Get The App

બિલકિસ બાનો કેસના દોષિતોની સરેન્ડર કરવા બહાનાબાજી! સુપ્રીમકોર્ટમાં કરી અરજી

સુપ્રીમ કોર્ટ દોષિતોની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
બિલકિસ બાનો કેસના દોષિતોની સરેન્ડર કરવા બહાનાબાજી! સુપ્રીમકોર્ટમાં કરી અરજી 1 - image

Bilkis Bano case: બિલકિસ બાનો કેસમાં ત્રણ દોષિતોએ આત્મસમર્પણનો સમયગાળો વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આ દોષિતોએ વ્યક્તિગત કારણોને ટાંકીને આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટ ત્રણેય દોષિતોની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. ઉલ્લેખનીય છે કે તમામ દોષિતોને આત્મસમર્પણ કરવા માટે 21 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

ત્રણ દોષિતોએ આ કારણોસર સમય વધારવા માંગ કરી

બિલકિસ બાનો સાથે ગેંગરેપ કરવા તેમજ તેના પરિવારના સભ્યોની હત્યાના 11 દોષિતોમાંથી ત્રણ દોષિતોએ આત્મસમર્પણ માટે સમય વધારવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં તેઓએ કૌટુંબિક જવાબદારીઓ અને સ્વાસ્થ્યના કારણોને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટમાં ગોવિંદ નાઈએ 4 અઠવાડિયાનો જ્યારે મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાએ 6 અઠવાડિયાનો સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટ ત્રણેય દોષિતોની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. 

સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીએ મહત્વનો ચુકાદો આપ્યો હતો

ગુજરાતના બહુચર્ચિત  બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે 08 જાન્યુઆરી 2024ના રોજ એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બી.વી. નાગરથના (B. V. Nagarathna)ની બેન્ચે આ કેસમાં 11 દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો, ઉપરાંત સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવા પણ કહેવામાં આવ્યું હતું.

શું છે બિલકિસ બાનો મામલો?

2002માં ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ થયેલા રમખાણો દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને તેમના પરિવારના 7 સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના સમયે બાનોની ઉંમર 21 વર્ષ હતી. 21 જાન્યુઆરી 2008ના રોજ CBIની વિશેષ અદાલતે 11 લોકોને દોષી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી હતી. ગયા વર્ષે 15 ઓગષ્ટના રોજ ગુજરાત સરકારે તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા.  

બિલકિસ બાનો કેસના દોષિતોની સરેન્ડર કરવા બહાનાબાજી! સુપ્રીમકોર્ટમાં કરી અરજી 2 - image


Google NewsGoogle News