ભાજપના લોકસભા ઉમેદવારોની બીજી યાદી આવતીકાલે જાહેર થવાની સંભાવના, કાલે મહત્વની બેઠક
કેટલીક બેઠકો પર નામ અંગે નિર્ણય ન થતા ભાજપ ચૂંટણી સમિતિની આજની બેઠક ટાળી દેવાઈ
બીજી યાદીમાં 150થી વધુ નામ હોવાની ચર્ચા, ભાજપના હાઈકમાન્ડની બેઠકમાં નામો પર ચર્ચા કરાઈ
Lok Sabha Election 2024 : ભાજપે લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કર્યા બાદ આવતીકાલે બીજી યાદી (BJP Candidate Second List) જાહેર કરે તેવી સંભાવના છે. ભાજપે પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. હવે સૌની નજર બીજી યાદી પર છે.
ભાજપની આવતીકાલે બેઠક, બીજી યાદી જાહેર થવાની સંભાવના
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની 10 માર્ચે યોજાનાર બેઠકને ટાળી દેવાઈ છે. હવે આવતીકાલે 11 માર્ચે સાંજે 6.00 કલાકે બેઠક યોજાશે. આ બેઠકમાં બીજી યાદી જાહેર થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેટલીક બેઠકો પર નામ અંગે નિર્ણય ન થઈ શકતા આજની બેઠક ટાળી દેવાઈ છે.
150 ઉમેદવારોના નામ ફાઈનલ થવાની શક્યતા
સૂત્રો મુજબ ભાજપ બીજી યાદીમાં 150થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. બીજી યાદી માટે યોજાયેલી ભાજપના હાઈકમાન્ડની બેઠકમાં રાજ્યવાર નામો પર ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, ભાજપે બીજી માર્ચે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી, ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લખનઉ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે.
કયા રાજ્યમાં કેટલા ઉમેદવારો જાહેર થયા?
પ્રથમ યાદી (BJP Candidate First List)માં ભાજપે ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 51 ઉમેદવારો, મધ્યપ્રદેશમાં 24, પશ્ચિમ બંગાળમાં 20, ગુજરાતમાં 15, રાજસ્થાનમાં 15, કેરળમાં 12, તેલંગાણા, આસામ, છત્તીસગઢ અને ઝારખંડમાં 11-11, દિલ્હીમાં 5, ઉત્તરાખંડમાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 2, ગોવા, ત્રિપુરા, આંદામાન અને નિકોબારમાં એક-એક, દમણ અને દીવની એક-એક બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા છે.
TMCએ આજે 42 ઉમેદવારોના નામ જાહેર કર્યા
આ અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે તમામ 42 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. બેનરજીની પાર્ટીએ I.N.D.I.A. ગઠબંધનને મોટો ઝટકો આપી એકલા ચાલો રેની નીતિ અપનાવી છે. તૃણમૂલ કોંગ્રેસની આ યાદીમાં ચોંકાવનારું નામ ગુજરાતના જાણીતા ક્રિકેટ બંધુ પૈકી એક ઈરફાન પઠાણના ભાઈ યુસુફ પઠાણનું નામ છે. તેમને બરહામપુરની બેઠક પરથી લોકસભાની ટિકિટ ફાળવવામાં આવી છે. જ્યારે બીજી બાજુ સંસદમાંથી બરતરફ થયેલા પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાને ફરી એકવાર ક્રૃષ્ણનગરની બેઠક પરથી ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.