ભાજપે ચૂંટણી પરિણામ પહેલા જ નેતાને મંત્રી બનાવી દીધા, કોંગ્રેસે કહ્યું દેશમાં આવી પ્રથમ ઘટના
શ્રીકરણપુર વિધાનસભાથી ભાજપના ઉમેદવાર સુરેન્દ્ર પાલ સિંહને મંત્રી બનાવી દેવાતા વિવાદ
કોંગ્રેસે કહ્યું ભાજપનો અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો છે
Rajasthan election News | રાજસ્થાનમાં સરકારની રચનાના 27 દિવસ બાદ ભજનલાલ શર્માએ (CM Bhajan lal Sharma ) મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું. રાજ્યમાં કુલ 21 ધારાસભ્યો અને એક ઉમેદવારે મંત્રી પદના શપથ લીધા. સાથે જ 12 ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. આ દરમિયાન જે સૌથી વધુ ચર્ચામાં રહ્યાં એ છે કે શ્રીકરણપુર વિધાનસભાથી ભાજપના ઉમેદવાર સુરેન્દ્ર પાલ સિંહ (Surendra Pal singh).
હજુ તો ચૂંટણી યોજાઈ પણ નથી ને મંત્રી બનાવ્યાં
ખરેખર કરણપુર વિધાનસભા બેઠક પર 5 જાન્યુઆરીએ ચૂંટણી યોજાવાની છે પણ ચૂંટણી પહેલાથી જ ભાજપના ઉમેદવાર સુરેન્દ્ર પાલ સિંહ ટીટીને મંત્રી તરીકે શપથ અપાવી દેવાયા છે. ભાજપના આ પગલાં સામે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવતાં સવાલ ઊઠાવ્યા હતા. કોંગ્રેસે દાવો કર્યો કે દેશમાં આ પ્રથમ મામલો છે.
કોંગ્રેસે ઊઠાવ્યાં સવાલ
રાજસ્થાન કોંગ્રેસ પ્રદેશ કમિટીના અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ ભાજપના આ પગલાં સામે સવાલો ઊભાં કર્યા છે. તેમણે એક્સ પર લખ્યું કે ભાજપનો અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો છે. ભાજપને ચૂંટણીપંચને છેતરતાં આદર્શ આચાર સંહિતાનો ભંગ કરી શ્રીકરણપુરથી ભાજપના ઉમેદવાર શ્રી સુરેન્દ્ર પાલ ટીટીને મંત્રી પદના શપથ અપાવી દીધા. દેશમાં આ પ્રથમ કેસ છે જ્યારે ચૂંટણી પહેલાં જ ભાજપે તેમના ઉમેદવારને મંત્રી બનાવી દીધા છે. કોંગ્રેસ આ મામલે ચૂંટણીપંચનું ધ્યાન ખેંચી કાર્યવાહીની માગ કરશે. ભાજપ ભલે મતદારોને લાંચ આપે પણ શ્રીકરણપુરની સીટ કોંગ્રેસ પાર્ટી મોટા અંતરથી જીતશે.