Get The App

ભાજપની 370 બેઠકો સાથે ત્રીજી ટર્મ નિશ્વિત

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
ભાજપની 370 બેઠકો સાથે ત્રીજી ટર્મ નિશ્વિત 1 - image


- લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બીજી ટર્મનું છેલ્લું સંબોધન 

- એક જ પરિવારના દસ લોકો રાજકારણમાં આવે તેનો વિરાધ નથી, પરંતુ કોંગ્રેસ, સપા જેવી પાર્ટીઓમાં એક જ પરિવાર નિર્ણયો લે છે તેનાથી લોકશાહીને ખતરો 

- વિપક્ષે ફરીથી વિપક્ષમાં બેસવાનો જે સંકલ્પ લીધો છે તે પ્રશંસનીય, જનતા તેમની ઈચ્છા પૂરી કરશે : વડાપ્રધાનનો કટાક્ષ

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના અભિભાષણ અંગે પ્રતિભાવ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા ને ત્રીજી ટર્મ માટે ભાજપની જીત નિશ્વિત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું: આખો દેશ કહી રહ્યો છે કે અબકી બાર મોદી સરકાર. દેશનો મિજાજ જોતાં મને વિશ્વાસ છે કે એનડીએ ૪૦૦થી વધુ બેઠકો મેળવશે ને ભાજપને ૩૭૦થી વધુ બેઠકો આવશે. ત્રીજો કાર્યકાળ બહુ જ મહત્ત્વનો રહેશે. એમાં દેશના ૧૦૦૦ વર્ષના મજબૂત ભવિષ્યનો પાયો નખાશે. અમે એ કામ ૧૦ વર્ષમાં કર્યું છે, જે કોંગ્રેસ ૧૦૦ વર્ષમાં પણ કરી શકી ન હોત. કોંગ્રેસ આજ સુધી સમાજના ભાગલા પાડતો રહ્યો હતો. છેલ્લાં ૧૦ વર્ષમાં કેન્દ્ર સરકારે સમાજને યોજનાથી જોડવાનું કામ કર્યું છે. વિપક્ષે નક્કી કરી લીધું છે કે હજુય એ વિપક્ષમાં જ બેસશે અને જનતા વિપક્ષની ઈચ્છા પૂરી કરશે. વિપક્ષી મોરચાની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું હતું કે એલાયન્સનું એલાઈમેન્ટ બગડી ગયું છે, કારણ કે એ પરિવારવાદથી આગળનું વિચારી જ શકતા નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણના સંદર્ભમાં સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું અને પરિવારવાદને લોકશાહી માટે ખતરો ગણાવ્યો હતો. બીજી તરફ તેમણે ૧૦ વર્ષની સરકારની સિદ્ધિઓ પણ ગણાવી હતી. તેમણે પરિવારવાદ પર કટાક્ષ કરતા કહ્યું: એક પરિવારમાંથી ૧૦ લોકો રાજકારણમાં આવે એનો વિરોધ નથી. નવી પેઢી રાજકારણમાં આવે તેનું તો અમે સ્વાગત કરીએ છીએ, પરંતુ કોંગ્રેસ-સપા જેવી પાર્ટીમાં એક જ પરિવાર બધા નિર્ણયો લે છે, એ જ પરિવારના સભ્યો પરંપરાગત રીતે પ્રમુખ બને છે એ લોકશાહી માટે ખતરો છે. પરિવારવાદનું રાજકારણ ચિંતાનો વિષય છે. ભાજપમાં કોઈ એક પરિવાર નિર્ણયો નથી લેતો. ભાજપની સરકાર જનતાના હિતમાં નિર્ણયો કરે છે એમાં પણ કોંગ્રેસ વિરોધ કરે છે. મેક ઈન ઈન્ડિયા હોય કે સંસદની નવી ઈમારત હોય, કોંગ્રેસ દરેકનો વિરોધ કરે છે. મોદીનો વિરોધ કરતી કોંગ્રેસ હવે તો દેશનો જ વિરોધ કરવા માંડી છે.

