જૂના ઉમેદવારોને હટાવવાની પ્રથા શરુ
નોંધનીય છે કે, 2014થી જ ભાજપે 30થી 33 ટકા જૂના ઉમેદવારોને હટાવી નવા ચેહરાઓને ટિકિટ આપવાની પ્રથા શરુ કરી છે. ભાજપના એક રાષ્ટ્રીય પદાધિકારીએ કહ્યું કે, 'મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ જેવા રાજ્યોમાં પક્ષમાં નવા લોકોને સામેલ કરવાના વડાપ્રધાન મોદીના નિર્દેશનો અમલ કરવામાં આવશે. જો કે, સંભાવના છે કે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં જૂના અને અનુભવી નેતાઓ યુવા નેતાઓ કરતા વધુ સંખ્યામાં હશે.'
આ પણ વાંચોઃ ચૂંટણી પછી ગુમ થઈ ગયેલા વસુંધરા રાજેના તેવર બદલાયા, રાજસ્થાનના રાજકારણમાં કેમ ગરમાવો છે?
જમ્મુ-કાશ્મીરમાં દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા
જમ્મુ અને કાશ્મીરમાં એક દાયકા બાદ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ દરમિયાન ભાજપે રાજ્યના ઉપમુખ્યમંત્રી નિર્મલ સિંહ અને કવિંદર ગુપ્તા સહિત અનેક જૂના અને દિગ્ગજ નેતાઓને ટિકિટ ન આપી પત્તા કાપ્યા છે. જો કે, ભાજપના આ પગલાં બાદ પક્ષમાં ભારે આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે. ઘણા દિગ્ગજ અને અનુભવી નેતાઓ રાજીનામું આપી પક્ષ વિરૂદ્ધ જ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.
હરિયાણામાં ભાજપ વિરોધી લહેર
હરિયાણામાં પાંચ ઑક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અહીં 10 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ ભાજપ હવે સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહી છે. જાતિ અને અનામતના મુદ્દા ભાજપ માટે મોટો પડકાર બની ગયા છે. જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથે ગઠબંધન તૂટ્યા બાદ ભાજપ પાસે રાજ્યમાં હવે કોઈ મજબૂત સહયોગી નથી.
ભાજપના એક નેતાએ આ અંગે જણાવ્યું કે, 'હરિયાણામાં પક્ષ નેતૃત્વએ સંભવિત ઉમેદવારો અંગે કાર્યકરો પાસેથી ફીડબેક માંગ્યા છે. જાતિગત સમીકરણો, વય જૂથ અને વિભિન્ન ક્ષેત્રોમાં તેમની લોકપ્રિયતા જેવા મુદ્દાઓને ધ્યાને રાખીને સૌથી શ્રેષ્ઠ ઉમેદવારોની યાદી તૈયાર કરવા માટે સર્વેક્ષણ અને ચર્ચાઓ કરવામાં આવી હતી. ટૂંક સમયમાં જ ઉમેદવારોની યાદીની જાહેરાત કરવામાં આવશે.'
મહારાષ્ટ્ર અને ઝારખંડ માટે પણ તૈયારી શરુ
આ વર્ષના અંતે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ બે રાજ્યો માટે પણ પાર્ટીએ યુવાન ઉમેદવારો શોધી તેમને તાલીમ આપવાની પ્રક્રિયા હાથ ધરી છે. મહારાષ્ટ્રના એક દિગ્ગજ નેતાએ કહ્યું કે, 'યુવા મોરચા, લઘુમતી અને મહિલા મોરચા જેવા વિભિન્ન માધ્યમથી અમારા નેતાઓએ એવા લોકોને પક્ષ સાથે જોડાવવામાં મદદ કરી કે જેમનો રાજકારણ સાથે કંઈ નહીં અથવા બહુ ઓછો સંબંધ હોય. આ લોકોમાં ઉદ્યોગપતિ, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિક લોકો સામેલ છે. અમે એમનામાંથી ઘણાં લોકોને રાજકારણમાં પ્રવેશવા મંચ આપીશું.'