બિહારમાં કોયડો ગુંચવાયો, ભાજપ અને નીતીશ કુમારે એકબીજા સામે રાખી મુશ્કેલ શરતો
ભાજપે નીતીશનું રાજીનામું માગ્યું તો જેડીયુએ કહ્યું પહેલા તમે સમર્થન પત્ર આપો
બિહારમાં જુદા જુદા રાજકીય પક્ષો વચ્ચે બેઠકોનો દોર યથાવત્
Bihar politics news | બિહારમાં રાજકીય અફરાતફરીનો માહોલ હજુ પણ યથાવત્ છે. જુદા જુદા રાજકીય પક્ષોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્યારે પટણામાં જેડીયુ ધારાસભ્યોની બેઠક પણ યોજાવા જઇ રહી છે. આરજેડીએ પણ તેના ધારાસભ્યોને પટણામાં જ રોકાવાનો આદેશ આપ્યો છે. બીજી બાજુ ભાજપ આજે તેના સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક કરવાનો છે. જ્યારે પૂર્ણિયામાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક થશે જેના માટે ભૂપેશ બઘેલને પર્યવેક્ષક બનાવાયા છે. આ સૌની વચ્ચે વધુ એક ચર્ચાસ્પદ સમાચાર એ આવ્યા છે કે ભાજપ અને જેડીયુ વચ્ચે ફરી કોયડો ગુંચવાઈ શકે છે.
ભાજપે મૂકી નીતીશ કુમાર સામે શરત !
સૂત્રોએ એવો દાવો કર્યો છે કે ભાજપે નીતીશ કુમાર સામે એવી શરત રાખી દીધી છે કે પહેલાં તમે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપો અને તેના બાદ જ ભાજપ તથા એનડીએના અન્ય સાથી પક્ષો તમને સમર્થન પત્ર સોંપશે. રાજીનામા બાદ જ એનડીએના ધારાસભ્ય દળની બેઠક પણ થશે જેમાં નીતીશ કુમારને એનડીએના ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવશે.
નીતીશ કુમારની જેડીયુએ શું કહ્યું?
આ સૌની વચ્ચે નીતીશ કુમારની જેડીયુનું કહેવું છે કે અમારા મુખ્યમંત્રી ત્યારે જ રાજીનામું આપશે જ્યારે ભાજપ અને એનડીએ દ્વારા સમર્થન પત્ર સોંપવામાં આવશે. હવે બંને વચ્ચે એકબીજાની માગને ધ્યાનમાં રાખીને કોયડો ગુંચવાતો દેખાઈ રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે જેડીયુના ધારાસભ્યોને એ વાતને લઈને આશંકા છે કે ભાજપ તેના વાયદા પર કાયમ રહેશે એટલે તેઓએ મુખ્યમંત્રી પદેથી નીતીશ કુમારને ત્યારે જ રાજીનામુ આપવા કહ્યું છે જ્યારે ભાજપ તરફથી તેમને સમર્થન પત્ર મળી જાય. પાર્ટીના અમુક નેતાઓને આશંકા છે કે ભાજપ પહેલા નીતીશનું રાજીનામું કરાવશે પછી વિધાનસભાને ભંગ કરવા મજબૂર કરી શકે છે.