ભાજપની 27 સભ્યની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત, રાજનાથ અધ્યક્ષ અને નિર્મલા સીતારમણ સંયોજક
Lok Sabha Elections 2024 : ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી 2024ની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી ઢંઢેરો નક્કી કરતી આ સમિતિમાં ચાર રાજ્યના મુખ્યમંત્રી સહિત કુલ 27 સભ્ય છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક્ષ પદે રચાયેલી આ સમિતિમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણને સંયોજક અને પિયૂષ ગોયલને સહ-સંયોજકની જવાબદારી સોંપાઈ છે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપ હાઈકમાન્ડે CM ભૂપેન્દ્ર પટેલ પણ મહત્વની જવાબદારી સોંપી છે.
સમિતિમાં ગુજરાત સહિત ચાર રાજ્યના મુખ્યમંત્રી પણ સામેલ
આ સમિતિમાં ગુજરાત સહિત ચાર રાજ્યના મુખ્યમંત્રીઓને પણ સામેલ કરાયા છે. તેમાં ભૂપેન્દ્ર પટેલની સાથે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયને પણ સ્થાન અપાયું છે. આ ઉપરાંત તેના સભ્યોમાં શિવરાજ સિંહ ચૌહાણ, સ્મૃતિ ઈરાની, વસુંધરા રાજે, કિરેન રિજીજુ અને અર્જુન મુંડા જેવા ચર્ચાસ્પદ ચહેરા પણ સમાવાયા છે.