Get The App

ચૂંટણી પહેલા ભાજપે પક્ષના બંધારણમાં કર્યા ફેરફાર, સમજો તેની અસર ક્યાં અને કેવી થશે!

ભાજપના રાષ્ટ્રીય સંમેલનમાં પાર્ટીના બંધારણમાં ફેરફાર કરાયા

નવા બંધારણમાં રાષ્ટ્રીય અધ્યક્ષ, સંસદીય બોર્ડનો પાવર વધારાયો

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
ચૂંટણી પહેલા ભાજપે પક્ષના બંધારણમાં કર્યા ફેરફાર, સમજો તેની અસર ક્યાં અને કેવી થશે! 1 - image

BJP Amendment To The Constitution : લોકસભા ચૂંટણી 2024 પહેલા દિલ્હીમાં રવિવારે ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું, જેમાં પાર્ટીના બંધારણમાં ફેરફાર કરાયા છે. નવા ફેરફાર મુજબ હવે સંસદીય બોર્ડ પરિસ્થિતિ મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ વધારવા અને ઘટાડવા માટેનો નિર્ણય કરી શકશે. આ ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષનો પણ પાવર વધારાયો છે. ભાજપના મહાસચિવ સુનીલ બંસલ (Sunil Bansal) આ પ્રસ્તાવ લઈને આવ્યા હતા.

રાષ્ટ્રીય અધ્યક્ષને વધુ જવાબદારી સોપાઈ

ભાજપે પોતાના બંધારણમાં ફેરફાર કરી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંસદીય બોર્ડનો પાવર વધારી દીધો છે. પાર્ટીના અધ્યક્ષને સંસદીય બોર્ડમાં નવા સભ્યનો સમાવેશ કરવાનો તેમજ તેમાંથી સભ્યને હટાવવાનો અધિકાર અપાયો છે. પરંતુ બંધારણમાં એવું પણ કહેવાયું છે કે, અધ્યક્ષના નિર્ણય બાદ સંસદીય બોર્ડની બેઠકમાં મંજૂરીનો પ્રસ્તાવ રખાશે.

ભાજપ અધ્યક્ષની ચૂંટણી કેવી રીતે યોજાય છે?

ચૂંટણી મંડળ સામાન્ય રીતે સંગઠનાત્મક ચૂંટણી મુજબ ભાજપ અધ્યક્ષની ચૂંટણી યોજે છે. મંડળમાં રાષ્ટ્રીય પરિષદના સભ્ય અને રાજ્ય પરિષદોના સભ્યો હોય છે. પક્ષના બંધારણમાં એવું પણ લખાયું છે કે, ચૂંટણી મંડળમાંથી કોઈપણ 20 સભ્યો રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી લડનાર વ્યક્તિના નામનો પ્રસ્તાવ મુકી શકે છે. આ સંયુક્ત પ્રસ્તાવ જે રાજ્યોમાં રાષ્ટ્રીય પરિષદની ચૂંટણી પૂર્ણ થઈ હોય, તેવા પાંચ રાજ્યોનો હોવો જરૂરી છે.

નડ્ડાનો કાર્યકાળ 30 જૂન સુધી લંબાવાયો

ભાજપે બંધારણમાં ફેરફાર કરવા પાછળનું કારણ જણાવ્યું નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીએ પોતાના અધ્યક્ષોની નિમણૂકને લઈને આ ફેરફાર કર્યો હોવાની સંભાવના છે. લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી અધ્યક્ષ જે.પી.નડ્ડા (JP Nadda)નો કાર્યકાળ 30 જૂન સુધી લંબાવાયો છે.

ભાજપ અધ્યક્ષને વધુ સત્તા અપાઈ

ભાજપે બંધારણમાં ફેરફાર કરી અધ્યક્ષને વધુ સત્તા આપવા ઉપરાંત જૂના નિયમોને પણ સરળ બનાવી દીધા છે. ભાજપના જૂના નિયમ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એક વ્યક્તિની માત્ર બે વખત નિમણૂક કરી શકાતી હતી અથવા બંને વખત ચૂંટણી પ્રક્રિયા પુરી કરવી પડતી હતી. જોકે ફેરફાર બાદ એ સ્પષ્ટ કરાયું નથી કે, કોઈપણ નેતા બે વખત અધ્યક્ષ બની શકે છે? અથવા તે વ્યક્તિને વધુ તક આપવાની જોગવાઈ રખાઈ છે?


Google NewsGoogle News