ભાજપે પેટાચૂંટણી અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો કર્યા જાહેર, પ્રિયંકા ગાંધી સામે મહિલા ઉમેદવારને ઉતારાયા
BJP announced candidates for by-elections : ભાજપે 24 વિધાનસભા અને 1 લોકસભા બેઠક પર પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી સામે નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત ભાજપે આસામની 3, બિહારની 2, છત્તીસગઢની 1, કર્ણાટકની 2, કેરળની 2, મધ્યપ્રદેશની 2, રાજસ્થાનની 6 અને પશ્ચિમ બંગાળની 6 વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણી માટે ઉમેદવારોની પણ જાહેરાત કરી છે.
સોફ્ટવેર એન્જિનિયર નવ્યા હરિદાસ છેલ્લી બે ટર્મથી કોઝિકોડ કોર્પોરેશનના કરાપરમ્પ વોર્ડમાંથી કાઉન્સિલર છે અને તે કોર્પોરેશનમાં ભાજપના સંસદીય દળના નેતા છે. તેમણે કોઝિકોડ દક્ષિણ મતવિસ્તારમાંથી 2021ની વિધાનસભા ચૂંટણી લડી હતી. જોકે, તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તે મહિલા મોરચાના પ્રદેશ મહાસચિવ પણ છે.
જ્યારે ભાજપે મધ્યપ્રદેશના બુધનીથી રમાકાંત ભાર્ગવને ટિકિટ આપી છે. આ બેઠક શિવરાજ સિંહ ચૌહાણે ખાલી કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, શિવરાજ સિંહ ચૌહાણ આ બેઠક પર પોતાના પુત્ર કાર્તિકેય માટે ટિકિટ ઈચ્છતા હતા.
રાહુલ ગાંધીના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી મેદાનમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તે રાહુલ ગાંધીના પદ છોડ્યા બાદ ખાલી પડેલી કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. જેમાં પ્રિયંકા ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી 23 ઑક્ટોબરે ઉમેદવારી નોંધાવશે. આ દરમિયાન રાહુલ ગાંધી પણ તેમની સાથે હાજર રહેશે. ઉમેદવારી નોંધાવતા પહેલા પ્રિયંકા ગાંધી રોડ શૉ કરશે.
ભાજપે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 66 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
ભાજપે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 66 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડી ધનવરથી, લોબિન હેમબ્રોમ બોરિયોથી, સીતા સોરેન જામતારાથી, પૂર્વ સીએમ ચંપાઈ સોરેન સેરાકેલાથી, ગીતા બાલમુચુ ચાઈબાસાથી, ગીતા કોડા જગનાથપુરથી અને મીરા મુંડા પોટકાથી વિધાનસભા ચૂંટણી લડશે.
— BJP JHARKHAND (@BJP4Jharkhand) October 19, 2024
તમને જણાવી દઈએ કે, ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની સાથે 14 રાજ્યોની 48 વિધાનસભા બેઠકો અને બે રાજ્યોની બે લોકસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. કેરળની વાયનાડ લોકસભા સીટ પણ રાહુલ ગાંધીના રાજીનામાં બાદ પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. યુપીની 9 બેઠકો સહિત 13 રાજ્યોની 47 વિધાનસભા બેઠકો માટે 13 નવેમ્બરે મતદાન થશે. કેરળની વાયનાડ લોકસભા બેઠકો પર પેટાચૂંટણી માટે પણ 13 નવેમ્બરે મતદાન થશે. તે જ સમયે, ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા બેઠક અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક પર 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. તમામ વિધાનસભા અને લોકસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવારોની યાદી નીચે મુજબ: