Get The App

બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટ, દાખલ કરી પુનર્વિચાર અરજી

- રાજ્ય સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી હટાવવાની માંગ

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News


બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટ, દાખલ કરી પુનર્વિચાર અરજી 1 - image

નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2024, બુધવાર

ગુજરાત સરકારે 2002ના રમખાણો દરમિયાન બિલકિસ બાનો રેપ મામલે 11 દોષિતોની સમય પહેલા મુક્તિના નિર્ણયને રદ કરી દેવાના નિર્ણય કેસમાં સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી  છે અને રાજ્ય વિરુદ્ધ કેટલીક ટિપ્પણીઓને અયોગ્ય ગણાવતા તેને હટાવી દેવાની માંગ કરી છે. બિલ્કીસ બાનો પર રેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના 11 દોષિતોની સમય પહેલાની મુક્તિના નિર્ણયને રદ કરી દેતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સામે આકરી ટિપ્પણી કરી હતી.

ગુજરાત સરકારે અરજીમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો 8મી જાન્યુઆરીનો ચુકાદો સ્પષ્ટ રીતે ખામીયુક્ત હતો જેમાં રાજ્યને 'અધિકાર હડપવાનો' અને 'વિવેકાધિકારનો દુરુપયોગ' કરવા માટે દોષિત ઠેરવવામાં આવ્યુ હતું.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટની અન્ય સંકલન બેન્ચે મે 2022માં ગુજરાત રાજ્યને 'યોગ્ય સરકાર' ગણાવી હતી અને રાજ્યને 1992ની છૂટ નીતિ મુજબ દોષિતોમાંથી એકની માફી અરજી પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો.

કોર્ટેની ટિપ્પણીના કારણે રાજ્ય સરકારની છબીને નુકસાન

8 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને જેલમાં પાછા મોકલવાનો આદેશ આપતાં ગુજરાત સરકારના સમય પહેલા મુક્તિના આદેશને રદ કરી દીધો હતો. હવે ગુજરાત સરકારે અરજીમાં કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી જે 'રાજ્ય સરકારે મિલિભગતથી કામ કર્યું અને નંબર-3 આરોપીઓ સાથે સાંઠગાંઠ કરી છે તે ખૂબ જ અયોગ્ય છે. કોર્ટે કરેલી આ ટિપ્પણીઓને કારણે રાજ્ય સરકારની છબીને ઘણું નુકસાન થયું છે. 

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કરી દીધો હતો

બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારે તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સામે આકરી ટિપ્પણી કરી હતી અને તમામ દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કરી દીધો હતો. કોર્ટે તેને ગુજરાતના અધિકારક્ષેત્રની બહારનો મામલો હોવાનું જણાવ્યું હતું.


Google NewsGoogle News