ઉત્તર પ્રદેશમાં મુરાદાબાદના ભાજપ ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું નિધન, આ બેઠક પર 19 એપ્રિલે જ થયું હતું મતદાન

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
ઉત્તર પ્રદેશમાં મુરાદાબાદના ભાજપ ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું નિધન, આ બેઠક પર 19 એપ્રિલે જ થયું હતું મતદાન 1 - image


Kunwar Sarvesh Singh Passes Away : ભાજપના મુરાદાબાદ લોકસભા સીટના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું નિધન થયું છે. તેમણે 71 વર્ષની વયે આજે સાંજે 6:30 વાગ્યે દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભાજપે કેન્સર પીડિત કુંવર સર્વેશને ટિકિટ આપી હતી. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ આ બેઠક પર શુક્રવારે 19 એપ્રિલે મતદાન થયું હતું. 

ભાજપે કુંવર સર્વેશ સિંહ ચોથી વખત ટિકિટ આપી હતી

BJPએ સર્વેશ સિંહને મુરાદાબાદ (Moradabad) લોકસભા સીટ પરથી ચોથી વખત ઉમેદવાર બનાવ્યા હતા. 2009માં તેઓ પૂર્વ ક્રિકેટર અઝહરુદ્દીન સામે ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા, ત્યારબાદ 2014માં તેમણે સપાના ઉમેદવાર ડૉ.એસ.ટી. હસનને હરાવ્યા હતા. આ પછી તેમણે 2019ની લોકસભા ચૂંટણી પણ લડી હતી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. 

કુંવર સર્વેશ કુમાર લાઉડસ્પીકર વિવાદથી ચર્ચામાં આવ્યા

વ્યવસાયે વેપારી કુંવર સર્વેશ કુમાર ઉત્તર પ્રદેશના શક્તિશાળી નેતાઓમાંના એક મનાતા હતા. 2014માં સર્વેશ સિંહ મુરાદાબાદથી સાંસદ બન્યા હતા. સાંસદ બનતા પહેલા તેઓ ઠાકુરદ્વારા વિધાનસભા બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય ચૂંટાયા હતા. સર્વેશ કુમાર 2014માં કાંઠ વિધાનસભા ક્ષેત્રમાં લાઉડસ્પીકર વિવાદ દરમિયાન ચર્ચામાં આવ્યા હતા.

કુંવર સર્વેશ સિંહની રાજકીય સફર

કુંવર સર્વેશ સિંહનો જન્મ 22 ડિસેમ્બર 1951ના રોજ થયો હતો. સર્વેશ સિંહે 1991માં ભાજપની ટિકિટ પર પહેલીવાર ઠાકુર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી. ત્યારબાદ તેઓ સતત ચાર વખત ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. 1991 બાદ સર્વેશ સિંહે 1993, 1996 અને 2002માં સતત ચૂંટણી જીતી હતી. જોકે, 2007માં તેમને બસપાના ઉમેદવાર પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજેપી નેતા સર્વેશ સિંહના પુત્ર સુશાંત સિંહ બિજનૌરની બાદપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય છે.


Google NewsGoogle News