Get The App

દેવેન્દ્ર ફડણવીસ મુદ્દે કેમ અસમંજસમાં છે ભાજપ? મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા આ છે મોટો પડકાર

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
દેવેન્દ્ર ફડણવીસ મુદ્દે કેમ અસમંજસમાં છે ભાજપ? મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા આ છે મોટો પડકાર 1 - image


Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં નવેમ્બર સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે, ત્યારે ભાજપ, શિવસેના, કોંગ્રેસ, એનસીપી સહિતના પક્ષોએ પોતપોતાની રણનીતિ બનાવવાની શરૂ કરી દીધી છે. ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ, શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના મહાયુતિ ગઠબંધનમાં બેઠક વહેંચણી મુદ્દો ચાલી રહ્યો છે, તો બીજીતરફ કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી વચ્ચે પણ બેઠક વહેંચણીનું ધમાસાણ જોવા મળી રહ્યું છે. ત્યારે ચૂંટણીની આ તમામ કમઠાણ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ફડણવીસને કેન્દ્રના રાજકારણમાં લાવવા જોઈએ, રાજકારણમાં ચર્ચા

મહારાષ્ટ્રના રાજકારણમાં એવી વાતો થઈ રહી છે કે, ભાજપે ફડણવીસને માત્ર રાજ્યના રાજકારણમાં જ નહીં કેન્દ્રના રાજકારણમાં લાવવા જોઈએ. ત્યારે ચૂંટણી રણનીતિ બનાવવામાં વ્યસ્ત ભાજપ માટે આ એક મોટો પડકાર આવી ગયો છે. ફડણવીસને લઈ પાર્ટી સમક્ષ સૌથી મોટું ટેન્શન એ છે કે, આગામી સમયમાં તેમની સાથે શું કરવું? શું તેમને કેન્દ્રના રાજકારણમાં લઈ જવા જોઈએ કે પછી તેમને રાજ્યમાં જ આગળ કરી ચૂંટણીમાં ઉતારવા જોઈએ? 

આ પણ વાંચો : ‘પાંચ કરોડ નહીં આપો તો...’ રાજધાનીમાં લૉરેન્સ ગેંગની દહેશત, બે દિગ્ગજ હસ્તીને ફોન કરી આપી ધમકી

ફડણવીસ મહારાષ્ટ્રમાં સૌથી લોકપ્રિય નેતા

ફડણવીસને માત્ર રાજ્યના રાજકારણમાં રાખવાનું સૌથી મોટું કારણ એ હોઈ શકે છે કે, તેઓ રાજ્યમાં સૌથી લોકપ્રિય નેતા છે અને તેઓ વિપક્ષ જ હાવિ થવાની તાકાત પણ ધરાવે છે. ફડણવીસની ખાસ વાત એ છે કે, તેઓ યુવા નેતા છે. એવું મનાય છે કે RSS તેમના પર વિશ્વાસ કરે છે અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ખાસ છે. ફડણવીસ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે, તેમના નેતૃત્વ હેઠળ ભાજપ વિધાનસભા ચૂંટણી-2019માં ફરી સત્તા પર આવી શકી નથી. જો કે તે સમયે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને એનડીએનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું. લોકસભા ચૂંટણીમાં ભાજપે મહારાષ્ટ્રમાં 23 બેઠકોથી ઘટીને 9 પર આવી ગઈ છે.

ફડણવીસની હાલત પાછળ ભાજપ નેતૃત્વ જવાબદાર

ફડણવીસના સમર્થકોનું કહેવું છે કે, તેમની હાલત પાછળ ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ જવાબદાર છે. શિંદે જૂથે શિવસેનામાં બળવો કર્યો હોવા છતાં નેતૃત્વએ તેમને મુખ્યમંત્રી પદ આપવાનો ઇનકાર કરી દીધો હતો અને તેમને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે. આ ઉપરાંત ગઠબંધનમાં શિવસેના અને એનસીપીનો પણ સમાવેશ થવાના કારણે પણ મહાયુતિ નબળી પડી છે. મહારાષ્ટ્રમાં ભાજપના અધ્યક્ષ પદનો હોદ્દો ઘણા સમયથી ખાલી છે, ત્યારે આવી સ્થિતિમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે, ભાજપે ફડણવીસને કેન્દ્રીય રાજકારણમાં લાવવા જોઈએ. કેટલાકે પાર્ટીના અધ્યક્ષ માટે તેમનું નામ સૂચવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરએસએસ જૂથમાં એવી વાતો વહેતી થઈ છે કે, જો મહાયુતિ ચૂંટણી જીતશે તો ફડણવીસને ફરીથી મુખ્યમંત્રી પદથી દૂર રાખવામાં આવી શકે છે.

આ પણ વાંચો : ચૂંટણી પહેલાની ખેંચતાણ ભાજપ માટે માથાનો દુ:ખાવો, હવે NDAના આ દિગ્ગજે માંગી 10-12 બેઠકો


Google NewsGoogle News