Bihar Election : બિહારમાં પંચાયત પેટાચૂંટણીની જાહેરાત, 28 ડિસેમ્બરે મતદાન, 30 ડિસેમ્બરે પરિણામ
બિહારમાં ચૂંટણી કાર્યક્રમનું જાહેરનામું બહાર પડાયા બાદ સંબંધિત ચૂંટણી વિસ્તારોમાં આદર્શઆચાર સંહિતા લાગુ
ચૂંટણી પંચનો તમામ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી, પંચાયત સહ જિલ્લા અધિકારીને કાર્યક્રમો મુજબ ચૂંટણી યોજવા આદેશ
પટણા, તા.04 નવેમ્બર-2023, સોમવાર
Bihar Panchayat By-Election : બિહાર રાજ્ય ચૂંટણી પંચે પંચાયતની પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. પંચાયતની કુલ 1675 બેઠકો માટે મતદાન યોજાશે. 28 ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે 30 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. બિહારમાં પંચાયતની પેટાચૂંટણીના કાર્યક્રમોનું જાહેરનામું બહાર પડાયા બાદ સંબંધિત ચૂંટણી વિસ્તારોમાં આદર્શઆચાર સંહિતા લાગુ કરી દેવાઈ છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લી વખત 2022 માં પંચ સહિત અન્ય ખાલી જગ્યાઓ માટે પેટાચૂંટણી યોજાઈ હતી.
રાજ્ય ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું
રાજ્ય ચૂંટણી પંચે બિહાર પંચાયતની પેટાચૂંટણીને ધ્યાને રાખી જાહેરનામું બહાર પાડ્યું છે. પંચે તમામ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી, પંચાયત સહ જિલ્લા અધિકારીને ચૂંટણી કાર્યક્રમો મુજબ પેટાચૂંટણી યોજવા આદેશ આપ્યો છે. 9થી 15 ડિસેમ્બરમાં ઉમેદવારીપત્રો ભરાશે અને 16 ડિસેમ્બરે ચકાસણી હાથ ધરાશે, જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ 20 ડિસેમ્બર નિર્ધારીત કરવામાં આવી છે. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે.
પંચાયતના કુલ 1675 પદો માટે યોજાશે પેટાચૂંટણી
આ ચૂંટણીમાં જિલ્લા પરિષદ સદસ્યની 4 જગ્યા, ગ્રામ પંચાયતોના 21 પ્રમુખ, ગ્રામ કચેરી સરપંચની 36, પંચાયત સમિતિના સભ્યની 20 જગ્યા, ગ્રામ પંચાયત સભ્યની 353 જગ્યા તેમજ ગ્રામ કચેરી પંચની 1241 બેઠકો સહિત કુલ 1675 બેઠકો પર મતદાન થશે.