લોકસભા ચૂંટણી: માર્ચના પહેલા અઠવાડિયામાં ભાજપ 100 ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે: સૂત્રો
ભાજપ ઉત્તર પ્રદેશ પર વધારે ધ્યાન આપી રહ્યું છે
Lok Sabha Election: લોકસભા ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ કોઈપણ સમયે જાહેર કરી શકે છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, ભાજપ માર્ચના પહેલા અઠવાડિયામાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. તેમાં 100 ઉમેદવારોના નામ સામેલ થવાની આશા છે.
ઉત્તર પ્રદેશ પર ભાજપનું ફોકસ: સૂત્રો
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પહેલી યાદીમાં મોટાભાગે તે બેઠકોનો સમાવેશ કરવામાં આવશે, જેમાં ભાજપ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં હારી ગયું હતું. જેમાં ઉત્તર પ્રદેશની 14 લોકસભા બેઠકોનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઘણાં ઉમેદવારો બહુ ઓછા મતોથી હારી ગયા હતા અને કેટલાક ઉમેદવારો બીજા ક્રમે પણ રહ્યા હતા. આવી સ્થિતિમાં ભાજપ માટે આ બેઠકો પ્રાથમિકતા પર છે. આ બેઠકો પર પહેલા ઉમેદવારોની જાહેરાત કરીને, ભાજપ તેમને લોકો સુધી પહોંચવાની પૂરતી તક આપવા માગે છે.
આ રાજ્યોમાંથી ઉમેદવારો જાહેર થઈ શકે છે
ભાજપ માર્ચના પહેલા અઠવાડિયામાં લોકસભા ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ભાજપ ઉત્તર પ્રદેશ પર વધારે ધ્યાન આપી રહ્યું છે. આ સિવાય તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, પંજાબ, જમ્મુ કાશ્મીર, ઓડિશા અને મહારાષ્ટ્રની હારેલી બેઠકોનો સમાવેશ થાય છે. ભાજપના ઉમેદવારો આ રાજ્યોમાં ઘણી લોકસભા બેઠકો ખૂબ જ ઓછા માર્જિનથી હારી ગયા હતા.
લોકસભાની 160 સીટો પર ફોકસ
સૂત્રોના જણાવ્યાનુસાર, ભાજપ પુરી તાકાત અને ક્ષમતા સાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરી રહ્યું છે. ભાજપની હાઈકમાન્ડનું ધ્યાન દેશભરની 160 લોકસભા બેઠકો પર છે, જ્યાં ભાજપ ચૂંટણી હારી ગયા હતા અથવા પક્ષ બીજા ક્રમે આવ્યા હતા તથા જીતનું માર્જિન ખૂબ ઓછું હતું. આ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ હરીફ ઉમેદવારોને કડક ટક્કર આપી હતી. ભાજપે લગભગ 160 લોકસભા બેઠક પસંદ કરી છે, જેમાં ભાજપે બહુ ઓછા માર્જિનથી ચૂંટણી જીતી હતી અથવા જીતી શકી નથી. તેથી પક્ષે લગભગ એક વર્ષ પહેલા ક્લસ્ટર ઈન્ચાર્જની નિમણૂક કરી છે અને તે બેઠકો પર વધુ ફોકસ રહી છે.