કોંગ્રેસના શાસન પર વ્યંગ કરતાં પીએમ મોદીએ ૧૦ વર્ષની તેમની સરકારની ઉપલબ્ધિ ગણાવી હતી. અમે જે ઝડપથી દેશમાં કામ કર્યું એ ઝડપે કામ કરવાની કોંગ્રેસ કલ્પના પણ ન કરી શકે. અમે ગરીબો માટે ચાર કરોડ ઘર બાંધ્યા. શહેરી વિસ્તારોમાં ગરીબો માટે ૮૦ લાખ પાકા મકાનો બનાવ્યા. કોંગ્રેસને આ કામ કરતાં ૧૦૦ વર્ષ લાગી જાત અને લોકોની પાંચ પેઢી બદલાઈ જાત. ૪૦ હજાર કિલોમીટરનો ઈલેક્ટિક રેલવે ટ્રેક બનાવ્યો. ૧૭ કરોડ ગેસ કનેક્શન આપ્યા. કોંગ્રેસને આટલું કામ કરતાં ૫૦-૬૦ વર્ષ લાગી ગયા હોત. તેમણે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના વિચારને ટાંકતા કહ્યું હતું: નેહરુ કહેતા કે હિન્દુસ્તાનીઓમાં મહેનતની ભાવના નથી. યુરોપ-અમેરિકા-જાપાનના લોકો મહેનત અને બુદ્ધિથી બધા કામ પાર પાડે છે. નેહરુ ભારતીયોને આળસુ ગણતા હતા. ઈન્દિરા ગાંધીની વિચારધારા  પણ લગભગ એવી જ હતી. ઈન્દિરાજીએ કહેલું: શુભ કામ પૂરું થાય તે પહેલાં જ આપણે સંતોષ માની લઈએ છીએ. ક્યારેક લાગે છે, આખો દેશ પરાજય ભાવનાથી ભરાયેલો છે. તેમની દેશ માટે આ વિચારધારા હતી. પરિવારવાદ પર કટાક્ષ કરતાં પીએમ મોદીએ કહ્યું: એક જ પ્રોડક્ટને વારંવાર લોંચ કરવાના ચક્કરમાં દુકાન બંધ કરવાનો વખત આવ્યો છે. દેશની સાથે કોંગ્રેસને પણ પરિવારવાદથી નુકસાન થયું છે. સારા નેતાઓને વેઠવું પડયું છે.

છેલ્લાં વર્ષોની સિદ્ધિ ગણાવતા મોદીએ કહ્યું: આ સંસદમાં ૩૭૦ કલમ રદ્ થઈ. અંતરીક્ષથી ઓલિમ્પિક સુધી નારી શક્તિની ગૂંજ છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્વિમ ચારેબાજુ દાયકાઓથી લટકતી-ભટકતી યોજનાઓને પૂરી થતી દેશે જોઈ. અંગ્રેજી માનસિકતાના સેંકડો કાયદા સરકારે સેકન્ડોમાં રદ્ કરી દીધા. તેમણે ઓબીસી અંગે કોંગ્રેસની ઝાટકણી કાઢી : કોંગ્રેસને ઓબીસીની બહુ ચિંતા છે. એ હિસાબ માંગે છે કે કેટલા ઓબીસી છે?મને આશ્વર્ય થાય છે કે હું સૌથી મોટો ઓબીસી છું એ તેમને નથી દેખાતું. તેમના કાર્યકાળમાં કેટલા ઓબીસી હતા એ આંકડો કોઈ જણાવે. એ નામદાર છે. અમે કામદાર છીએ. 

મોંઘવારીના ફિલ્મી ગીતો કોંગ્રેસના રાજમાં આવ્યાં

પીએમ મોદીએ કોંગ્રેસના રાજમાં મોંઘવારી હતી એ અંગે હળવા અંદાજમાં કહ્યું કે નેહરુજી હંમેશા મોંઘવારીના ગીતો ગાતા રહ્યા, મોંઘવારી કાબૂ ન કરી. એ પછી સિલસિલો ચાલતો રહ્યો. જ્યારે જ્યારે કોંગ્રેસ આવી ત્યારે ત્યારે મોંઘવારી આવી. મહંગાઈ માર ગઈ અને મહંગાઈ જાયન ખાયત જાત હૈ - જેવા ગીતો કોંગ્રેસના રાજમાં આવ્યા અને સુપરહીટ રહ્યા. 


Google NewsGoogle News