દક્ષિણ ભારતના આ રાજ્યમાં સતત ત્રણ ટર્મથી ભાજપ શૂન્ય પર: આ વખતે ખાતું ખૂલશે?

Updated: May 16th, 2024


Google NewsGoogle News
દક્ષિણ ભારતના આ રાજ્યમાં સતત ત્રણ ટર્મથી ભાજપ શૂન્ય પર: આ વખતે ખાતું ખૂલશે? 1 - image


Lok Sabha Elections 2024: દેશના રાજકારણમાં સાઉથ ઈન્ડિયાનું રાજકારણ એવું રહ્યું છે જેણે હંમેશા ભાજપ, એનડીએ અને તેના તમામ નેતાઓ તથા સમર્થકો આશ્ચર્યોમાં જ મૂક્યા છે. ત્યાં ક્યારેય ધારેલું પરિણામ મળ્યું જ નથી. તેમાંય કેરળની વાત કરીએ તો આ રાજ્યમાં છેલ્લાં પંદર વર્ષમાં ભાજપને લોકસભાની ચૂંટણીમાં એકપણ બેઠક મળી નથી. કેરળ એક એવું રાજ્ય છે જ્યાં મતદાન અને મતદારો બંને વિશે કોઈ અનુમાન લગાવી શકાય તેમ નથી. 

અહીંયાના પરિબળો અને પરિણામો માત્ર સ્થાનિક સ્તરે જ સમજાય તેમ છે. ભાજપ અને તેના સાથી પક્ષો માટે દક્ષિણ ભારત કાયમ રાજકીય શૂન્યાવકાશનો જ વિસ્તાર રહ્યો છે. ભાજપ દ્વારા છેલ્લી ત્રણ લોકસભાથી દક્ષિણ ભારતમાં ભગવો લહેરાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પણ તેમાં ધારી સફળતા મળી રહી નથી. 

ગત ત્રણ લોકસભા ચૂંટણીમાં તો ભાજપ સફળ રહ્યું નથી 

કેરળમાં અત્યાર સુધી એલડીએફ અને યુડીએફ જ મુખ્ય પ્રવાહ તરીકે દેખાતા હતા. ભાજપ દ્વારા આ બંનેની વચ્ચે પગપેસારો કરવાના પ્રયાસ કરાયા છે. ગત ત્રણ લોકસભા ચૂંટણીમાં તો ભાજપ તેમાં સફળ રહ્યું નહોતું તેથી આ વખતે પરિણામ પોતાની તરફેણમાં આવે તે વધારે જરૂરી છે.

રાજકીય જાણકારોના મતે છેલ્લી ત્રણ લોકસભાથી ભાજપ કેરળમાં ઘુસવા માટે પ્રયાસ કરી રહ્યો છે પણ તેને ધારી સફળતા મળી રહી નથી. તે દર વખતે પૂરી મહેનત સાથે કામગીરી કરવા જાય છે પણ ખાતું ખુલતું નથી. કેરળના રાજકારણને જાણનારા લોકો માને છે કે, ભાજપ હજી પણ કેરળના રાજકીય વાતાવરણને સમજી શક્યું નથી. અહીંયા સાક્ષરતાનું પ્રમાણ અન્ય રાજયોની સરખામણીએ ઘણું વધારે છે. 

તેના કારણે જ ભાજપ અને અન્ય રાજકીય પક્ષો દ્વારા જે જાહેરાતો કરવામાં આવે છે, જે વાતો કરવામાં આવે છે તેને લોકો સીધે સીધી સ્વીકારી લેતા નથી. લાલચની વાતો તેમના ઉપર ખાસ અસર કરતી નથી. લોકો લાગણીશીલ થઈને મતદાન કરતા નથી. લોકોને દરેક મુદ્દા ખબર છે. તે ઉપરાંત જે મુદ્દા સામે આવે છે તેની તે પૂરતી તપાસ કરે છે, જ્ઞાન મેળવે અને ત્યારબાદ તેના વિશે નિર્ણય કરે છે. તેના કારણે જ તેઓ ખૂબ જ સ્પષ્ટ હોય છે કે, આપણે કોને વોટ આપવાનો છે અને કોને નહીં.

દક્ષિણ ભારતના આ રાજ્યમાં સતત ત્રણ ટર્મથી ભાજપ શૂન્ય પર: આ વખતે ખાતું ખૂલશે? 2 - image

કેરળમાં વોટ શિફ્ટિંગનો ટ્રેન્ડ વધારે વ્યાપક

કેરળમાં ઘણા વખતથી સીપીએમ અને કોંગ્રેસનું જોર વધારે છે. આ બંને પક્ષોનો અહીંયા દબદબો છે. તેઓ બીજા કોઈને ખાસ ફાવવા દેતા નથી. અહીંયા મોટાભાગે આ બંને વચ્ચે જ વોટની વહેંચણી થતી હોય છે. અહીંયા સીપીએમ અને કોંગ્રેસ બંધ બારણે જુગલબંદી અલગ રીતે કરે છે. બંનેને લાગે કે ભાજપનું જોર વધવા લાગ્યું છે તો તેઓ વહેંચાઈ જાય છે અને વોટનું શિફ્ટિંગ થવા લાગે છે. બંનેને ફાયદો થાય છે અને ભાજપને નુકસાન જાય છે. 

