રીલ અને રિયલ લાઈફ રેપિસ્ટથી ભરેલી છે TMC, શત્રુઘ્ન સિન્હાની ઉમેદવારી પર BJPના પ્રહાર
- TMCએ ફરી એકવાર શત્રુઘ્ન સિન્હાને આસનસોલથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે
Image Source: Twitter
કોલકાતા, તા. 11 માર્ચ 2024, સોમવાર
તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજીએ 'એકલા ચાલો'ની નીતિ અપનાવી પશ્ચિમ બંગાળમાં બધી જ 42 બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. અભિનેતામાંથી નેતા બનેલા શત્રુઘ્ન સિંહા પર TMCએ ફરી એક વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રવિવારે કોલકાતામાં TMCની રેલીમાં બંગાળની તમામ 42 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. TMCએ ફરી એકવાર શત્રુઘ્ન સિન્હાને આસનસોલથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. શુત્રઘ્ન સિન્હાએ 2022માં આસનસોલથી TMCની ટિકિટ પર પેટાચૂંટણી જીતી હતી. TMCએ ફરી એક વખત તેમના નામ પર મહોર લગાવી છે. TMCના ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપે TMC પર આકરા પ્રહારો કર્યા છે.
ભાજપે શત્રુધ્ન સિંહાનો જૂનો વીડિયો શેર કર્યો
આસનસોલથી શત્રુઘ્ન સિન્હાને TMCની ટિકિટ મળ્યા બાદ ભાજપ આક્રમક બની ગઈ છે. ભાજપે તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધતા એક જૂનો વીડિયો શેર કર્યો છે. BJP IT સેલના પ્રમુખ અમિત માલવિયાએ X પર એક પોસ્ટમાં શત્રુઘ્ન સિંહાની જૂની ક્લિપ શેર કરતા કહ્યું કે આસનસોલથી TMC ઉમેદવારે શત્રુઘ્ન સિંહાને મળો. TMC રીલ અને રિયલ લાઈફમાં રેપિસ્ટથી ભરેલી છે.
મહિલા સાથે સબંધિત કાર્યક્રમમાં શત્રુધ્ન સિન્હાને ન બોલાવ્યા: અમિત
અમિત માલવિયાએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ મહિલા સશક્તિકરણ માર્ચમાં શત્રુઘ્ન સિંહાને બોલાવવામાં ન આવ્યા. ભાજપના રાજ્ય સચિવ પ્રિયંકા ટિબરેવાલે TMC ઉમેદવારોની પસંદગી પર નિશાન સાધ્યુ અને તેમણે પાર્ટીના રિયલ અને રીલ લાઈફ હીરો વચ્ચે સમાનતા જણાવી.
રીલ અને રિયલ લાઈફ રેપિસ્ટથી ભરેલી છે TMC
ટિબરેવાલે કહ્યું કે, ટીએમસીના રિયલ અને રીલ હીરો વચ્ચેની સમાનતા જુઓ. TMCના રિયલ હીરો શાહજહાં જેવા લોકો સંદેશખાલીમાં અનેક મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું અને કેટલાક રીલ હીરો શત્રુધ્ન સિન્હા જેવા લોકો ફિલ્મોમાં મહિલાઓ સાથે દુષ્કર્મ આચરે છે. તેમણે કહ્યું કે TMCની યાદી સંપૂર્ણપણે બદમાશોથી ભરેલી છે કારણ કે તેમની સામે કેસ ચાલી રહ્યા છે. TMCએ તેને ટિકિટ આપી જેને સંસદે હાંકી કાઢ્યો હતો. એમાં કોઈ શંકા નથી કે આપણે આવનારા વર્ષોમાં એ જ પ્રકારના પરિણામો જોઈશું.