બિહાર: ઝેરી દારૂ પીવાથી બે ના મોત અને બે લોકોની આંખોની રોશની જતી રહી
Image Source: Freepik
- મૃતકના પરિજનોએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા
પટના, તા. 24 સપ્ટેમ્બર 2023, રવિવાર
બિહારમાં હજુ પણ ઝેરી દારૂ પીવાના કારણે લોકોના મોતનો સિલસિલો યથાવત છે. એક બાજુ રાજ્યમાં દારૂબંધી છે તો બીજી તરફ રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ સામાન્ય થતી જઈ રહી છે. હવે નવો મામલો મુઝફ્ફરપુરના મોહમ્મદ નગર પોલીસ વિસ્તારનો છે. અહીં બે મિત્રોની દારૂ પીધા બાદ તબિયત લથડી હતી. થોડા સમય બાદ તેમનું મોત થઈ ગયુ હતું. બીજી તરફ અન્ય બે વ્યક્તિઓએ દારૂ પીધા બાદ આંખની રોશની ગુમાવી દીધી છે. આ મામલો મોહમ્મદ નદર પોલીસ સ્ટેશન વિસ્તારના પોખરિયાપિર આંબેડકર નગરનો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પોખરિયાપિર આંબેડકર નગરના બે મિત્રો પપ્પુ રામ અને ઉમેશ શાહે દારૂ પીધો હતો. તેમણે આ દારૂ પણ આ જ ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદ્યો હતો. તેને બિહારમાં ઝમરુઆ કહેવામાં આવે છે. આ ઝેરી દારૂ પીધા બાદ બંને મિત્રોની તબિયત લથડી હતી. બંને મિત્રોનું સારવાર પહેલા જ મોત થઈ ગયુ હતું.
પપ્પુ અને ઉમેશની જેમ જ ધર્મેન્દ્ર રામ અને રાજુ શાહે પણ આ જ દારૂ પીધો હતો. દારૂની અસર બાદ બંને યુવાનોની તબિયત લથડી અને તેમને દેખાવાનું બંધ થઈ ગયું. બંને યુવાનોએ પોતાની આંખોની રોશની ગુમાવી દીધી છે. આ સમગ્ર મામલાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક મૃતકના ઘરે પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં જ અનેક સ્થાનિક લોકો મૃતકોના ઘરે પહોંચી ગયા હતા. મૃતકના ઘરે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. મૃતકના પરિજનોએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે, અહીં ઘરે-ઘરે દારૂ બની રહ્યો છે પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી.