ચૂંટણી પરિણામ: આ રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ બંને શૂન્ય પર, જાણો કોણ છે પ્રચંડ જીતના નાયક પ્રેમસિંહ

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
ચૂંટણી પરિણામ: આ રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ બંને શૂન્ય પર, જાણો કોણ છે પ્રચંડ જીતના નાયક પ્રેમસિંહ 1 - image


Image Source: Twitter

Lok Sabha Election 2024: સિક્કિમમાં ફરી એક વખત સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)ની સત્તામાં વાપસી થતી નજર આવી રહી છે. વલણોમાં પાર્ટી પ્રચંડ બહુમતી પ્રાપ્ત કરતી નજર આવી રહી છે. ક્લિન સ્વિપ તરફ આગળ વધતા સિક્કિમ ક્રાંતિકારી મોરચા કુલ 32 વિધાનસભા બેઠકોમાંથી 31 પર આગળ છે. એક બેઠક પર સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ (SDF) આગળ છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ પોતાનું ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહી છે. જો આ વલણો પરિણામોમાં પરિવર્તિત થાય તો સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ માટે આ જીતનો અર્થ એ થશે કે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ પોતાના સતત બીજા કાર્યકાળ માટે તૈયાર છે. 

2019માં મળી હતી 17 બેઠકો

મુખ્યમંત્રી તમાંગ રેનોક અને સોરેંગ-ચાકુંગ વિધાનસભા બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે અને બંને જ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સિક્કિમના મતદારો પાર્ટીને વધુ એક કાર્યકાળ આપશે. તેમની પત્ની કૃષ્ણા કુમારી રાય નામચી-સિંઘીથાંગ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.

સિક્કિમ ક્રાંતિકારી મોરચાના અધ્યક્ષ પી. એસ. ગોલે ઉર્ફે પ્રેમસિંહ તમાંગે 2019માં 17 બેઠકો હાંસલ કરીને રાજ્યમાં 24થી વધુ વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ ચામલિંગ સરકારને સત્તા પરથી હટાવી દીધી હતી. આ વખતે તેઓ 32માંથી 31 બેઠકો પર જીત પ્રાપ્ત કરતા નજર આવી રહ્યા છે.

2013માં બનાવી હતી પાર્ટી

ચામલિંગની આગેવાની હેઠળના SDFના સ્થાપક સભ્ય પ્રેમસિંહ તમાંગે પૂર્વ મુખ્યમંત્રી સામે બળવો કરીને 2013માં SKMની રચના કરી હતી. તેમણે SDF પર ભ્રષ્ટાચાર અને કુશાસનનો આરોપ લગાવ્યો હતો. ગઠનના આગામી વર્ષે જ 2014ની વિધાનસભા ચૂંટણીમાં SKMએ 10 બેઠકો જીતી હતી. 

કોણ છે પ્રેમસિંહ તમાંગ?

નેપાળી માતા-પિતા કાલુ સિંહ તમાંગ અને ધન માયા તમાંગના પુત્ર પ્રેમસિંહ તમાંગનો જન્મ 5 ફેબ્રુઆરી 1968ના રોજ થયો હતો. તેમણે દાર્જિલિંગની એક કોલેજમાંથી બીએ કર્યું અને સરકારી શાળામાં શિક્ષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

તમાંગે સમાજ સેવા માટે ત્રણ વર્ષ સેવા કર્યા બાદ સરકારી નોકરી છોડી દીધી અને પછી SDFમાં સામેલ થઈ ગયા. તેમનો ત્રણ દાયકાની રાજકીય સફર ખૂબ ઉતાર-ચઢાવ ભર્યો રહ્યો છે. તેઓ 1994થી સતત પાંચ વખત સિક્કિમ વિધાનસભા માટે ચૂંટાયા હતા. તેમણે 2009 સુધી SDF સરકારમાં મંત્રી તરીકે કામ કર્યું છે.

SDF સરકારના ચોથા કાર્યકાળ (2009-14) દરમિયાન ચામલિંગે તેમને મંત્રી પદ આપવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ તમાંગે એ પાર્ટી છોડી દીધી અને પોતાની પાર્ટી બનાવી. તેમણે SDFના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને SKM ચીફ તરીકેનો જવાબદારી સંભાળી.

2016માં જેલ ગયા હતા

2016માં તમાંગને 1994 અને 1999ની વચ્ચે સરકારી પૈસાની ઉચાપત કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને બાદમાં વિધાનસભામાં તેમની સદસ્યતા સમાપ્ત કરી દેવામાં આવી હતી. પ્રેમસિંહ તમાંગ રાજ્યના પ્રથમ એવા રાજનેતા હતા જેમને સજા મળ્યા બાદ વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

તેમણે સિક્કિમ હાઈકોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો હતો જેણે આ નિર્ણયને યથાવત રાખ્યો હતો જેના કારણે ગોલેને સમર્પણ કરવું પડ્યુ હતું. 2018માં જ્યારે તમાંગ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમના હજારો સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું અને પોતાના નેતા પ્રત્યે એકતા દર્શાવતા સરઘસ કાઢ્યુ હતું.


Google NewsGoogle News