અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનું પ્રિ વેડિંગ ફંક્શન જામનગરમાં, ઝુકરબર્ગ-ગેટ્સ સહિતની હસ્તીઓ હાજર રહેશે
ગુજરાતના જામનગરમાં અનંદ-રાધિકાના લગ્ન પહેલાની વિધિ યોજાશે
મુંબઈમાં 12 જુલાઈના રોજ બંને દંપતિ લગ્ન માટે ફેરા ફરશે
Anant Ambani-Radhika Merchant Wedding : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. ગુજરાતના જામનગરમાં તેમના લગ્ન પહેલાની વિધિ પહેલીથી ત્રીજી માર્ચ દરમિયાન યોજાશે અને ત્યાર પછી મુંબઈમાં 12 જુલાઈના રોજ બંને દંપતિ લગ્ન માટે ફેરા ફરશે.
જામનગરમાં શરૂ થવા જઈ રહેલા પ્રિ વેડિંગ ફંક્શનમાં પણ મોટાભાગના આંતરરાષ્ટ્રીય મહેમાનોની હાજરી જોવા મળી શકે છે. જેમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, ટેડપિકના સીઈઓ મોર્ગન સ્ટેન્લી, માઈક્રોસોફ્ટ ફાઉન્ડર બિલ ગેટ્સ, ડિઝ્નીના સીઈઓ બોબ ઈગર, બ્લેકરોક સીઈઓ લેરી ફિન્ક, એડનોક સીઈઓ સુલ્તાન અહમદ અલ જબેર સહિતની હસ્તીઓ ઉપસ્થિત રહી શકે છે.
રિલાયન્સ ફાઉન્ડેશને ગત શુક્રવારના રોજ ઈન્સ્ટાગ્રામ પર અનંત અને રાધિકાના લગ્નના શુભપ્રસંગોની માહિતી આપતા વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને ફાઉન્ડર નીતા અંબાણી પણ કલાકારોને મળી તેમના અથાગ પરિશ્રમ માટે આભાર વ્યક્ત કરતાં જોવા મળ્યા હતા.
જેમાં ભારતીય વારસાને આવરી લેતાં અનંત અને રાધિકા માટે ટેપેસ્ટ્રી વર્ક તૈયાર કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે ખાસ કચ્છ અને લાલપુરની કુશળ મહિલા કારીગરો પાસે સુંદર ટેપેસ્ટ્રી વર્ક તૈયાર કરાવ્યું છે.
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરતાં કેપ્શન લખી હતી કે, ‘પરંપરાગત સંસ્કૃતિની ધરોહરને જાળવી રાખતી આ મહિલા કારીગરોએ ખૂબ જ જુસ્સા અને દિલથી સુંદર વાર્તા રજૂ કરતું ક્રાફ્ટ તૈયાર કર્યું છે. ‘સ્વદેશ’એ આ કારીગરોની કળા-કુશળતાને જાળવી રાખતાં સમુદાયોને સશક્ત બનાવી રહ્યું છે.’
અનંત અને રાધિકાએ 23 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટાલિયામાં પરિવારોની હાજરીમાં સગાઈ કરી હતી.