રાજીનામાની ચર્ચા વચ્ચે અચાનક દિલ્હી પહોંચ્યા નીતિશ કુમાર, જાણો શું છે તેમનો નવો પ્લાન
Bihar Politics: મુખ્યમંત્રી નીતીશ કુમાર બે દિવસના દિલ્હી પ્રવાસે પહોંચ્યા છે. તેમની દિલ્હી મુલાકાતથી જ તેમના રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચર્ચાને જોર આપવામાં પ્રશાંત કિશોરની પણ ભૂમિકા રહી છે અને રાષ્ટ્રીય જનતા દળના નેતા પણ આ પ્રકારની વાતો ફેલાવી રહ્યા છે. પરંતુ ખાનગી ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ બે અલગ-અલગ કામ માટે દિલ્હી ગયા છે.
તેમણે પોતાની પ્રગતિ યાત્રા પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન બાદ રોકી હતી. હવે તેઓ તેમના પરિવારજનોને મળીને તેમને સાંત્વના આપવા અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સાથે આગળની યોજનાઓ નક્કી કરવા દિલ્હી પહોંચ્યા છે.
મનમોહન સિંહના નિધન બાદ બદલાયો કાર્યક્રમ
મુખ્યમંત્રી નીતિશ કુમારની આ સીઝનની યાત્રા મોટાભાગે મૂંઝવણભરી રહી. શરૂઆતમાં બે વખત તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી ન હતી. પછી મહિલા સંવાદનો મુદ્દો આવ્યો અને આ યાત્રાનું નામ પ્રગતિ યાત્રા તરીકે ઔપચારિક જાહેર થયું. ખરમાસમાં પ્રવાસ શરૂ થયો ત્યારે એક દિવસ નાતાલની રજા હતી. જ્યારે ફરી યાત્રા શરૂ થઈ તો બીજા જ દિવસે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધનને કારણે તેમણે યાત્રા રોકી દીધી. 27 અને 28 ડિસેમ્બરે પ્રગતિ યાત્રા મોકૂફ રાખવાની ઔપચારિક માહિતી સાથે સાત દિવસનો રાષ્ટ્રીય શોક અને રાજકીય શોકની પણ જાહેરાત કરવામાં આવી હતી. પ્રગતિ યાત્રા હવે 4 જાન્યુઆરીથી શરૂ થશે. તે પહેલા તેઓ પૂર્વ વડાપ્રધાનના શોકગ્રસ્ત પરિવારના સભ્યોને મળવા માટે દિલ્હી જવા રવાના થયા હતા. યાત્રાનો બીજો તબક્કો 4 જાન્યુઆરીથી ગોપાલગંજથી શરૂ થશે. મુઝફ્ફરપુર અને વૈશાલી માટે હવે 5 અને 6 જાન્યુઆરીની તારીખો નક્કી કરવામાં આવી છે. 27-28 ડિસેમ્બરે અહીં જવાનું હતું.
આ પણ વાંચો: 'ભગવાન હનુમાન તો રાજભર જાતિમાં જન્મ્યાં હતા...' ભાજપ સહયોગી દિગ્ગજનો નવો ફણગો
NDA નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક થશે
મુખ્યમંત્રી નીતીશ કુમાર દિલ્હીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)ના નેતાઓને પણ મળશે. ભાજપના ટોચના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ તેઓ સંભવતઃ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ અથવા નિવેદન પણ જારી કરી શકે છે. ખરમાસ ખતમ થયા બાદ બિહારમાં 15 જાન્યુઆરીથી NDAના નેતાઓની અલગથી તૈયારી છે, જેની માહિતી તેઓ દિલ્હીમાં આપી શકે છે. આની અપેક્ષા એટલા માટે પણ કરવામાં આવી રહી છે કારણ કે તાજેતરમાં જ ગૃહમંત્રી અને ભાજપના વ્યૂહરચનાકાર અમિત શાહે મુખ્યમંત્રીના ચહેરાના પ્રશ્નને લઈને મૂંઝવણભર્યું નિવેદન આપ્યું હતું. આ જ નિવેદન પછી વારંવાર એ મુદ્દો ઊભો થાય છે કે ક્યારેક મુખ્યમંત્રીનો ભાજપથી મોહભંગ થઈ રહ્યો છે તો ક્યારેક મહારાષ્ટ્રની જેમ બિહારમાં પણ ભાજપ તેના સૌથી મજબૂત સાથી સાથે દગો કરી શકે છે.