હરિયાણામાં ભાજપે બે મહત્ત્વની બેઠક પર ઉતાર્યા મુસ્લિમ ઉમેદવાર, સમજો રાજકીય ગણિત
Haryana Assembly Elections 2024: આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ને લઈને ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. પક્ષે યાદીમાં 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પરંતુ સૌથી વધુ ચર્ચા હરિયાણાની બે બેઠકો પર ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી તેના પર થઇ રહી છે.
ફિરોઝપુર ઝિરકા બેઠક નસીમ અહેમદ અને પુન્હાના બેઠક પરથી એજાઝ ખાનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઝિરકા બેઠક મેવાતમાં આવે છે. મેવાત વિસ્તારમાં મુસ્લિમોની વસ્તી વધુ છે. જેથી કરીને આ બેઠક પર માત્ર મુસ્લિમ ઉમેદવારો જ જીતતા રહ્યા છે. ભાજપ ફિરોઝપુરની ઝિરકા બેઠક પરથી ક્યારેય જીતી શકી નથી. સન 1967માં પહેલી વખત આ બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. પહેલા અહીંથી કોંગ્રેસના ઉમેદવાર દીન મોહમ્મદ જીતતા આવ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસના મામન ખાનનો વિજય થયો હતો.
ગત ચૂંટણીમાં પણ ભાજપે અહીંથી મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ નસીમ અહેમદ જીતવામાં સફળ રહ્યા ન હતા. નસીમ અહેમદ વર્ષ 2009 અને વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં INLDની ટિકિટ પર બે વખત જીત્યા હતા. આ વખતે ભાજપે ફરીથી નસીમ અહેમદ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં ઝિરકા વિધાનસભા બેઠક પર કુલ 2,08,910 મતદારો નોંધાયેલા હતા.
અત્યાર સુધીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં દર વખતે પુન્હાના બેઠક પર ગાઢ મુકાબલો રહ્યો છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ ઇલ્યાસ વિજેતા બન્યા હતા. તેઓ માત્ર 816 મતોની નજીવી સરસાઈથી જીત્યા હતા. મોહમ્મદ ઇલ્યાસને 35,092 મત મળ્યા હતા. જ્યારે અપક્ષ ઉમેદવાર રહીશા ખાન 34,276 મતો સાથે બીજા ક્રમે રહી હતી. આ બેઠક પર જીત અને હાર વચ્ચેનું અંતર ઓછું રહે છે.
અગાઉ 4 સપ્ટેમ્બરના રોજ ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 67 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. જેમાં 8 મંત્રીઓને ફરી ટિકિટ મળી હતી. જ્યારે 3 મંત્રીઓની ટિકિટ કપાઈ હતી. પહેલી યાદીમાં ભાજપે 25 નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે 7 ધારાસભ્યોનું પત્તું કાપ્યું હતું. આ યાદીમાં 8 મહિલા ઉમેદવારોને તક આપવામાં આવી છે.