VIDEO: દિલ્હી કોર્પોરેશનના સદનમાં ભાજપ કોર્પોરેટરોનો હરિયાણી ગીત પર ડાન્સ, AAP ભડકી
Delhi Mayor Election Controversy : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના સદનમાં મેયરની ચૂંટણી રદ થવા મામલે ભાજપના કોર્પોરેટરો વચ્ચે ભારે હોબાળો થયો છે. આ દરમિયાન ભાજપના કોર્પોરેટરોએ ડાન્સ કરવાની સાથે બેન્ચ પર ઊભા થઈ ભગવો ખેસ પણ લહેરાવ્યો. અગાઉ એપ્રિલ મહિનામાં ગૃહની પ્રથમ બેઠક સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે આજે યોજાયેલી બેઠકમાં ભાજપના કોર્પોરેટરો હરિયાણાના ગીત પર નાચતા જોવા મળ્યા હતા. હાલ આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
આમ આદમી પાર્ટી ભાજપ પર ભડકી
સદનમાં હોબાળા મામલે આમ આદમી પાર્ટીએ ભાજપ સામે આક્રોષ વ્યક્ત કર્યો છે. વાસ્તવમાં આજે એમસીડીના મેયરની ચૂંટણી (MCD Election) યોજાવાની હતી, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક ન થવાના કારણે ચૂંટણી રદ કરી દેવાઈ છે, પરંતુ નિયમ મુજબ આજે ગૃહમાં બેઠક શરૂ કરાઈ હતી. બેઠક દરમિયાન ચૂંટણી રદ થવા મુદ્દે BJP અને AAPના કોર્પોરેટરો એકબીજા સામે વિરોધ કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ ગૃહની કાર્યવાહી આગામી તારીખ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
મહિલા કોર્પોરેટરે બેન્ચ પર ઉભા રહી કર્યો ડાન્સ
હોબાળા વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અને એમસીડીના મેયર શૈલી ઓબેરોય (Shelley Oberoi) ગૃહમાંથી બહાર જતા રહ્યા હતા, પરંતુ ત્યારબાદ ભાજપના ઘણા કોર્પોરેટરોએ હરિયાણાના ગીત પર નાચતા દેખાયા હતા. કોર્પોરેટરોએ બ્લૂટુથ સ્પીકર પર ‘ફિરસે મોદીજી કી સરકાર દેખના ચાહૂં સૂ... અબ કી બાર 400 પાર દેખના ચાહૂં સૂ...’ ગીત વગાડી ઝુમ્યા હતા. આ ગીત માત્ર માત્ર પુરુષ કોર્પોરેટરો જ નહીં મહિલા કોર્પોરેટર ભગવો ખેસ લહેરાવી નાચતા જોવા મળ્યા હતા.
મેયર ઓબેરૉયે ભાજપ પર સાધ્યુ નિશાન
આપના મંત્રી સૌરભ ભારદ્વાજે ગૃહની ઘટનાનો વીડિયો શેર કરી ભાજપ પર રોષ ઠાલવ્યો છે. જ્યારે મેયર શૈલી ઑબેરોટે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘જુઓ ભાજપના કોર્પોરેટરો નાચી રહ્યા છે. એક દલિતના પુત્રનો હક માર્યા બાદ ભાજપના કોર્પોરેટરો ખુશખુશાલ છે. જો આજે બાબા સાહેબ આંબેડકર હોત તો આ અન્યાય થવા ન દીધો હોત.’