Get The App

બંગાળમાં બંધના એલાન વચ્ચે હિંસા, ક્યાંક ફાયરિંગ તો ક્યાંક ભાજપ-ટીએમસી કાર્યકરો બાખડ્યા

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
West Bengal Protest


Kolkata Protest for Women Doctor Raped And Murdered In RG Kar Hospital: કોલકાતાની આર જી કર હૉસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો કેસ હજુ પણ ચર્ચામાં છે. આ ઘટનાના વિરોધમાં મમતા બેનર્જીના સીએમ પદેથી રાજીનામાની માગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્ગો પર ઊતર્યા હતા. ત્યારે ભાજપે પણ આજે બંધના એલાનની જાહેરાત કરી દીધી હતી. જેના પગલે સમગ્ર રાજ્યમાં હિંસા અને ફાયરિંગ અને દેખાવો દરમિયાન અથડામણ જેવી ઘટનાઓના કિસ્સા સામે આવવા લાગ્યા છે. 

બંગાળમાં ભાજપના નેતા પર ફાયરિંગની ઘટના  

બંગાળમાં ભાજપે આજે 12 કલાકના બંધનું એલાન કર્યું હતું. આ દરમિયાન ભાટપાડામાં ભાજપના સ્થાનિક નેતા પ્રિયાંગુ પાંડેના વાહન પર ફાયરિંગની ઘટના બની હોવાના અહેવાલ છે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે ટીએમસીના કાર્યકરોએ જ આ ઘટનાને અંજામ આપ્યો છે. ડ્રાઇવરને ગોળી વાગી હતી. 

અનેક જગ્યાએ આગચંપીના અહેવાલ 

બીજી બાજુ હેમતાબાદ સહિત અનેક વિસ્તારોમાંથી આગચંપીના અહેવાલ સામે આવી રહ્યા છે. અનેક જગ્યાએ છમકલાં વચ્ચે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે જેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા. નાદિયા જિલ્લાની વાત કરીએ તો અહીં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે અથડામણ જોવા મળી હતી.

બંગાળમાં બંધના એલાન વચ્ચે હિંસા, ક્યાંક ફાયરિંગ તો ક્યાંક ભાજપ-ટીએમસી કાર્યકરો બાખડ્યા 2 - image

કૈલાશ વિજયવર્ગીયએ મમતાની સરખામણી હિટલર સાથે કરી

ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં પોલીસ, અસામાજિક તત્ત્વો અને રાજકારણીઓની સાંઠગાંઠ છે. પોલીસની ગાડીમાં બળાત્કારી ફરી રહ્યા છે? શરમજનક બાબત છે કે જ્યાં મહિલા મુખ્યમંત્રી હોય ત્યાં મહિલાઓ સુરક્ષિત નથી. તેમને ખુરશી પર રહેવાનો કોઈ અધિકાર નથી. આજના સમયમાં હિટલર પછી જો કોઈ સરમુખત્યાર હોય તો તે મમતા બેનર્જી છે.

ભાજપના ગુંડા બળજબરીપૂર્વક શાળાઓ બંધ કરાવી રહ્યા છે : મહુઆ મોઈત્રા 

બીજી બાજુ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ તેમના અંદાજમાં કહ્યું કે ભાજપના ગુંડા બળજબરીપૂર્વક સ્કૂલો બંધ કરાવી રહ્યા છે. મોઈત્રાએ કહ્યું કે એવી પાર્ટીથી આશા ન રાખશો જેમના નેતા પાસે રાજકારણના વિજ્ઞાનમાં મિસ્ટ્રી ડિગ્રી છે.

બંગાળમાં બંધની આંશિક અસર

બીજી બાજુ બંગાળમાં ભાજપના બંધની આંશિક અસર દેખાઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ બસ સેવાઓ પ્રભાવિત થઈ હતી. ભાજપના બંધના એલાન વચ્ચે સરકારી બસોના ડ્રાઇવરો સુરક્ષા માટે હેલમેટ પહેરીને ડ્રાઇવિંગ કરતાં દેખાયા હતા. એક બસ ડ્રાઇવરે કહ્યું કે, 'સરકાર તરફથી અમને સુરક્ષા માટે આ પગલું લેવાની ભલામણ કરાઈ હતી.' 

બંગાળમાં બંધના એલાન વચ્ચે હિંસા, ક્યાંક ફાયરિંગ તો ક્યાંક ભાજપ-ટીએમસી કાર્યકરો બાખડ્યા 3 - image


Google NewsGoogle News