મોદી ફરી નવું લાવ્યા, કોંગ્રેસે ભગવાન ગણપતિને જેલમાં પૂરી દીધા! નવું જુઠ્ઠાણું ચર્ચામાં
- વિઘ્નહર્તાના નામે વિઘ્નસંતોષવાનું ભાજપનું વધુ એક સફેદ જુઠ્ઠાણું
- ભાજપના કાર્યકર્તાઓ સાથે ઘર્ષણ દરમિયાન બાપ્પાની મૂર્તિ ખંડિત ન થાય તે માટે પોલીસ વાનમાં મુકાઈ હતી
કુરૂક્ષેત્ર : હરિયાણાની ચૂંટણી સભામાં કોંગ્રેસની સરકારે ગણપતિ બાપ્પાને પણ જેલમાં પૂરી દીધા હોવાની સાવ વાહિયાત કોમેન્ટ પણ કરી. બેંગલુરૂમાં બનેલી ઘટનાને તોડીમરોડીને રજૂ કરીને મોદીએ કોંગ્રેસ શાસનમાં હિંદુ દેવી-દેવતા પણ સલામત નથી એવો દાવો કરી નાંખ્યો. મોદીએ એવો દાવો પણ કર્યો કે, આખો દેશ જ્યારે ભગવાન ગણેશની પૂજા કરી રહ્યો છે ત્યારે કોંગ્રેસ વિઘ્નહર્તાની પૂજામાં વિઘ્ન નાંખી રહી છે કેમ કે કોંગ્રેસનું લક્ષ્ય જ મુસ્લિમ તુષ્ટિકરણ છે. ભાજપ દ્વારા વિઘ્નહર્તાના નામે વિઘ્નસંતોષવાનું જે ભયાનક કામ કરાયું છે તેણે લોકોની સામે તેમના સફેદ જુઠ્ઠાણાને ખુલ્લું પાડી દીધું છે. બેંગલુરૂમાં બનેલી ઘટનામાં વિશ્વ હિંદુ પરિષદ તથા ભાજપના કેટલાક કાર્યકરો ભગવાન ગણેશની મૂર્તિ લઈને વિરોધ કરવા નિકળ્યા હતા. આ વિસ્તારમાં દેખાવો પર પ્રતિબંધ હોવાથી પોલીસે દેખાવકારોને રોક્યા ત્યારે ભાજપ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું.
પોલીસે આ ઘર્ષણમાં ભગવાન ગણેશની મૂર્તિને નુકસાન ના થાય અને લોકોની શ્રધ્ધાને ઠેસ ના પહોંચે એટલા માટે મૂર્તિને માનપૂર્વક લઈ જઈને પોલીસના ડબ્બામાં મૂકી હતી. પોલીસે મૂર્તિ જરાય ખંડિત ના થાય તેનું પૂરતું ધ્યાન આપ્યું હતું પણ મોદી આખી વાતને વિકૃત રીતે રજૂ કરીને ભગવાનને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હોવાનો દાવો કરી નાંખ્યો. હરિયાણામાં છેલ્લાં ૧૦ વર્ષથી ભાજપની સરકાર છે. મોદીએ ભાજપ સરકારની સિધ્ધીઓ ગણાવવાની હોય પણ તેના બદલે એ આ પ્રકારનાં ગતકડાં કરી રહ્યા છે.
મોદીએ દેશના સીજેઆઈને નીચા સાબિત કર્યા તેનું કશું નહીં
રાજકીય જાણકારોમાં ચર્ચા છે કે, થોડા દિવસ પહેલાં મોદી દ્વારા દેશના સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ ન્યાયાધિશ ચંદ્રચુડના નિવાસ્થાને ગણેશ પૂજનમાં ભાગ લેવામાં આવ્યો હતો. ભગવાન ગણેશની પૂજા કરતા અને આરતી ઉતારતી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. તુષ્ટીકરણની આ નબળી રાજનીતિનો ઉપયોગ ભાજપ અને તેના નેતાઓ દ્વારા કરાય છે તેની તરફ કોઈનું ધ્યાન જતું નથી. પીએમ જેવા પદે રહેલી વ્યક્તિ સીજેઆઈના ઘરે જઈને ગણેશ ઉત્સવમાં ભાગ લે અને સોશિયલ મીડિયામાં તેનો પ્રચાર અને પ્રસાર કરીને રાજકીય ઉપયોગ કરવા હવાતિયાં મારે તે કેટલું ન્યાયસંગત છે. આજીવન સ્વચ્છ કારકિર્દી સાથે જીવનારા અને કામ કરનારા સીજેઆઈના વ્યક્તિત્વને દાગ લગાડવાનું અને ઠેસ પહોંચાડવાનું કામ થયું તેના વિશે કોઈ કશું બોલતું નથી.