આ વખતે આ બંનેની રણનીતિ સામે ભાજપે શું રણનીતિ કરી છે તે જોવા જેવું રહેશે. કેરળની છેલ્લી ત્રણ લોકસભાની ચૂંટણી ઉપર નજર કરીએ તો તેના પરિણામો રોચક છે. 2009, 2014 અને 2019ના આંકડા ઉપર નજર કરીએ તો તે રસપ્રદ એટલા માટે લાગે કારણ કે તે માત્ર કોંગ્રેસના દબદબા તરફ ઈશારો કરે છે. 2009ની લોકસભા ચૂંટણીમાં લેફ્ટ ગઠબંધનને 4 બેઠકો, 2014માં 8 જ્યારે 2019માં માત્ર 1 બેઠક મળી હતી. બીજી તરફ કોંગ્રેસ અને સાથી પક્ષોને 2009માં 19 બેઠકો,2014માં 12 બેઠકો અને 2019માં 19 બેઠકો મળી હતી. તેની સામે ભાજપનું તો ત્રણેય લોકસભામાં ખાતું પણ ખુલ્યું નહોતું.

હિન્દુઓની સાથે ખ્રિસ્તિ વોટનું ધ્રુવિકરણ ભાજપને ફાયદો કરાવે

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, આ વખતે પણ ભાજપનું ખાતું ખુલવાની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. આ વખતે પણ લેફ્ટ અને કોંગ્રેસ વચ્ચે જ વોટ વહેંચાઈ જવાની શક્યતાઓ વધારે છે. કેટલાક જાણકારોના મતે હાલમાં ત્રણે શક્યતાઓ છે જેમાં બે શક્યતાઓમાં ભાજપને એકાદ બેઠક મળી શકે તેમ છે. જો ઈન્ડિયા ગઠબંધનના 2.5 ટકા વોટ કપાય તો લેફ્ટને વધારાની પાંચ બેઠક મળે અને કોંગ્રેસને 15 બેઠક મળે. 

આ સંજોગોમાં ભાજપનું ખાતુ તો ખુલતું જ નથી. બીજી તરફ જો કોંગ્રેસના પાંચ ટકા વોટ કપાય તો ડાબેરીઓને 11 બેઠકો મળે અને કૉંગ્રેસની બેઠકો 8 જેવી થાય તો આ સંજોગોમાં ભાજપને કદાચ એક બેઠક મળે. તેવી જ રીતે જો કોંગ્રેસની હજી બેઠકો કપાય તો ડાબેરીઓને 13 જેવી બેઠકો મળે અને કોંગ્રેસને છ બેઠકો મળે તો ભાજપના ફાળે એકાદ બેઠક આવી શકે તેમ લાગી રહ્યું છે. 

ભાજપ પાસે હાલમાં હિન્દુ વોટ નહોતો. ભાજપે હવે લઘુમતીઓના વોટ પણ પોતાની તરફ ખેંચવા પડશે. તેમાં મુસ્લિમ વોટ મળવા તો ભાજપ માટે કેરળમાં મુશ્કેલ છે. આ સ્થિતિમાં ભાજપે ખ્રિસ્તિઓના જ વોટ પોતાની તરફ ખેંચવા પડે. ભાજપ આ વખતે ચૂંટણી પહેલાં આવું કરવામાં સફળ રહ્યું હશે તો તેને ફાયદો થાય તેવું લાગી રહ્યું છે.

કેરળમાં રાજકીય અને સામુદાયીક સમીકરણ અલગ છે

કેરળમાં મુખ્ય ચાર જાતી અને સમુદાય છે જેઓ અહીંયા રાજકીય બાબતોને સૌથી વધારે અસર કરે છે. અહીંયા કોંગ્રેસના નેતૃત્વમાં રહેલા યુડીએફ અને લેફ્ટ-સીપીએમના એલડીએફ પાસે પોતાની મજબૂત વોટબેન્ક છે.

તેમાં પણ અંદાજે 45 ટકા વોટ જે અલપસંખ્યક છે તે કોંગ્રેસ અને યુડીએફના માનવામાં આવે છે. મુસ્લિમો અને ખ્રિસ્તી સમુદાયના મોટાભાગના લોકો યુટીએફને જ વોટ આપવાનું પસંદ કરે છે. 

