રેલવે ટ્રેક પર 20 મીટર સુધી પથ્થરો પાથર્યા, યુપીમાં વધુ એક ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ
Image Source: Twitter
Bijnor Major Railway Accident Averted: ઉત્તર પ્રદેશમાં વધુ એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુપીના બિજનોરમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો મામલો સામે આવ્યો છે. અહીં રેલવે ટ્રેક પર પથ્થરો પાથરવામાં આવ્યા હતા. અહીં એક મેમુ એક્સપ્રેસ દુર્ઘટનાનો શિકાર બનતાં બનતાં બચી ગઈ. બિજનોરમાં રેલવે ટ્રેક પર પથ્થરો પાથરવામાં આવ્યા હતા જેના કારણે એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ શકી હોત, પરંતુ આ દુર્ઘટના ટળી ગઈ. પ્રાપ્ત માહિતી પ્રમાણે મેમુ એક્સપ્રેસ ટ્રેન સહારનપુરથી મુરાદાબાદ જઈ રહી હતી અને તેને ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
રેલવે ટ્રેક પર પથ્થરો પાથરવામાં આવ્યા
બિજનોરના ગઢમાલપુર રેલવે ક્રોસિંગ પાસે રેલવે ટ્રેક પર પથ્થરો પાથરવામાં આવ્યા હતા. મેમુ ટ્રેન પથ્થરોને તોડતાં નીકળી ગઈ. ત્યારે ડ્રાઇવરે પથ્થર સાથે ટ્રેનના ટકરાવવાનો મોટો અવાજ સાંભળ્યો. ત્યારબાદ ડ્રાઇવરે ઇમરજન્સી બ્રેક લગાવીને ગાડી રોકી અને જોયું તો અપ અને ડાઉન લાઇનના રેલવે પાટા પર બન્ને તરફ લગભગ 20 મીટર સુધી પથ્થરો પાથરવામાં આવ્યા હતા.
સ્ટેશન માસ્તર અને ઉચ્ચ અધિકારીઓને આ ઘટનાની સૂચના અપાઈ
ટ્રેક પર પાથરવામાં આવેલા નાના-નાના પથ્થરો પરથી જ્યારે ટ્રેન પસાર થઈ તો આ પથ્થરો મોટા અવાજ સાથે તૂટ્યા તો લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી દીધી હતી. જો કે ટ્રેન પથ્થરોને તોડીને સુરક્ષિત પસાર થઈ ગઈ. રેલવે પાસેથી મળેલી માહિતી પ્રમાણે મેમુ એક્સપ્રેસ ટ્રેનના લોકો પાયલટે મુર્શદપુર રેલવે સ્ટેશન પહોંચતા જ સ્ટેશન માસ્તર અને ઉચ્ચ અધિકારીઓને આ ઘટનાની સૂચના આપી હતી.
રેલવે પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી
ઘટનાની સૂચના મળતાં જ જીઆરપી પ્રભારી પવન કુમાર આરપીએફ કે ધન સિંહ ચૌહાણ સિનિયર સેક્શન એન્જિનિયર રેલવે ટ્રેક પર જ્યાં પથ્થરો પાથરવામાં આવ્યા હતા ત્યાં પહોંચીને તપાસ કરી હતી. હવે રેલવે પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.