મહારાષ્ટ્ર-ઝારખંડમાં ભાજપની ગઠબંધન સરકારનો વરતારો
- એનડીએ મહારાષ્ટ્રમાં સત્તાનો તાજ જાળવી રાખશે, ઇન્ડિયા ગઠબંધન ઝારખંડ ગુમાવશે : એક્ઝિટ પોલ
- મહારાષ્ટ્રમાં એનડીએને 288માંથી સરેરાશ 153 જ્યારે ઇન્ડિયાને 126, અન્યોને 9 બેઠકો મળવાનું અનુમાન
- ઝારખંડમાં એનડીએને કુલ 81માંથી સરેરાશ 39, ઇન્ડિયાને 38 જ્યારે અન્યોને 4 બેઠકો મળવાની શક્યતાઓ
નવી દિલ્હી : મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ જતા વિવિધ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરાયા હતા. મોટાભાગના એક્ઝિટ પોલે બન્ને રાજ્યોમાં ભાજપની ગઠબંધનવાળી સરકાર બનવાના સંકેતો આપ્યા છે. તમામ એજન્સીઓમાંથી માત્ર એક્સિસ માયઇન્ડિયાએ જ ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસની સરકાર બનશે તેવો દાવો કર્યો છે.
ઉત્તર પ્રદેશની નવ બેઠકોની પેટા ચૂંટણીમાં પાંચથી સાત પર ભાજપની જીતનો પોલનો દાવો, ૨૩મીએ પરિણામો સાચુ ચિત્ર સ્પષ્ટ કરશે.
મહારાષ્ટ્રની તમામ બેઠકો જ્યારે ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલ જાહેર થયા હતા. મહારાષ્ટ્રની ૨૮૮ બેઠકોમાંથી ૧૪૫ બેઠકો મેળવનારો પક્ષ સરકાર બનાશે જ્યારે ૮૧ બેઠકો ધરાવતા ઝારખંડમાં બહુમત માટે ૪૧ બેઠકો મેળવવી જરૂરી છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિંદે જૂથની શિવસેના-અજીત પવાર જૂથની એનસીપીના ગઠબંધનવાળી સરકાર છે. જ્યારે ઝારખંડમાં ઝારખંડ મૂક્તિ મોરચા અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર છે. એક્ઝિટ પોલના તારણ મુજબ ભાજપનું એનડીએ ગઠબંધન મહારાષ્ટ્રમાં તો સત્તા જાળવી જ રાખશે સાથે જ વિપક્ષ પાસેથી ઝારખંડ પણ પોતાના હાથમાં લઇ લેશે. ૨૩મી નવેમ્બરના રોજ પરિણામો જાહેર કરાશે જોકે તે પહેલા એક્ઝિટ પોલના આંકડા જાહેર થઇ ગયા છે.
મેટ્રિઝ એક્ઝિટ પોલના આંકડા મુજબ ઝારખંડમાં એનડીએને ૮૧માંથી ૪૨થી ૪૭, ઇન્ડિયા ગઠબંધનને ૨૫થી ૩૦ બેઠકો મળશે. પીપલ્સ પલ્સના દાવા મુજબ મહારાષ્ટ્રમાં એનડીએની મહાયુતીને ૨૮૮માંથી ૧૭૫થી ૧૯૫ જ્યારે ઇન્ડિયા ગઠબંધનને ૮૫થી ૧૧૨ બેઠકો મળશે. આ જ એજન્સીએ ઝારખંડમાં એનડીએને ૪૪થી ૫૩ જ્યારે ઇન્ડિયા ગઠબંધનને ૨૫થી ૩૭ બેઠકો આપી છે. એક્સિસ માયઇન્ડિયાએ ઇન્ડિયા ગઠબંધનનો વોટશેર ૪૫ ટકા જ્યારે એનડીએનો વોટશેર ૩૭ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
મહારાષ્ટ્રમાં ચાણક્ય સ્ટ્રેટેજીસે દાવો કર્યો છે કે ભાજપના ગઠબંધનને ૧૫૨થી ૧૬૦ જ્યારે ઇન્ડિયા ગઠબંધનને ૧૩૦થી ૧૩૮ બેઠકો મળશે. જોકે લોકશાહી રુદ્રાના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ખરાખરીની ટક્કર જોવા મળશે અને મહાયુતી (એનડીએ)ને ૧૨૮થી ૧૪૨ જ્યારે મહાવિકાસ આઘાડી (ઇન્ડિયા ગઠબંધન)ને ૧૨૫થી ૧૪૦ તેમજ અન્યોને ૧૮થી ૨૩ બેઠકો મળશે તેવુ અનુમાન આપ્યું છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની નવ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ ગઇ છે, આ નવમાંથી પાંચથી સાત બેઠકો પર ભાજપ જીતશે તેવું અનુમાન કેટલાક એક્ઝિટ પોલે આપ્યું છે. જોકે સાચુ ચિત્ર ૨૩મી નવેમ્બરના રોજ જાહેર થનારા પરિણામો સમયે જ સામે આવશે.
મહારાષ્ટ્રમાં પક્ષની સ્થિતિ અંગે એક્ઝિટ પોલ
પક્ષ |
બેઠકો |
ભાજપ |
૮૦-૮૫ |
શિવસેના (શિંદે) |
૩૦-૩૫ |
રાષ્ટ્રવાદી (અજિત) |
૧૮-૨૨ |
કોંગ્રેસ |
૪૮-૫૫ |
શિવસેના (ઉદ્ધવ) |
૩૯-૪૩ |
રાષ્ટ્રવાદી એસપી |
૩૮-૪૨ |
મનસે |
૦૦ |