પુત્ર છે કે પુત્રી તે જોવા પત્નીનું પેટ ચીરનારા પતિને જન્મટીપ
- પત્નીનો જીવ માંડ-માંડ બચ્યો, પુત્રનું મોત
- આરોપી પન્નાલાલે પાંચ પુત્રીઓ પછી છઠ્ઠો પુત્ર છે કે પુત્રી તે જોવા પત્નીનું પેટ ચીર્યું
બદાયું : ઉત્તરપ્રદેશના બદાયું જિલ્લામાં પુત્ર છે કે પુત્રી તે જોવા માટે પત્નીનું પેટ ચીરનારા પતિને કોર્ટે જન્મટીપની સજા ફટકારી છે. બદાયુમાં પત્નીના પેટને ચીરી નાખનારા પતિને કોર્ટે ત્રણ વર્ષ પછી જન્મટીપની સજા ફટકારી છે. તેની સાથે ૫૦ હજાર રુપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
કોર્ટના આ ચુકાદાથી પત્ની ખુશ છે. બદાયું જિલ્લાના સિવિલ લાઇનમાં રહેતા પન્નાલાલે પત્ની અનિતાનું પેટ એટલા માટે ચીરી નાખ્યું હતું કેમકે તે જોવા માંગતો હતો કે અનિતાના ગર્ભમાં ઉછરતું સંતાન પુત્ર છે કે પુત્રી. આ બનાવ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦નો છે. તે સમયે અનિતા ઘરે હતી. તે દરમિયાન તેનો પતિ પન્નાલાલ નશામાં ઘરે પહોંચ્યો અને તેની સાથે ઝગડો કરવા લાગ્યો.
અનિતાએ જણાવ્યું હતું કે પન્નાલાલ તેની સાથે એમ કહેતાં ઝગડો કરવા લાગ્યો કે તેણે અત્યાર સુધીમાં પાંચ પુત્રીઓને જન્મ આપ્યો છે. હવે ગર્ભમાં ઉછરતું સંતાન પુત્ર છે કે પુત્રી તેને તે પેટ ચીરીને જોવા માંગે છે. તેને લઈને અનીતા અને તેની પુત્રીઓએ વિરોધ કર્યો. પણ પન્નાલાલ માન્યો નહી અને તેનું પેટ ચીરી નાખ્યું. તેના પગલે અનિતાના ગર્ભમાં ઉછરતું આઠ મહિનાનું બાળક બહાર આવી ગયું.
કુટુંબીજનો અનિતાને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરોએ અનિતાનો જીવ તો બચાવી લીધો. પણ અનિતાના ગર્ભમાંથી બહાર નીકળી આવેલા સંતાનનું મોત થઈ ગયું. તેની સારવાર આઠ મહિના ચાલી. પોલીસે પન્નાલાલ સામે જોગવાઈ ૩૦૭ અને ૩૧૩ હેઠળ કેસ નોંધી તેની ધરપકડ કરી તેને જેલ મોકલી દીધો. તે માર્ચમાં જામીન પર બહાર આવ્યો અને પત્ની તથા પુત્રીઓની મારપીટ કરવા લાગ્યો. પણ અનિતાએ તેની સાથે સમાધાન ન કર્યુ. તે ડગી પણ નહીં. છેવટે કોર્ટે તેને ન્યાય આપતા પન્નાલાલને આજીવન કેદની સજા ફટકારી.