Get The App

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 50 બળવાખોર: સૌથી વધુ ભાજપને ટેન્શન, ફડણવીસ ડેમેજ કંટ્રોલમાં ઉતર્યા

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 50 બળવાખોર: સૌથી વધુ ભાજપને ટેન્શન, ફડણવીસ ડેમેજ કંટ્રોલમાં ઉતર્યા 1 - image


Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બળવાખોરોએ મહાયુતિ અને મહાવિકાસ આઘાડી (MVA) બંનેનું ટેન્શન વધી ગયું છે. મહાયુતિના 36 ઉમેદવારો જ્યારે મહાવિકાસ આઘાડીના 14 બળવાખોર ઉમેદવારો મેદાનમાં છે. તેવામાં બંને ગઠબંધનના નેતાઓ ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખની રાહ જોઈ રહ્યા છે.

આ દરમિયાન તમામ મુખ્ય પક્ષોના નેતાઓએ બળવાખોરોને શાંત કરવાની કોશિશ કરી હતી. જેથી મતોનું વિભાજન ન થાય તેની ખાતરી કરી શકાય.

અજિત પવાર ફડણવીસને મળ્યા હતા

ગુરુવારે નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવાર, ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસને દક્ષિણ મુંબઈમાં તેમના નિવાસસ્થાન પર મળ્યા હતા.

પવાર પછી પુણે જિલ્લાની ચિંચવાડ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર નાના કેટને મળ્યા હતા અને તેમને નામાંકન પાછું ખેંચી લેવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, ભાજપ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેના મહાયુતિનો ભાગ છે.

ફડણવીસે પોતાના તરફથી પક્ષના સાથીદારો સાથે બેઠકો કરી હતી, તેમજ આ સાથે કેટલાક બળવાખોરોનો પણ સંપર્ક કર્યો હતો. મુખ્યમંત્રી શિંદેએ તેમના થાણે સ્થિત નિવાસસ્થાને સાથીદારો સાથે બેઠક યોજી હતી. મહા વિકાસ આઘાડી (MVA)માં સામેલ પક્ષોએ પણ આવી જ બેઠક યોજી હતી.

ભાજપમાં છે સૌથી વધુ બળવાખોરો

સૌથી વધારે 19 બળવાખોરો ભાજપમાં છે. ત્યારબાદ 16 મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને એક ડેપ્યુટી સીએમ અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માંથી છે. MVAમાં સૌથી વધુ 10 બળવાખોરો કોંગ્રેસના છે અને બાકીના ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)ના છે. MVA ના 14 બળવાખોર ગઠબંધન સહયોગી ઉમેદવારો સિવાયના છે, જેમણે કુર્લા, દક્ષિણ સોલાપુર, પરંડા, સંગોલા અને પંઢરપુરના મતવિસ્તારમાં ઉમેદવારી નોંધાવી છે.

શિંદેની પાર્ટીના 9 બળવાખોરો

શિંદેની પાર્ટીના 9 બળવાખોરો એવા મતવિસ્તારોમાં ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં ભાજપે તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. નવી મુંબઈમાં ઐરોલી, મુંબઈમાં અંધેરી પૂર્વ (અહીં પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની પત્ની અને પુત્રીએ નામાંકન નોંધાવ્યું છે), જલગાંવ જિલ્લામાં પચોરા અને થાણે જિલ્લામાં બેલાપુર જેવી બેઠકો છે.

ભાજપના બળવાખોરો શિવસેનાની બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, જેમાં રાયગઢ જિલ્લાની અલીબાગ અને કર્જત બેઠકોનો સમાવેશ થાય છે. મુંબઈ ઉપનગરની બુલઢાણા, જાલના અને બોરીવલી બેઠકોનો સમાવેશ થાય છે. ભાજપના બળવાખોરો NCP સામે 9 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે શિવસેનાના બળવાખોરો અજિત પવારની પાર્ટીને ફાળવવામાં આવેલી 7 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. એકલા NCP બળવાખોરે નાસિક જિલ્લાના નંદગાંવથી શિવસેનાના ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવી છે.


Google NewsGoogle News