બિહારમાં અટકળો વચ્ચે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે રાજભવનમાં ભેટ, અભિવાદન ઝીલ્યું
Bihar Politics News : બિહારમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા લાલુ પ્રસાદ યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમારને ઓફર આપતા રાજ્યના રાજકારણમાં ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. આમ તો નીતિશ કુમાર અંગે છેલ્લા ઘણા દિવસથી નિવેદનબાજી ચાલી રહી છે, લાલુની ઓફર બાદ નીતિશ અને તેજસ્વી યાદવ વચ્ચે રાજભવનમાં મુલાકાત થતા ચર્ચાઓ વધુ જોર પકડી લીધું છે.
નીતિશ-તેજસ્વી વચ્ચે રાજભવનમાં ભેટ
વાસ્તવમાં બિહારની રાજધાની પટણાનાં રાજભવનમાં આજે રાજ્યપાલનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન નીતિશ કુમાર (CM Nitish Kumar) અને તેજસ્વી યાદવ (Tejashwi Yadav) સામસામે આવ્યા હતા. જ્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી અને નીતિશ કુમાર સામસામે આવ્યા ત્યારે નીતિશ થોડો સમય અટકી ગયા હતા, પરંતુ છેવટે તેજસ્વીએ અભિવાદન કર્યું, ત્યારે નીતિશે તેમનો હાથ પકડી લીધો હતો. ઉલ્લેખની છે કે, બિહારમાં આરિફ મહમ્મદ ખાન (Arif Mohammad Khan)ને નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : નીતિશ કુમારને લાલુ યાદવની ઑફરથી બિહારમાં હલચલ તેજ, કોંગ્રેસે પણ કર્યા વખાણ
લાલુના નિવેદન મુદ્દે તેજસ્વીએ કરી સ્પષ્ટતા
રાજભવનમાં નીતિશ-તેજસ્વી વચ્ચે મુલાકાત થઈ તે પહેલા પૂર્વ સીએમએ એક નિવેદન આપ્યું અને હવે તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં લાલુ પ્રસાદ દ્વારા નીતિશ કુમારને ઓફર આપવા મુદ્દે તેજસ્વી યાદવે કહ્યું કે, ‘લાલુજીએ મીડિયાને શાંત પાડવા માટે આ નિવેદન આપ્યું હતું. તમે લોકો રોજ પૂછતા રહો છો, તેથી અમે પણ શું બોલીએ.’
કોંગ્રેસે નીતિશ કુમારના કર્યા વખાણ
લાલુ-નીતિશ વચ્ચે ઓફરની ગેમ બાદ કોંગ્રેસનું પણ નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા શકીલ અહમદ ખાને રાજ્યના મુખ્યમંત્રીના વખાણ કરીને કહ્યું કે, ‘જે લોકો ગાંધીવાદી છે, તેઓ અમારી સાથે આવશે. નીતિશ કુમાર ગાંધીવાદી છે, તેઓ ગાંધીજીના સિદ્ધાંતો પર ચાલે છે.’
અમે નહીં, તો લોકો મૂંઝવણમાં છે : JUDના મંત્રી
JDU અને RJD નેતાઓએ રાજકારણને ગરમાવ્યા બાદ નીતિશ સરકારના મંત્રી વિજય કુમારે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘આરજેડીના એક નેતા કહે છે કે, દરવાજો બંધ છે, જ્યારે બીજા નેતા કહે છે કે, દરવાજા ખુલ્લા છે. આનો અર્થ એ છે કે, અમે લોકો નહીં, પણ તેઓ મૂંઝવણમાં છે.’
લાલુ પ્રસાદ યાદવે શું કહ્યું હતું ?
આ પહેલા લાલુ યાદવે (Lalu Prasad Yadav) કહ્યું હતું કે, ‘નીતિશ માટે અમારા દરવાજા ખુલ્લા છે, નીતિશે પણ ખોલીને રાખવા જોઈએ. જો તેઓ અમારી સાથે આવે છે, તો અમે કેમ ન લઈએ? અમે તેમને સાથે લઈશું. નીતિશ અમારી સાથે આવે અને અમારી સાથે કામ કરે. નીતિશ કુમાર ભાગી જાય છે, જોકે અમે માફ કરી દઈશું.’ આ પહેલા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, નીતિશ કુમાર માટે દરવાજા બંધ છે, જોકે આરજેડીમાં લાલુ યાદવનો નિર્ણય જ સર્વોપરી માનવામાં આવે છે.’
આ પણ વાંચો : આ વખતે નીતિશ કુમાર માટે પલટી મારવી અઘરી, જૂનો હિસાબ પણ બરાબર કરવા ભાજપની તૈયારી