મહારાષ્ટ્રમાં રૂપાણી અને સીતારમણને સોંપાઈ મોટી જવાબદારી, ધારાસભ્યોની બેઠકમાં થશે CMના નામની જાહેરાત
BJP Appoints Central Observers for Maharashtra: ભારતીય જનતા પાર્ટીએ હવે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. જેના ભાગરૂપે સોમવારે ભાજપે મહારાષ્ટ્રમાં બે નિરીક્ષકોની નિમણૂક કરી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આગામી મુખ્યમંત્રી ભાજપના જ હશે
ભાજપ ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં તેના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરશે. જો કે મહારાષ્ટ્રમાં હજુ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આગામી મુખ્યમંત્રી ભાજપના જ હશે.
મહાયુતિની પ્રચંડ જીત
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનને 236 બેઠકો મળી છે. ભાજપે સૌથી વધુ 132 બેઠકો, શિવસેનાએ 51 બેઠકો અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) 46 બેઠકો જીતી હતી.
વિપક્ષી મહા વિકાસ આઘાડી ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષમાં શિવસેનાએ સૌથી વધુ 20 બેઠકો, કોંગ્રેસે 16 બેઠકો અને શરદ પવારની NCP (SP) 10 બેઠકો જીતી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ બેઠકો 288 છે.