નીતિશ બાદ હવે RJDએ વિવાદનો મધપૂડો છંછેડ્યો, BJP પર પ્રહાર કરવાના ચક્કરમાં પાર્ટી શું બોલી ?

નીતિશ કુમારના આઘાતજનક નિવેદન બાદ આરજેડીએ પણ એક્સ પર વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી

RJDએ પોસ્ટમાં ભાજપના નામો ઉલ્લેખ કર્યો અને અહીં ન લખી શકાય તેવા શબ્દો લખી નાખ્યા

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
નીતિશ બાદ હવે RJDએ વિવાદનો મધપૂડો છંછેડ્યો, BJP પર પ્રહાર કરવાના ચક્કરમાં પાર્ટી શું બોલી ? 1 - image

પટણા, તા.08 નવેમ્બર-2023, બુધવાર

બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે (Bihar CM Nitish Kumar) શિયાળુ સત્ર દરમિયાન જનસંખ્યા નિયંત્રણ મામલે વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કરતા રાજકારણમાં ધમાસાણ ચાલી રહ્યું છે. જોકે નીતિશે બીજા જ દિવસે એટલે કે આજે માફી માગી લીધી છે. તેમણે મીડિયા સમક્ષ ઉપરાંત ગૃહમાં પણ સ્પષ્ટ કહ્યું કે, તેઓ શરમ અનુભવે છે. તેમણે પોતાના નિવેદન પર દુઃખ વ્યક્ત કરી ફરી માફી માંગી... આમ નીતિશ કુમાર વધતા વિવાદને ‘કંટ્રોલ’ કરતા જોવા મળ્યા, જોકે બીજીતરફ BJP પર પ્રહાર કરવાના ચક્કરમાં લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)ની પાર્ટી RJD ‘અનકંટ્રોલ’ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.

RJD મણિપુર અને મહિલા કુસ્તીબાજોના પ્રદર્શનની અપાવી યાદ

નીતિશ કુમારને બચાવવાના ચક્કરમાં RJDએ આજે બુધવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેઓ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે, જોકે ભાજપ પર પ્રહારો કરવાના ચક્કરમાં RJD પોતે જ લખવામાં ભાન ભુલી ગઈ છે. RJD પોતાની પોસ્ટમાં મણિપુર (Manipur)ની ઘટનાનો તેમજ મહિલા કુસ્તીબાજોના પ્રદર્શન (Women Wrestlers Protest)નો પણ ઉલ્લેખ કર્યો છે, જોકે RJDએ પોસ્ટમાં ભાજપના નામનો ઉલ્લેખ કરી એવી વાતો લખી છે, જેને અમે અહીં લખી પણ શકતા નથી.

RJDની પોસ્ટ પર રાજકારણમાં ધડબડાટી, ભાજપે આપ્યો વળતો જવાબ

આરજેડીએ ટ્વિટર પર પોસ્ટ કરી ફરી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. હવે આ મામલે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. ભાજપના પ્રવક્તા પ્રભાકર મિશ્રા (Prabhakar Mishra)એ કહ્યું કે, મુખ્યમંત્રી નીતિશકુમારે ગઈકાલે ગૃહમાં મહિલાઓ મામલે વિવાદાસ્પદ નિવેદન કર્યું, ગૃહની ગરીમાને પણ ઠેસ પહોંચાડી, જેમાં RJDની સંગતની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. આજે રાષ્ટ્રીય જનતા દળ (Rashtriya Janata Dal)ના એક્સ હેંડલ પર પણ જે લખાયું છે અને મહિલાઓ વિશે જે લખવામાં આવ્યું છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે, આરજેડી નેતાઓની નજરમાં મહિલાઓ પ્રત્યે કોઈ ઈજ્જત નથી. આ લોકો મહિલાઓને ભોગ વિલાસની વસ્તુ સમજે છે, આ જ કારણે તેઓ આવા નિવેદન કરી રહ્યા છે.

RJD પોતાની પોસ્ટ મામલે અડગ

રાષ્ટ્રીય જનતા દળે વિવાદાસ્પદ કર્યા બાદ પક્ષના પ્રવક્તા શક્તિ યાદવે કહ્યું કે, અમે-અમારી પાર્ટીએ પોસ્ટ જે લખ્યું છે, તે વાત પર અમે અડગ છીએ. જે નરેન્દ્ર મોદીની સરકારમાં થયું છે, તે જ બાબત એક્સ પર લખવામાં આવી છે.

તેજસ્વી યાદવનું નીતિશના નિવેદનને સમર્થન

ઉલ્લેખનિય છે કે, તેજસ્વી યાદવે (Tejashwi Yadav) નીતિશ કુમારના નિવેદનનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોઈ તેમના નિવેદનનો ખોટો અર્થ સમજે તો તે ખોટી વાત છે. જ્યારે પણ સેક્સ એજ્યુકેશનની વાત કરવામાં આવે છે, ત્યારે લોકો શરમ અનુભવે છે, ખચકાટ અનુભવે છે, જેનાથી બચવું જોઈએ. તેજસ્વીના નિવેદન મામલે ભાજપે પણ વિરોધ નોંધાવ્યો છે અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આજે બુધવારે ત્રીજા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે ભાજપના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો, નીતિશના રાજીનામાની માંગ કરવા લાગ્યા, ત્યારબાદ ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવી પડી.


Google NewsGoogle News