બીજી તરફ જે નાના સમુદાયો છે, જે પછાત સમુદાયો છે. તેમાં એલડીએફનું જોર વધારે છે. મહત્ત્વની વાત એ છે કે, કેરળમાં 55 ટકા હિન્દુ વોટ છે અને તે પણ આ બંને રાજકીય જૂથોમાં જ વહેંચાઈ જાય છે. તેના કારણે ભાજપને અત્યાર સુધી ખાતુ ખોલવનો પણ અવસર મળ્યો નથી. આ વખતે પણ

જો હિન્દુ વોટો ભાજપ તરફ વળે તો જ તેનું કંઈ થાય એમ છે. બાકી આ વખતે પણ ગોલ્ડન ડકમાં જ ઈનિંગ પૂરી થઈ જાય તેવું લાગી રહ્યા છે.

લઘુમતીઓમાં કોંગ્રેસની પકડ મજબૂત છે

એક તરફ હિન્દુઓના વોટની વહેંચણી રસપ્રદ છે તેમ અહીંયા લઘુમતીઓના વોટ પણ એટલા જ રોચક છે, અહીંયા લધુમતીઓ ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ અને પકડ વધારે છે. 2006ની વિધાનસભાની જ ચૂંટણી જોઈએ તો તેમાં ડાબેરીઓ માત્ર 39 ટકા લઘુમતી વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસની 52 ટકા વોટ મળ્યા હતા. 2019 લોકસભાની જ વાત કરીએ તો ડાબેરીઓને 25 ટકા મુસ્લિમ વોટ મળ્યા હતા. તેની સામે કોંગ્રેસને 70 ટકા મુસ્લિમ વોટ મળ્યા હતા. 

કોંગ્રેસના વોટ શેરમાં અને વોટ બેન્કમાં મોટો ઉછાળો આવેલો છે. બીજી તરફ કોંગ્રેસના ખ્રિસ્તિ વોટમાં સામાન્ય ઘટાડો આવેલો છે. 2006ની વિધાનસભા ચૂંટણીમાં ડાબેરીઓને 27 ટકા ખ્રિસ્તિ વોટ મળ્યા હતા. તેની સરખામણીએ કોંગ્રેસને 67 ટકા વોટ મળ્યા હતા. ગત લોકસભામાં એટલે કે, 2019માં ડાબેરીઓને 30 ટકા વોટ મળ્યા જ્યારે કોંગ્રેસને 65 ટકા વોટ મળ્યા હતા.

દક્ષિણ ભારતના આ રાજ્યમાં સતત ત્રણ ટર્મથી ભાજપ શૂન્ય પર: આ વખતે ખાતું ખૂલશે? 3 - image

ડાબેરીઓના હિન્દુ વોટ ભાજપે તોડવા જ પડે

આ ચૂંટણીની ખાસ વાત એવી પણ છે કે, જો ભાજપે જીતવું હશે તો વિધાનસભાની જેમ લોકસભામાં પણ ડાબેરીઓના હિન્દુ વોટ તોડવા જ પડશે. રાજકીય જાણકારો માની રહ્યા છે કે, છેલ્લી કેટલીક વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ડાબેરીઓના હિન્દુ વોટને મોટાપાયે તોડીને પોતાની તરફ ખેંચી લીધા છે. 

2009 થી 2019 સુધીની ચૂંટણીઓ તેનું પ્રમાણ છે. તેમાંય સબરીમાલાનો જે મુદ્દો ઉઠયો હતો ત્યારબાદ કેરળનો નાયર સમુદાય ભાજપ તરફી વધારે વળી રહ્યો છે. ગત ચૂંટણીમાં તેનો ભાજપને મોટો લાભ મળ્યો હતો. કેરળમાં નાયર

સમુદાયનું પોતાનું એક ચોક્કસ વલણ અને રાજકીય સમજ છે. તેઓ ડાબેરીઓને છોડીને ભાજપ તરફ વળ્યા તેનું પણ ચોક્કસ ગણિત હોવું જોઈએ. કેરળમાં કુલ વસતીમાંથી નાયર સમુદાયની વસતી અંદાજે 15 ટકા છે. તેમાં સવર્ણોનો મોટો વર્ગ છે જેઓ સબરીમાલા મુદ્દા બાદ ભાજપ તરફી થઈ ગયા છે. આ ઉપરાંત પછાત વર્ગના ગણાતા એઝવા સમુદાયના લોકો પણ મહત્ત્વ ધરાવે છે.

તેમની વસતી અંદાજે કુલ વસતીના 28 ટકા જેટલી છે. કેરળના સીએમ વિજયન પોતે આ સમુદાયમાંથી આવે છે. તેના કારણે સમજી શકાય છે કે, આ મતદારો સીપીએમના કેટલા કટ્ટર મતદારો અને વોટબેન્ક છે. ભાજપે આ વોટબેન્કમાં તોડફોડ કરીને તેમને પોતાની તરફ કરવાનું કામ કરવું પડશે. આ વખતે લોક્સભામાં આ કામ થયું હશે તો જ ભાજયને ફાયદો થશે તેમ દેખાઈ રહ્યું છે.

દક્ષિણ ભારતના આ રાજ્યમાં સતત ત્રણ ટર્મથી ભાજપ શૂન્ય પર: આ વખતે ખાતું ખૂલશે? 4 - image


Google NewsGoogle News