મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં ન અપાયું યોગ્ય સન્માન? કોંગ્રેસના આરોપો પર ભાજપે આપ્યો જવાબ
Manmohan Singh: પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કારના કારણે થયેલા વિવાદથી રાજકારણ ગહરમાઈ રહ્યું છે. કોંગ્રેસ નેતાઓએ કેન્દ્ર સરકાર પર પૂર્વ વડાપ્રધાનનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. વળી, ભાજપે પણ કોંગ્રેસ પર દુઃખના સમયે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. જણાવી દઈએ કે, મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તમામ મોટા નેતાઓએ શ્રદ્ધાંજલી આપી હતી.
કોંગ્રેસ નેતાઓએ લગાવ્યો આરોપ
28 ડિસેમ્બરે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરી ડૉ. મનમોહન સિંહના અપમાનનો આરોપ લગાવ્યો. તેઓએ સોશિયલ મીડિયા પર લખ્યું, 'ભારત માતાના મહાન સપૂત અને શીખ સંપ્રદાયના પહેલાં વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહજીના અંતિમ સંસ્કાર આજે નિગમબોધ ઘાટ પર કરાવીને વર્તમાન સરકાર દ્વારા તેમનું અપમાન કરવામાં આવ્યું છે. એક દાયકા સુધી તે ભારતના વડાપ્રધાન રહ્યાં. તેમના સમયે દેશ આર્થિક મહાશક્તિ બન્યો અને તેમની નીતિઓ આજે પણ દેશના ગરીબ અને પછાત વર્ગને ટેકો આપે છે.'
પ્રિયંકા ગાંધીનો આરોપ
ત્યારબાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ રાહુલ ગાંધીની વાતનું પુનરાવર્તન કરતા કહ્યું કે, 'સરકારે પૂર્વ વડાપ્રધાનના પદની ગરિમા, તેમના વ્યક્તિત્વ, તેમના વારસા અને સ્વાભિમાની શીખ સંપ્રદાય સાથે ન્યાય નથી કર્યો.'
'...તેમનું અપમાન કરાયું'
વળી, આ મુદ્દે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC)ના મહાસચિવ કે.સી વેણુગોપાલે કહ્યું કે, 'અમે ડૉ. મનમોહન સિંહ પર રાજકારણ કરવા નથી ઈચ્છતા. પરંતુ, તેમના અંતિમ સંસ્કારમાં જે કંઈ થયું, તેનાથી હું ખૂબ જ દુઃખી છું. અમને લાગી રહ્યું છે કે, તેમનું અપમાન કરવામાં આવ્યું છે. મારૂ માનવું છે કે, આજે નિગમબોધ ઘાટ પર એકત્ર તમામ લોકો આ ભાવના સાથે સંમત છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેગેએ કાલે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને પોતાની ઈચ્છા જણાવી કે, ડૉ. મનમોહન સિંહને વિશેષ અંતિમ સંસ્કાર સ્થળ આપવામાં આવે. તેઓએ ખડગેને કહ્યું કે, આ વિશે ગૃહ મંત્રી (અમિત શાહ)ને જણાવશે. પરંતુ, અંતે શું થયું? સાંજ સુધીમાં અમે એક આદેશ જોયો કે, તેમના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે. અમે સરકારને શક્તિ સ્થળ (ઇન્દિરા ગાંધી સ્માકરક) અથવા વીર ભૂમિ (રાજીવ ગાંધી સ્મારક)માંથી સિંહને સ્મારક માટે સ્થાન બનાવવા માટે તૈયાર હતાં. જેને ઔપચારિક રૂપે સરકારને પણ જણાવવામાં આવ્યું હતું.'
પવન ખેડાના આરોપો
આ મુદ્દે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા પવન ખેડાએ એક્સ પર પોસ્ટ કરતાં એક લિસ્ટ શેર કર્યું છે. જેમાં ભાજપ પર આરોપ લગાવતા લખ્યું, આ મહાન રાજનેતા (ડૉ. મનમોહન સિંહ) સાછે આ અપમાનજનક વ્યવહારથી સરકારની પ્રાથમિકતાઓ અને લોકતાંત્રિક મૂલ્યો પ્રતિ તેમની અસંવેદનશીલતા ઉજાગર થાય છે. ડૉ. સિંહ ગરિમાના પાત્ર હતાં, ન કે શરમજનક દ્રશ્યના.'
આ પણ વાંચોઃ અયોધ્યા રામમંદિર ટ્રસ્ટના સભ્ય અને પૂર્વ IPS ઓફિસર આચાર્ય કિશોર કુણાલનું નિધન
ભાજપનો વળતો પ્રહાર
કોંગ્રેસના આરોપો વચ્ચે હવે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ કોંગ્રેસ નેતાઓના નિવેદનોની નિંદા કરી અને કોંગ્રેસ પર સસ્તું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો. નડ્ડાએ કહ્યું કે, આ લોકોની જેટલી પણ નિંદા કરવામાં આવે એટલું ઓછું છે. કેન્દ્રએ સ્મારક માટે જગ્યા ફાળવી છે અને તેમના પરિવારને આ વિશે સૂચિત કરવામાં આવ્યું છે. ગાંધી પરિવારે દેશના કોઈપણ નેતાને ન તો સન્માન આપ્યું અને ન તો ન્યાય આપ્યો, ભલે તે કોંગ્રેસ પાર્ટીના જ કેમ ન હોય. સિદ્ધાંતહીન કોંગ્રેસ પાર્ટીના પાપોને દેશ ક્યારેય નહીં ભૂલે અને ન તો માફ કરશે.'
સંબિત પાત્રાના કોંગ્રેસ પર પ્રહાર
વળી, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પૂર્વ વડાપ્રધાન પી.વી નરસિમ્હા રાવ અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો ઉલ્લેખ કરતાં આરોપ લગાવ્યો કે, કોંગ્રેસે તેમના નેતાઓનું અપમાન કર્યું છે. પાત્રાએ આરોપ લગાવતા કહ્યું કે, સોનિયા ગાંધીના નિર્દેશ પર પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવના પાર્થિવ શરીરને દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રવેશની પરવાનગી નહતી આપવામાં આવી. કોંગ્રેસે રાવના અંતિમ સંસ્કાર રાષ્ટ્રીય રાજધાનીમાં ન થવા દીધાં, તેથી તેમના અંતિમ સંસ્કાર હૈદરાબાદમાં કરવામાં આવ્યાં. અમુક મીડિયા સંસ્થાએ એવી પણ માહિતી આપી કે, રખડતાં શ્વાન વડાપ્રધાનના પાર્થિવ શરીરની આસપાસ ફરી રહ્યાં હતાં. કોંગ્રેસની આ દુઃસાહસતા હતી.'
જણાવી દઈએ કે, શુક્રવારે (27 ડિસેમ્બર) કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, મનમોહન સિંહના અંતિમ સંસ્કતાર નિગમબોધ ઘાટ પર થશે. ત્યારથી આ વિવાદ સામે આવ્યો છે.